બીએમસીના રાજમાં મુંબઈગરો ઘંટી ચાટે ને વિદેશીઓને આટો

26 November, 2022 07:31 AM IST  |  Mumbai | Prajakta Kasale

G20નું પ્રતિનિધિમંડળ મુંબઈ આવવાનું છે એટલે હવે બીએમસી દક્ષિણ મુંબઈ અને ઍરપોર્ટ નજીકના આશરે છ કિલોમીટરના રસ્તાનું કરોડો રૂપિયાના ખર્ચે રીસર્ફેસિંગ કરશે

પેડર રોડ (ઉપર) અને એન. એસ. પાટકર રોડ પરના પૅચનું રીસર્ફેસિંગ કરાશે આશિષ રાજે


મુંબઈ : બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (મુંબઈ કૉર્પોરેશન) સાડાત્રણ કિલોમીટર લાંબા પેડર રોડ પરના ખરાબ પટ્ટા તથા સાન્તાક્રુઝમાં હાઇવેને જોડતા ઍરપોર્ટ નજીકના અઢી કિલોમીટરના રસ્તાના રીસર્ફેસિંગ પાછળ ૩૧ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. G20ના પ્રતિનિધિમંડળનું શહેરમાં આગમન થવાનું છે, ત્યારે હવે આ પૅચનું રીસર્ફેસિંગ પ્રાથમિકતાના ધોરણે હાથ ધરાશે. જોકે અત્યાર સુધી મીડિયા અને જનતાની બૂમરાણ પ્રત્યે જરા સરખું પર ધ્યાન નહીં આપનાર બીએમસી હવે જાગી છે અને G20ના વિદેશી મહેમાનો માટે રસ્તાઓનું સમારકામ કરશે.
‘મોટા ભાગના રૂટ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે, બાંદરા-વરલી સી-લિન્ક પર અને મહત્ત્વના સિમેન્ટ કૉન્ક્રીટના રસ્તા તરફના છે. આ રસ્તા યોગ્ય સ્થિતિ ધરાવે છે. ઍરપોર્ટથી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને પેડર રોડ પરના બે ભાગ પર જ રીસર્ફેસિંગની જરૂર છે, આથી એ કામ હાથ ધરાયું છે,’ એમ કૉર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું હતું.
પેડર રોડ, એન. એસ. પાટકર રોડ અને બાબુલનાથ રોડનું કામ સાઉથ સિટી રોડ ડિપાર્ટમેન્ટને હસ્તક છે. આ રસ્તાની લંબાઈ આશરે સાડાત્રણ કિલોમીટર છે અને આખા રોડને રીસર્ફેસ કરવાની જરૂર નથી. રોડ ડિપાર્ટમેન્ટના એન્જિનિયરે આપેલી જાણકારી પ્રમાણે, ‘કેટલાક પૅચને રીસર્ફેસ કરવાની જરૂર છે અને રાતના સમયે કામગીરી હાથ ધરાશે, આથી ટ્રાફિકને કોઈ અડચણ નહીં નડે.’
છત્રપતિ શિવાજી મહારાજ ઍરપોર્ટ ગેટ નંબર આઠથી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે સુધીના વીવીઆઇપી રસ્તા અને મુંબઈ ઍરપોર્ટ આસપાસના અન્ય એક્ઝિટ રોડનું રીસર્ફેસિંગનું કામ તાકીદના ધોરણે હાથ ધરાયું છે. આ રસ્તાના રીસર્ફેસિંગનો અંદાજિત ખર્ચ ૯.૧૨ કરોડ રૂપિયા છે.
શહેરના દક્ષિણ ભાગમાં અને વેસ્ટર્ન સબર્બ્ઝમાં રીસર્ફેસિંગનાં બન્ને કાર્યો  પૂરાં થતાં આશરે એક મહિનો લાગશે. ટેન્ડરની પ્રક્રિયા પહેલી ડિસેમ્બર સુધીમાં પૂરી થશે અને એ પછી વર્ક-ઑર્ડર અપાશે. ‘ટાઇમ પિરિયડ ટૂંકો છે, પણ અમે શક્ય એટલી વહેલી તકે કામ પૂરું કરવાની કોશિશ કરીશું. વળી, આ રસ્તા સામાન્ય નાગરિકો માટે પણ એ ઉપયોગી નીવડશે,’ એમ અધિકારીએ જણાવ્યું હતું.

mumbai news