ટીચરે નવમા ધોરણના સ્ટુડન્ટને લાફો મારતાં કાનનો પડદો તૂટ્યો

04 October, 2022 12:19 PM IST  |  Mumbai | Prakash Bambhrolia

સાંતાક્રુઝમાં આવેલી શેઠ આનંદીલાલ પોદાર વિદ્યાલયની ઘટનામાં પોલીસે શિક્ષક સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી

ફાઇલ તસવીર

સાંતાક્રુઝમાં ૧૪ વર્ષના એક સ્ટુડન્ટને ટીચરે એટલો બધો માર્યો હતો કે તેના કાનનો પડદો તૂટી ગયો હતો. સ્ટુડન્ટ ક્લાસમાં પાછલી બેન્ચ પર બેસીને ભણવાને બદલે વાતો કરતો હોવાનું માનીને સંસ્કૃતના ટીચરે ગુસ્સામાં આવીને તેના ગાલ પર ધડાધડ લાફા ફટકારી દીધા હોવાની ફરિયાદ સાંતાક્રુઝ પોલીસે નોંધીને તપાસ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા મુજબ સાંતાક્રુઝ-વેસ્ટમાં લિન્ક રોડ પર આવેલી શેઠ આનંદીલાલ પોદાર વિદ્યાલયના નવમા ધોરણમાં નીરજ યાદવ નામનો સ્ટુડન્ટ ભણે છે. ૨૭ સપ્ટેમ્બરે સંસ્કૃતના વિષયના શિક્ષક કમલેશ તિવારી કલાસમાં ભણાવી રહ્યા હતા ત્યારે તેમના ધ્યાનમાં આવ્યું હતું કે ભણવામાં ધ્યાન આપવાને બદલે છેલ્લી બેન્ચ પર બેસેલો નીરજ તેની બાજુમાં બેસેલા વિદ્યાર્થી સાથે વાતો કરી રહ્યો છે. આથી ટીચર તેની પાસે ગયા હતા અને તેના પર તૂટી પડ્યા હતા. તેમણે નીરજના ચહેરા પર ધડાધડ અનેક લાફા માર્યા હતા અને બાજુમાં બેસેલા સ્ટુડન્ટને પણ ફટકાર્યો હતો એવું નીરજની માતા પૂનમે ફરિયાદમાં નોંધાવ્યું છે.

નીરજની માતા પૂનમ યાદવે ફરિયાદમાં એવું પણ નોંધાવ્યું છે કે ‘મારો પુત્ર નીરજ કોઈ સાથે વાત નહોતો કરતો, પણ ક્લાસ ચાલુ હતો ત્યારે માથું નીચે રાખીને ધ્યાનથી સાંભળી રહ્યો હતો. આ સમયે ક્લાસના બીજા વિદ્યાર્થીઓ જોર-જોરથી બોલી રહ્યા હતા એટલે ટીચર કમલેશ તિવારીને લાગ્યું કે મોઢા પર હાથ રાખીને નીરજ બૂમો પાડી રહ્યો છે અને આસપાસના વિદ્યાર્થીઓ સાથે વાતો કરી રહ્યો છે. તેઓ નીરજની નજીક આવ્યા હતા અને તેના ચહેરા પર લાફા મારવા લાગ્યા હતા. શિક્ષકના માર બાદ નીરજના કાનમાં દુખાવો થવા માંડ્યો હતો અને સાંભળવામાં પણ મુશ્કેલી થતી હતી. ડૉક્ટરે તપાસ કરતાં જણાયું હતું કે નીરજના કાનનો પડદો તૂટી ગયો છે. ટીચરની મારપીટથી આવું થયું હોવાથી અમે સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.’

પોલીસે કહ્યું હતું કે ‘સંસ્કૃતના શિક્ષકે નીરજ યાદવના ચહેરા અને કાનની ઉપર લાફા મારવાની સાથે તેની બાજુમાં બેસેલા ક્રિષ્ના ચવાણ નામના એક વિદ્યાર્થીને પણ માર્યો હતો. આથી બંને સ્કૂલના હેડમાસ્તરની ઑફિસમાં ગયા હતા અને શિક્ષકની ફરિયાદ કરી હતી. હેડમાસ્તરે નીરજ સાથે બે શિક્ષકોને ખારમાં આવેલી રામકૃષ્ણ મિશન હૉસ્પિટલમાં સારવાર માટે મોકલ્યા હતા. બીજા દિવસે સ્કૂલના શિક્ષકો નીરજને કાનના ડૉક્ટર પાસે લઈ ગયા હતા. ડૉક્ટરે તપાસ કર્યા બાદ જણાયું હતું કે તેના કાનના પડદાને નુકસાન થયું હોવાથી તેને સાંભળવામાં તકલીફ થઈ રહી છે. આ રિપોર્ટના આધારે નીરજની માતા પૂનમ યાદવે સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં આવીને ૨૯ સપ્ટેમ્બરે ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસે શિક્ષક કમલેશ તિવારી સામે આઇપીસીની કલમ ૩૨૫ અને ૭૫ અંતર્ગત ફરિયાદ નોંધી હતી.’

સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર બાળાસાહેબ તાંબેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શેઠ આનંદીલાલ પોદાર વિદ્યાલયના નવમા ધોરણમાં ભણતા નીરજ યાદવ નામના સ્ટુડન્ટના કાનના પડદાને નુકસાન થયું હોવાનો ડૉક્ટરનો રિપોર્ટ અને સ્કૂલના ટીચર કમલેશ તિવારીએ તેની મારપીટ કરી હોવાની ઘટના સંબંધિત ફરિયાદ નોંધીને અમે તપાસ હાથ ધરી છે. હજી સુધી ટીચરની ધરપકડ નથી કરવામાં આવી.’

આ સંદર્ભે વિદ્યાલય તેમ જ શિક્ષમ કમલેશ તિવારીનો સંપર્ક કરવાની કોશિશ કરવા છતાં તેઓ નહોતા મળી શક્યા.

mumbai\ mumbai news santacruz prakash bambhrolia