✕

બાળ ઠાકરેની તસવીરવાળો કાગળ ફાડવાના વિવાદ બાદ શાઇના એન.સી.એ માફી માગી, કહ્યું...

20 November, 2026 08:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સાચા શિવસૈનિકો કે બાળાસાહેબના ચાહકોની લાગણી દુભાઈ હોય તો હું દિલથી માફી માગું છું, સ્વર્ગસ્થ સુપ્રીમો પ્રત્યેની મારી વફાદારી સાબિત કરવા કોઈના સર્ટિફિકેટની જરૂર નથી

શાઇના એન.સી.એ બાળ ઠાકરે સાથેનાં સંસ્મરણો વાગોળતાં ફોટો અને પોસ્ટ મૂકી

શિવસેનાનાં નેતા શાઇના એન.સી.એ બુધવારે એક પત્રકાર-પરિષદમાં બાળ ઠાકરેનો ફોટો ભૂલથી ફાડ્યા બાદ સર્જાયેલા વિવાદના પગલે તેમણે ગુરુવારે માફી માગી હતી. તેમણે આ વિશે સોશ્યલ મીડિયા પર પોસ્ટ મૂકીને કહ્યું હતું કે જો મારા કૃત્યથી અજાણતાં પણ સાચા શિવસૈનિકો કે બાળાસાહેબ ઠાકરેના ચાહકોની લાગણી દુભાઈ હોય તો હું તેમની દિલથી માફી માગું છું. જોકે શિવસેનાના આ નેતાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પાર્ટીના સ્વર્ગસ્થ સુપ્રીમો પ્રત્યેનો પોતાનો પ્રેમ અને વફાદારી સાબિત કરવા માટે તેમને કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. સોશ્યલ મીડિયા પરની પોસ્ટમાં શાઇના એન.સી.એ જણાવ્યું હતું કે બાળાસાહેબ ઠાકરે તેમના માટે પિતાતુલ્ય હતા અને તેમના જીવનમાં ભગવાન જેવું સ્થાન ધરાવતા હતા. તેમણે કહ્યું હતું કે ‘બાળાસાહેબ પ્રત્યે સામાન્ય જનતામાં રહેલી શ્રદ્ધા અને પ્રેમને હું પૂરી રીતે સમજું છું. મારા માટે અને લાખો લોકો માટે બાળાસાહેબ માત્ર એક નેતા જ નહીં, દેવતુલ્ય હતા. જો મારા કૃત્યથી અજાણતાં પણ સાચા શિવસૈનિકો કે બાળાસાહેબના ચાહકોની લાગણી દુભાઈ હોય તો હું તેમની દિલથી માફી માગું છું.’

શાઇના એન.સી.એ બાળ ઠાકરે સાથેનાં સંસ્મરણો વાગોળતાં ફોટો અને પોસ્ટ પણ મૂકી

શાઇના એન.સી.એ બાળ ઠાકરે સાથે જોડાયેલી વાત પણ પોસ્ટમાં મૂકી હતી કે ‘હું નાની હતી ત્યારે પહેલી વાર બાળાસાહેબને મળી હતી. તેઓ મારા પપ્પાના સૌથી નજીકના મિત્ર હતા. અમારા પરિવાર સાથે તેમનો ખૂબ જ ગાઢ સંબંધ હતો. અમને ઘણાં વર્ષો સુધી તેમનો સતત સાથ અને આશીર્વાદ મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. તેમણે મારા જીવનની સૌથી મહત્ત્વની ક્ષણોમાંની એક એવા મારાં લગ્નમાં ખાસ હાજરી આપી હતી.’ આ પોસ્ટમાં શાઇના એન.સી.એ પોતાનાં લગ્ન સમયની બાળા ઠાકરે સાથેની તસવીરો પણ જોડી હતી.

ગુરુવારે પણ શાઇના એન.સી. સામે FIR નોંધવાની માગણી થઈ

સોનિયા ગાંધીએ તેમનાં સંસ્મરણોના પુસ્તક ‘બિલૉન્ગિંગ - અ જર્ની ઑફ લવ’માં વીર સાવરકર વિશે કરેલી ટિપ્પણી સામે બુધવારે શિવસેનાના નેતાઓ દ્વારા કરવામાં આવેલા વિરોધ-પ્રદર્શન દરમ્યાન શાઇના એન.સી.એ અજાણતાં જ બાળાસાહેબ ઠાકરેની તસવીરવાળો કાગળ ફાડી નાખતાં તેઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયાં હતાં. આ મુદ્દે શિવસેના (UBT) દ્વારા બુધવારે ઠેર-ઠેર વિરોધ-પ્રદર્શનો કરવામાં આવ્યાં હતાં અને ગુરુવારે પણ દાદરમાં શિવસેના (UBT)ના હેડક્વૉર્ટર સેનાભવન બહાર સેંકડો કાર્યકરોએ પ્રદર્શન કરીને શાઇના એન.સી. વિરુદ્ધ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવાની માગણી કરી હતી.

shaina nc bal thackeray shiv sena uddhav thackeray indian politics maharashtra news sonia gandhi congress