ગુજરાતીઓના મત જોઈએ છે, પણ ગુજરાતી નેતા બને એ પસંદ નથી

29 September, 2022 01:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગયા વર્ષે અવસાન પામેલા બીજેપીના છ વખતના નગરસેવક ડૉ. રામ બારોટના પુત્રે બીજેપી સાથે નાતો તોડીને શિવબંધન બાંધવા માટેનું કારણ કહ્યું

ડૉ. રામ બારોટના પુત્ર નીરવે ઉદ્ધવ ઠાકરેના હાથે શિવબંધન બાંધીને પક્ષમાં પ્રવેશ કર્યો હતો

એક-બે નહીં, છ-છ વખત મલાડ-પૂર્વમાં બીજેપીમાંથી નગરસેવક તરીકે ચૂંટાઈ આવેલા અને ગયા વર્ષે જેમનું અવસાન થયું હતું એ ડૉ. રામ બારોટના પુત્ર નીરવે સોમવારે અચાનક બીજેપી છોડીને ઉદ્ધવ ઠાકરેના હાથે શિવબંધન બાંધતાં બધા ચોંકી ઊઠ્યા છે. બીજેપીના સ્થાનિક નેતાઓ દ્વારા છેલ્લા કેટલાક સમયથી પિતાની અવગણના થવાની સાથે તેઓ લાંબા સમય સુધી બીમાર હોવા છતાં કોઈએ તેમની ખબર સુધ્ધાં નહોતી લીધી. તેમની જગ્યાએ બારોટ પરિવારમાંથી કે કોઈ ગુજરાતી વ્યક્તિ નેતા ન બને એ માટેના પ્રયાસ પક્ષના નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યા હોવાથી પોતે આવો નિર્ણય લીધો હોવાનું તેમણે જણાવ્યું હતું. 

મલાડ-પૂર્વમાં બીજેપીના ઉમેદવાર તરીકે ડૉ. રામ બારોટ છ વખત ચૂંટાઈ આવ્યા હતા અને એક વખત તેઓ મુંબઈ બીએમસીના ડેપ્યુટી મેયર પણ બન્યા હતા. બીજેપીનો જ્યારે જન્મ પણ નહોતો થયો એ વખતથી તેઓ જોડાયેલા હોવા છતાં છેલ્લાં કેટલાંક વર્ષમાં તેમની મુંબઈ બીજેપીના નેતાઓ દ્વારા સતત અવગણના થઈ રહી હોવાનો આરોપ તેમના પુત્ર નીરવે મૂક્યો છે.
નીરવ બારોટે આ વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગયા વર્ષે પિતા રામ બારોટ એક મહિના સુધી નાણાવટી હૉસ્પિટલમાં સારવાર હેઠળ રહ્યા હતા. ડૉક્ટરોએ તેમની તબિયતમાં 
સુધારો થવાની શક્યતા ન હોવાનું કહેતાં અમે તેમને ઘરે લઈ આવ્યા હતા. ઘરમાં તેમણે વીસેક દિવસ બાદ અંતિમ શ્વાસ લીધા હતા. તેમણે લગભગ અડધી જિંદગી બીજેપીને આપી હતી, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે તેમની બીમારી દરમ્યાન કે તેમના મૃત્યુ સમયે બીજેપીનો એક પણ નેતા ફરક્યો નહોતો. 

અરે, કોઈએ ફોન કરીને તબિયતની પૃચ્છા પણ નહોતી કરી. બધા તેમના અવસાનની રાહ જોઈને બેઠા હતા અને મલાડ-પૂર્વની બેઠકમાં કોને ગોઠવવા એની હિલચાલ આદરી દીધી હતી. પિતાની સેવાની તેમણે કદર તો કરી નહીં, પણ અમારા પરિવારમાંથી મારા સહિત કોઈ નેતા બને એવું આ લોકો ઇચ્છતા ન હોવાનું તેમના વર્તન પરથી જણાઈ આવ્યું હતું. બીજેપી મુંબઈના અધ્યક્ષથી માંડીને સ્થાનિક વિધાનસભ્ય સુધી પક્ષના તમામ નેતાઓને બીજેપીના મત જોઈએ છે, પણ કોઈ ગુજરાતી નેતા સક્ષમ બને એ મંજૂર નથી. બસ, આ કારણસર આ સ્થાનિક નેતાઓ માટે મારું મન ખાટું થઈ ગયું છે. જોકે મને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ માટે કોઈ ફરિયાદ નથી. સ્થાનિક સ્તરે ગુજરાતીઓને અવગણવામાં આવી રહ્યા હોવાથી મેં ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં પ્રવેશ કરવાનો નિર્ણય લીધો હતો. શિવસેના અને બીજેપીની વિચારણસરણી લગભગ એકસરખી હોવાથી મેં બીજા પક્ષોને બદલે શિવસેના પસંદ કરી. બીએમસીની ચૂંટણી લડવા માટે મેં આ નિર્ણય નથી લીધો, પણ પિતાએ કરેલાં કામ માટે તેઓ યાદ રહે એ માટેના મારા પ્રયાસ છે.’

mumabi mumbai news shiv sena bharatiya janata party