અઠવાડિયે છથી ૧૧ ટકા વ્યાજ મેળવવાની લાલચ ભારે પડી

07 January, 2025 06:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દાદરની કંપનીની ઑફરમાં ફસાયા લોકો : ૧૩,૪૮,૧૫,૦૯૨ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ

દાદર-વેસ્ટની ટોરેસ કંપનીની બહાર સ્ટાફને રોકાણકારોના ગુસ્સાથી બચાવવા માટે પોલીસબંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

દાદર-વેસ્ટમાં જે. કે. સાવંત રોડ પર આવેલી ટોરેસ વાસ્તુ સેન્ટર નામની કંપની સામે શિવાજી પાર્ક પોલીસે ગઈ કાલે ૧૩,૪૮,૧૫,૦૯૨ રૂપિયાની છેતર‌પિંડી કરવાની ફરિયાદ નોંધી હતી. કંપનીએ આ રકમ લેવાની સામે લોકોને ડાયમન્ડના નકલી દાગીના કે સિંગલ ડાયમન્ડ પધરાવ્યા હતા. દાદરમાં શાકભાજીની દુકાન ધરાવતી એક વ્યક્તિ અને તેના ઓળખીતાઓએ ડાયમન્ડના દાગીનાની સાથે ઊંચું વ્યાજ મેળવવાની લાલચમાં આટલી મોટી રકમ ગુમાવી હોવાનું જાણવા મળ્યું હતું. ટોરેસ કંપનીએ મીરા રોડ, કાંદિવલી અને નવી મુંબઈના સાનપાડામાં પણ દાદર જેવા જ શોરૂમ ઊભા કર્યા હતા જે ગઈ કાલથી બંધ થઈ જતાં આ કંપનીમાં રોકાણ કરનારા મોટી સંખ્યામાં લોકો ‌ચિંતામાં મુકાઈ ગયા હતા અને તેઓ શોરૂમ પર પહોંચી ગયા હતા.

શિવાજી પાર્ક પોલીસ-સ્ટેશનના જણાવ્યા મુજબ દાદરમાં શાકભાજીની દુકાન ધરાવતા પ્રદીપકુમાર વૈશ્ય અને તેના ઓળખીતાઓએ ટોરેસ વાસ્તુ સેન્ટરમાં ૧૩,૪૮,૧૫,૦૯૨ રૂપિયાનું રોકાણ કર્યું હતું. એની સામે કંપનીએ તેમને ડાયમન્ડના દાગીના આપ્યા હતા. આ ઉપરાંત રોકાણકારોને પહેલા અઠવાડિયે ૬ ટકા અને બાદમાં ૧૧ ટકા વ્યાજ ચૂકવવામાં આવી રહ્યું હતું. ૨૯ ડિસેમ્બર સુધી રોકાણકારોને દર સોમવારે વ્યાજની રકમ બૅન્કના ખાતામાં મળી જતી હતી. એ પછી વ્યાજ મળવાનું બંધ થઈ ગયું હતું. રોકાણકારોએ કંપનીમાં તપાસ કરતાં ટૂંક સમયમાં ફરી વ્યાજ આપવાની શરૂઆત કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. ગઈ કાલે કંપનીના માલિક સહિત મૅનેજર અચાનક ગાયબ થઈ ગયા હતા. રોકાણકારો વ્યાજની રકમ વિશે પૂછપરછ કરવા કંપનીમાં ગયા હતા ત્યારે ત્યાં જુનિયર સ્ટાફ જ હાજર હતો. આથી કંપનીના માલિકો સહિત વિવિધ પદાધિકારીઓ સામે ૧૩,૪૮,૧૫,૦૯૨ રૂપિયાની છેતરપિંડી કરવાની ફરિયાદ નોંધવામાં આવી છે. તમામ આરોપીઓ ફરાર થઈ ગયા છે.

સ્ટાફને બચાવવા પોલીસબંદોબસ્ત
ટોરેસ કંપનીના માલિક સહિતના તમામ પદાધિકારીઓ પલાયન થઈ જતાં કંપનીની અંદર ગઈ કાલે સવારના માત્ર જુનિયર સ્ટાફ હતો. બહાર મોટી સંખ્યામાં રોકાણકારો એકત્રિત થયા હતા. તેઓ કંપનીની અંદર જઈને તોડફોડ કરવાની સાથે સ્ટાફની મારપીટ પણ કરી શકે એવી સ્થિતિ ઊભી થતાં કંપનીની બહાર પોલીસબંદોબસ્ત ગોઠવીને સ્ટાફને બહાર કાઢવામાં આવ્યો હતો. 

dadar shivaji park Crime News mumbai crime news crime branch