13 October, 2025 04:35 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સંજય રાઉત ફાઇલ તસવીર
શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથના નેતા અને સાંસદ સંજય રાઉતની તબિયત અચાનક બગડવાને કારણે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા આવ્યા છે. તેમને મુંબઈના મુલુંડ સ્થિત ફોર્ટિસ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. થોડા સમય પહેલા રાઉત ભાંડુપ સ્થિત તેમના નિવાસસ્થાને મીડિયા સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. જોકે, તે પછી તરત જ તેમની તબિયત બગડી ગઈ અને તેમને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા.
ખરેખર શું થયું?
પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, આ કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા નથી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેમના સ્વાસ્થ્યમાં વધઘટને કારણે તેમને નિયમિત તપાસ માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાઉત હાલમાં ફોર્ટિસ હૉસ્પિટલમાં તબીબી પરીક્ષણો લઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમની તબિયત ઘણા દિવસોથી બગડી હતી. તેથી, તેઓ ડૉક્ટરની સલાહ પર તેઓ તપાસ માટે દાખલ થયા છે. પ્રારંભિક માહિતી અનુસાર, આ ફક્ત એક નિયમિત તપાસ હોવાથી, પરીક્ષણો પૂર્ણ થયા પછી આજે સાંજ સુધીમાં તેમને રજા આપવામાં આવે તેવી શક્યતા છે.
કાર્યકરોમાં ચિંતાનો માહોલ
રાજકીય વર્તુળોમાં ખૂબ જ સક્રિય રહેતા સંજય રાઉતને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાના સમાચારથી તેમના કાર્યકરો અને સમર્થકોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. જોકે, તેઓ રૂટિન ચેકઅપ માટે હૉસ્પિટલમાં ગયા હોવાનું બહાર આવ્યા બાદ બધાએ રાહતનો શ્વાસ લીધો છે. સાંસદ સંજય રાઉતના સ્વાસ્થ્ય અંગેની સત્તાવાર વિગતો ટૂંક સમયમાં બહાર આવે તેવી શક્યતા છે.
ઠાકરે બંધુઓની યુતિને લઈને સંજય રાઉતના નિવેદનો
શિવસેના (UBT)ના નેતા અને ઉદ્ધવ ઠાકરેના નિકટવર્તી સંજય રાઉતે રાજ ઠાકરે સાથે શિવસેના (UBT)ની યુતિ વિશે મોટું નિવેદન આપતાં કહ્યું હતું કે ‘છેલ્લા ૬ મહિનાથી ઠાકરે બંધુઓ ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેમાં નજદીકી વધી છે. હવે તેમની વચ્ચે યુતિ થવાની વાત આગળ વધી ગઈ છે. બન્ને એકસાથે આવવાની મન:સ્થિતિમાં છે. સ્થાનિક સ્તરે પણ નેતાઓ છેલ્લા તબક્કા સુધી પહોંચી ગયા છે અને એમાં પારોઠનાં પગલાં લેવાય એવી શક્યતા નથી.’ બાન્દ્રા-ઈસ્ટની MIG ક્લબમાં શનિવારે સંજય રાઉતના પૌત્રની નામકરણવિધિ હતી. એમાં રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે સજોડે આવ્યા હતા. રાજ ઠાકરે ત્યાંથી માતોશ્રી ગયા હતા. એ પછી ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચે ૪૦ મિનિટ સુધી બંધબારણે ચર્ચા થઈ હતી. સંજય રાઉતે કહ્યું હતું કે આ બેઠકમાં રાજકીય ચર્ચા થઈ હતી. સંજય રાઉતે વધુમાં કહ્યું હતું કે ‘મુંબઈનો મેયર ભગવાની નીચે મરાઠી જ બનશે. એટલું જ નહીં, તે દિલ્હીની સામે કુર્નિશ બજવાતો નહીં હોય. આ યુતિ હવે દિલ અને દિમાગથી બનશે. આ રાજકીય યુતિ નહીં હોય પણ તન, મન અને ધનની યુતિ હશે.’