ફાઇનલી ઉદ્ધવ ઠાકરે સરકારને લોકલના પ્રવાસીઓની ચિંતા થઈ

19 May, 2022 08:24 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

એટલે જ મુંબઈના રેલ-પ્રોજેક્ટ્સ માટે આપવાના બાકી હજાર કરોડમાંથી દોઢસો કરોડનો બીજો હપ્તો આપ્યો

ફાઇનલી ઉદ્ધવ ઠાકરે સરકારને લોકલના પ્રવાસીઓની ચિંતા થઈ


મુંબઈ : મુંબઈના રેલ-પ્રોજેક્ટ્સની ગાડી પાછી પાટા પર ચડી છે. મહારાષ્ટ્ર સરકારે મુંબઈ રેલવે વિકાસ કૉર્પોરેશન (એમઆરવીસી)ને જે હજાર કરોડ રૂપિયા આપવાના છે એમાંથી ૧૫૦ કરોડનો બીજો હપ્તો આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે બે સપ્તાહમાં આ બીજો હપ્તો છે.
રેલવેના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે ‘આનાથી અમને શહેરના પ્રોજેક્ટ્સને વેગ આપવામાં ઘણી મોટી મદદ મળી છે. કૉન્ટ્રૅક્ટરોને સારીએવી રકમ ચૂકવવાની બાકી છે અને હવે તેમને નાણાં આપવામાં આવશે જેથી કામ ન ખોરવાય અને નિર્વિઘ્ને ચાલતું રહે.’
આ ચુકવણી સાથે મુંબઈમાં ચાલી રહેલા અન્ય રેલ-પ્રોજેક્ટ્સ માટે હવે ૭૦૦ કરોડ રૂપિયાની રાહ જોવાઈ રહી છે.
રેલવે મંત્રાલય અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે ૫૧:૪૯ સાહસ તરીકે ૧૨ જુલાઈ ૧૯૯૯ના રોજ એમઆરવીસીની સ્થાપના કરવામાં આવી હતી. એમઆરવીસી મુંબઇની સબર્બન રેલ પરિવહન ક્ષમતા વધારવા માટે મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ હેઠળ કાર્યોનો અમલ કરવાની જવાબદારી ધરાવે છે.
આ એક સંયુક્ત સંસ્થા હોવાથી પ્રોજેક્ટનું ફન્ડિંગ રેલવે અને રાજ્ય સરકાર દ્વારા એમનાં વાર્ષિક બજેટ્સમાં સમાન રીતે કરવામાં આવે છે. રેલવે મંત્રાલય રાષ્ટ્રીય બજેટમાં એના હિસ્સાની ફાળવણી કરતું આવ્યું છે, પણ મહારાષ્ટ્ર સરકાર દ્વારા કરવામાં આવતી ફાળવણી છેલ્લાં ત્રણ વર્ષથી બંધ થઈ ગઈ છે.

mumbai news mumbai local train uddhav thackeray