16 November, 2025 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જીવ ગુમાવનાર વિદ્યાર્થિની.
વસઈની શ્રી હનુમંત વિદ્યા હાઈ સ્કૂલમાં બનેલી આંચકાજનક ઘટનામાં ૧૪ નવેમ્બરે બાળદિને જ ૧૨ વર્ષની વિદ્યાર્થિનીએ જીવ ગુમાવ્યો હતો. સ્કૂલમાં ૧૦ મિનિટ મોડી પહોંચતાં વિદ્યાર્થિનીને ટીચરે પીઠ પર બૅગ મૂકીને ૧૦૦ ઊઠકબેઠક કરવાની શિક્ષા કરી હતી. એને લીધે વિદ્યાર્થિનીની તબિયત બગડી હતી. શુક્રવારે રાતે સારવાર દરમ્યાન વિદ્યાર્થિનીએ હૉસ્પિટલમાં જીવ ગુમાવ્યો હતો.
પોલીસે આપેલી માહિતી મુજબ છઠ્ઠા ધોરણમાં ભણતી અંશિકા ગૌડ અને બીજા ૪ સ્ટુડન્ટ્સ ૮ નવેમ્બરે સ્કૂલમાં મોડાં પહોંચ્યાં હતાં. એ માટે તેમને ૧૦૦ ઊઠકબેઠક કરવાની શિક્ષા કરવામાં આવી હતી. બીજા સ્ટુડન્ટ્સ થોડી વારમાં થાકી ગયા હોવાથી ઊભા રહી ગયા હતા, પણ અંશિકાએ ૧૦૦ ઊઠકબેઠક પૂરી કરી હતી. ત્યાર બાદ બીજા દિવસે તેની તબિયત બગડતાં તેને વસઈની આસ્થા હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી. ત્યાંથી તેને નાલાસોપારાની વિજય લક્ષ્મી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ તેની તબિયત લથડતાં તેને જે. જે. હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેણે જીવ ગુમાવ્યો હતો.
અંશિકાની મમ્મીએ આરોપ લગાવ્યો કે તેમની દીકરીનું મૃત્યુ ટીચરે આપેલી અમાનવીય સજાના પરિણામે થયું છે. ઊઠકબેઠક કર્યા બાદ વિદ્યાર્થિનીને ગરદન અને પીઠમાં ભારે દુખાવો થતો હતો અને તે ઊભી પણ થઈ શકતી નહોતી. આ વાતની ખબર પડતાં વિદ્યાર્થિનીની મમ્મી સ્કૂલમાં ફરિયાદ કરવા ગઈ ત્યારે ટીચરે પોતાના બચાવમાં કહ્યું હતું કે ‘વિદ્યાર્થીઓને શાળામાં મોડા આવવા બદલ સજા કરવામાં આવી હતી. એમ તો માતા-પિતા ફી ચૂકવવા છતાં વિદ્યાર્થીઓને સારી રીતે ભણાવતા ન હોવાનો આરોપ લગાવે છે.’
આ કેસમાં પોલીસ-ફરિયાદ નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જોકે સ્કૂલના એક ટીચરના કહેવા મુજબ ખરેખર કોઈને ખબર નથી કે અંશિકાનું મૃત્યુ ઊઠકબેઠકને કારણે થયું છે કે અન્ય કોઈ કારણોસર થયું છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના સચિન મોરેના કહેવા મુજબ વિદ્યાર્થિનીને પહેલેથી જ સ્વાસ્થ્ય સંબધિત સમસ્યા હતી. આ કેસમાં વધુ તપાસ હાથ ધરીને વિદ્યાર્થિની સાથે થયેલા બનાવનું સાચું કારણ જાણવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.
બોક્સ : સ્કૂલમાં ૮ ધોરણ સુધીની પરવાનગી છતાં ૧૦ સુધીના વર્ગો ચાલતા હતા
વિદ્યાર્થિનીનો કિસ્સો બહાર આવ્યા પછીની તપાસમાં સ્કૂલનો છબરડો પણ બહાર આવ્યો હતો. આ સ્કૂલને ૮ ધોરણ સુધીની જ મંજૂરી છે છતાં સ્કૂલમાં ૧૦ ધોરણ સુધી ભણવાય છે. ગેરકાયદે ચાલતા વર્ગો બાબતે સ્કૂલ સામે કેસ નોંધાય અને યોગ્ય કાર્યવાહી થશે એવું બ્લૉક એજ્યુકેશન ઑફિસર પાંડુરંગ ગલાંગેએ જણાવ્યું હતું.
રાઇટ ટુ એજ્યુકેશન (RTE), ૨૦૦૯ કાયદા પ્રમાણે વિદ્યાર્થીઓને શારીરિક અને માનસિક સજા કરવી એ ગુનો ગણાય છે.