ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ટૉપ ૧૦ મુદ્દા

04 November, 2022 08:53 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોદી ફૅક્ટરથી લઈને રેવડી કલ્ચર સહિત અનેક મુદ્દા મહત્ત્વના છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી

અમદાવાદ (પી.ટી.આઇ.) ઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોદી ફૅક્ટરથી લઈને રેવડી કલ્ચર સહિત અનેક મુદ્દા મહત્ત્વના છે. અહીં આવા જ કેટલાક મુદ્દા પર એક નજર કરીએ... 

૧. નરેન્દ્ર મોદી 
બીજેપી પાસે વડા પ્રધાન સ્વરૂપે ટ્રમ્પ કાર્ડ છે. જેઓ ૨૦૦૧થી ૨૦૧૪ દરમ્યાન ગુજરાતના મુખ્ય પ્રધાન હતા. તેઓ ગુજરાત છોડીને કેન્દ્રમાં ગયાનાં આઠ વર્ષ બાદ પણ મોદી મૅજિક અકબંધ છે. અનેક રાજકીય પંડિતો અનુસાર આગામી વિધાનસભાની ચૂંટણીમાં તેઓ મહત્ત્વનું નિર્ણાયક પરિબળ રહેશે. 

૨. બિલ્કિસબાનો કેસના દોષીઓની મુક્તિ
ગુજરાત સંઘ પરિવારની હિન્દુત્વ લૅબોરેટરી કહેવાય છે. બિલ્કિસબાનો ગૅન્ગરેપ અને હત્યા કેસમાં દોષીઓની મુક્તિની અસર લઘુમતી અને બહુમતી પર અલગ-અલગ પડશે. 

૩. ઍન્ટિ-ઇન્કમબન્સી 
રાજકીય નિષ્ણાતો અનુસાર બીજેપી રાજ્યમાં છેલ્લાં ૨૪ વર્ષથી શાસનમાં છે. હવે સમાજના જુદા-જુદા વર્ગોમાં અસંતોષ વધ્યો છે. અનેક લોકો માને છે કે મોંઘવારી અને બેરોજગારી જેવી સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. 

૪. મોરબી હોનારત 
૩૦ ઑક્ટોબરે મોરબીમાં બ્રિજની હોનારતમાં ૧૩૫થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે, જેમાં વહીવટી તંત્ર અને સમૃદ્ધ બિઝનેસમૅન વચ્ચેની સાઠગાંઠની વાત બહાર આવી છે. આગામી સરકાર માટે મતદાન કરવા માટે લોકો જશે ત્યારે આ મુદ્દો પણ તેમના માનસમાં રહેશે. 

૫. પેપર લીક 
સરકારી ભરતી માટેની પરીક્ષાઓનાં અવારનવાર પેપર લીક અને ભરતી પરીક્ષા મોકૂફ રાખવાના કારણે સરકારી નોકરી મેળવવાનું યુવાનોનું સપનું અધૂરું રહી જાય છે, જેના કારણે અસંતોષ રહે છે. 

૬. અંતરિયાળ વિસ્તારોમાં સુવિધાઓનો અભાવ 
ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો શિક્ષણ અને આરોગ્યની ​સુવિધાઓથી વંચિત છે.

૭. ખેડૂતોની સમસ્યા 
છેલ્લાં બે વર્ષમાં ભારે વરસાદના કારણે પાકને નુકસાન બદલ ખેડૂતોને વળતર આપવામાં આવ્યું નથી, જેના કારણે રાજ્યના વિસ્તારોમાં ખેડૂતોએ આંદોલન કર્યું છે. 

૮. ખરાબ રસ્તા 
ગુજરાત આ પહેલાં એના સારા રસ્તા માટે જાણીતું હતું. જોકે છેલ્લાં પાંચથી છ વર્ષમાં રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કૉર્પોરેશન્સ સારા રસ્તાઓને મેઇન્ટેઇન કરી શક્યાં નથી. 

૯. વીજળીના ઊંચા દર 
દેશમાં સૌથી વધુ વીજ દર ધરાવતાં રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થાય છે. આમ આદમી પાર્ટી અને કૉન્ગ્રેસે દર મહિને ૩૦૦ યુનિટ ફ્રી આપવાની જાહેરાત કરી છે, જેની અસર થઈ શકે છે.

૧૦. જમીન સંપાદન 
જુદા-જુદા સરકારી પ્રોજેક્ટ્સ માટે જેમની જમીન સંપાદિત કરવામાં આવેલી છે એવા ખેડૂતો અને જમીનમાલિકોમાં અસંતોષ છે, જેમ કે અનેક ખેડૂતોએ અમદાવાદ અને મુંબઈ વચ્ચે હાઈ-સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદનનો વિરોધ કર્યો હતો.

gujarat news gujarat elections