૧૮ દિવસથી ગુમ પિતાને શોધવા માટે પુત્ર આફ્રિકાથી દોડી આવ્યો

15 June, 2022 09:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રેલવે સ્ટેશન, બસ-ડેપો, સરકારી હૉસ્પિટલો, વૃદ્ધાશ્રમ એમ બધે જ તપાસ કર્યા પછી પણ ઘાટકોપરમાં રહેતા ઉમરશી ભાનુશાલીનો ક્યાંય પત્તો નથી મળતો

૧૮ દિવસથી ગુમ પિતાને શોધવા માટે પુત્ર આફ્રિકાથી દોડી આવ્યો

  મુંબઈ ઃ ઘાટકોપરની કામા ગલીમાં આવેલી ભારતવાડીમાં વર્ષોથી રહેતા પંચાવન વર્ષના ઉમરશી વીરજી ભાનુશાલી છેલ્લા ૧૮ દિવસથી મિસિંગ છે. તેમને શોધવા તેમનો પરિવાર આકાશપાતાળ એક કરી રહ્યો છે. પોલીસમાં પણ તેમના મિસિંગની ફરિયાદ દાખલ કરાવી છે. તેમનો પુત્ર કનૈયા મંગે આફ્રિકામાં જૉબ કરે છે. તે પણ પિતાના ગુમ થવાની જાણ થતાં મુંબઈ દોડી આવ્યો છે અને ઠેર-ઠેર પિતાની શોધ ચલાવી રહ્યો છે. 
કનૈયા મંગેએ આ વિશે વધુ માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પપ્પાને પાંચ વર્ષ પહેલાં હાર્ટ-અટૅક આવ્યો હતો. એ વખતે તેમના મગજ પર થોડી અસર થઈ હતી. તેમને ભૂલવાની બીમારી થઈ હતી. એ પછી તેઓ મોટા ભાગે ઘરે જ રહેતા. અઠવાડિયામાં એકાદ-બે વાર તેઓ વિદ્યાવિહાર-વેસ્ટમાં સ્ટેશન પાસે આવેલા રામદેવ પીરના મંદિરમાં દર્શન માટે જતા. ઘણી વાર તેમની સાથે અમારી જ વાડીના બીજા એક દાદા પણ જતા હતા. ૨૮ મેએ તે દાદા સવારે થોડા વહેલા મંદિર જવા નીકળી ગયા. એ પછી ૮ વાગ્યે પપ્પા નીકળ્યા અને મંદિરે પણ ગયા. દર્શન કરીને તેઓ ઘર તરફ પાછા પણ ફર્યા હતા. જોકે ત્યાર બાદ ગલીમાં વળ્યા કે નહીં એની ખબર ન પડી, કારણ કે તેમના ગુમ થયા પછી અમે સીસીટીવી કૅમેરાનાં ફુટેજ જોયાં તો એમાં તેઓ ઘર તરફ મેઇન રોડ પરથી આવતા દેખાય છે. જોકે કેટલાક કૅમેરા કામ કરતા ન હોવાથી તેઓ આગળ કઈ બાજુએ ગયા એ જાણી શકાયું નથી.’
કનૈયા મંગેએ વધુમાં કહ્યું હતું કે ‘ભારતવાડીમાં મમ્મી-પપ્પા એકલાં જ રહેતાં હતાં. મારી મોટી બહેનનાં લગ્ન થઈ ગયાં છે અને તે નવી મુંબઈમાં રહે છે. પપ્પા પહેલાં એપીએમસીની મૂડીબજારમાં સેલ્સમૅન હતા. મૂડીબજારના અનેક વેપારીભાઈઓ તેમને ઓળખે છે. પપ્પા પાછા ન આવતાં મમ્મીએ બહેનને જાણ કરી હતી. તે તરત જ મમ્મી પાસે આવી ગઈ અને મિત્રો, સંબંધી, પાડોશીને લઈને પપ્પાની શોધ ચલાવી, પણ પપ્પા ન મળ્યા. મને પણ તેણે જાણ કરી એટલે હું પણ આફ્રિકાથી મુંબઈ આવી ગયો. અમે પોલીસનો પણ સપોર્ટ લીધો. બધાં જ રેલવે સ્ટેશનો, બસ-ડેપો, સરકારી હૉસ્પિટલો, વૃદ્ધાશ્રમ એમ બધે જ તપાસ કરી છે, પણ પપ્પાનો પત્તો નથી. તેમની પાસે પૈસા પણ નહોતા અને મોબાઇલ પણ નહોતો. તેમના ખિસ્સામાં માત્ર ઘરનું ઍડ્રેસ રાખ્યું છે. અમને તેમની બહુ જ ચિંતા થાય છે. મમ્મી પણ એકદમ ઢીલી પડી ગઈ છે અને ભગવાનનું નામ લીધે રાખે છે. અમે રાત-દિવસ તેમને શોધી રહ્યા છીએ. અમે તેમના ફોટો સાથેનાં પોસ્ટર્સ પણ બનાવીને ઠેર-ઠેર લગાડ્યાં છે. કદાચ કોઈને તે મળી આવે અને અમને જાણ કરે.’
જો કોઈએ પણ ઉમરશી ભાનુશાલીને ક્યાંય જોયા હોય કે તેમના વિશે કોઈ માહિતી હોય તો 98335 17573 / 87798 31322 નંબર પર કનૈયા મંગે અને તેમના બનેવી આશિષ ભાનુશાલીનો સંપર્ક કરવો. 

mumbai news ghatkopar