સોશ્યલ મીડિયા પર ફેમસ થવાના ચક્કરમાં થાણેના યુવકે જંગલમાં કીડીઓ અને પક્ષીઓનાં ઈંડાં ખાધાં

10 May, 2026 09:12 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફૉરેસ્ટ વિભાગની કડક કાર્યવાહી બાદ આ યુવાનને પોતાની ભૂલ સમજાઈ હતી અને તેણે સોશ્યલ મીડિયા પર જાહેરમાં માફી માગી હતી

જંગલમાં જંગલી કીડીઓ ખાતો હતો વિપુલ પાર્ટે. ફૉરેસ્ટ વિભાગની અટકાયતમાં થાણેનો બેઅર ગ્રિલ્સ ઉર્ફે વિપુલ પાર્ટે.

સોશ્યલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવા અને વ્યુઝ વધારવા માટે જોખમી કે અયોગ્ય સ્ટન્ટ કરતા લોકો માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ચલાવતા અને પોતાની જાતને ‘થાણેના બેઅર ગ્રિલ્સ’ તરીકે ઓળખાવતા વિપુલ પાર્ટેની થાણેના ફૉરેસ્ટ વિભાગે અટકાયત કરીને તેની પાસેથી દંડ વસૂલ કર્યો હતો. થાણેના યેઉર જંગલમાં જઈને જંગલી કીડીઓ અને પક્ષીઓનાં ઈંડાં ખાતો વિડિયો ઉતારીને તેણે સોશ્યલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. આ પ્રકારની વિચિત્ર હરકતો કરવાના શોખમાં વિપુલે કાયદાકીય મુશ્કેલી વહોરી લીધી હોવાનું જોવા મળ્યું છે. 

થાણેના ફૉરેસ્ટ વિભાગના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઇન્સ્ટાગ્રામ પર થાણેના બેઅર ગ્રિલ્સ નામે અકાઉન્ટ ધરાવતા વિપુલનો યેઉરના જંગલમાં શૂટ કરવામાં આવેલો એક વિડિયો સોશ્યલ મીડિયામાં જોરદાર વાઇરલ થયો હતો. આ વિડિયોમાં તે જંગલી કીડીઓ અને પક્ષીઓનાં ઈંડાં ખાતો જોવા મળ્યો હતો. આ વિસ્તાર સંજય ગાંધી નૅશનલ પાર્કનો સંવેદનશીલ ભાગ માનવામાં આવે છે. વિપુલ જંગલની જૈવવિવિધતા અને વન્યજીવોના કુદરતી રહેઠાણ સાથે છેડછાડ કરતો જોવા મળતાં અનેક પર્યાવરણપ્રેમીઓએ અમારી પાસે ફરિયાદ નોંધાવી હતી જેની નોંધ લઈને તપાસ કરવામાં આવી હતી. અંતે અમે તેની અટકાયત કરીને પૂછપરછ કરી હતી.’

ફૉરેસ્ટ વિભાગની કડક કાર્યવાહી બાદ આ યુવાનને પોતાની ભૂલ સમજાઈ હતી અને તેણે સોશ્યલ મીડિયા પર જાહેરમાં માફી માગી હતી. તેણે ઇન્સ્ટાગ્રામ પર નવો વિડિયો શૅર કરીને સ્પષ્ટતા કરી કે તેનો હેતુ કોઈની લાગણી દુભાવવાનો નહોતો અને અન્ય લોકોને વિનંતી કરી કે કોઈએ પણ આવાં કૃત્યોનું અનુકરણ ન કરવું. ફૉરેસ્ટ અધિકારીઓએ ચેતવણી આપી છે કે જંગલ વિસ્તારમાં વન્યજીવો કે પક્ષીઓના માળાઓ સાથે છેડછાડ કરવી એ ગંભીર ગુનો છે અને ભવિષ્યમાં આવાં કૃત્યો કરનાર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

કોણ છે બેઅર ગ્રિલ્સ?
બ્રિટિશ બેઅર ગ્રિલ્સ એક ઍડ્વેન્ચરર અને ટીવી-પ્રેઝન્ટર છે. જંગલોમાં, જંગલી પ્રાણીઓ સાથેનાં તેમનાં અનેક સાહસો પરની ઘણી ટીવી-સિરીઝ આવી છે. તેમના એક ટીવી-શો ‘મૅન વર્સસ વાઇલ્ડ’માં નરેન્દ્ર મોદીએ પણ ભાગ લીધો હતો.

thane thane crime maharashtra forest department wildlife Crime News mumbai crime news mumbai police social media