12 May, 2025 08:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મિલિંદ દેવરા, ઉદ્ધવ ઠાકરે
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં હિન્દુ ટૂરિસ્ટો પર આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકારે બોલાવેલી તમામ રાજકીય પક્ષોની બેઠકમાં ઉદ્ધવ ઠાકરેની પાર્ટીમાંથી કોઈ સામેલ નહોતું થયું અને અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ છે ત્યારે ઉદ્ધવ ઠાકરે પરિવાર સાથે લંડન ફરવા ઊપડી ગયા હતા એના પર સવાલ કરવામાં આવી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરે હવે મુંબઈ આવી ગયા હોવાનું જાણવા મળ્યું હતું.
દક્ષિણ મુંબઈના ભૂતપૂર્વ સંસદસભ્ય અને શિવસેનાના રાજ્યસભાના સંસદસભ્ય મિલિંદ દેવરાએ તેમના સોશ્યલ મીડિયા ‘ઍક્સ’ અકાઉન્ટમાં પોસ્ટ કરી હતી કે ‘ઠાકરે કેટલા નીચા પડશે? ધરતીપુત્રમાંથી તેઓ ટૂરિસ્ટ ઑફ ઇન્ડિયા બની ગયા છે. પહલગામમાં આતંકવાદીઓ ફાયરિંગ કરી રહ્યા છે ત્યારે ઠાકરે પરિવાર યુરોપમાં વેકેશન માણી રહ્યો છે. મહારાષ્ટ્રને યોદ્ધા ઑન ડ્યુટીની જરૂર છે, વેકેશન પર જનારા પાર્ટટાઇમ નેતાની નહીં.’
પહલગામના હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાનમાં આવેલા આતંકવાદીઓના ૯ અડ્ડા ધ્વસ્ત કર્યા હતા. આ વિશે ૯ મેએ મિલિંદ દેવરાએ બીજી પોસ્ટ કરી હતી, જેમાં લખ્યું હતું કે ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે-UBT વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને ધિક્કારે છે એનો અર્થ એ છે કે તેઓ ભારત અને મહારાષ્ટ્રને પણ ધિક્કારે છે.
રાજકીય નિષ્ણાત અભય દેશપાંડેએ કહ્યું હતું કે ‘કટોકટીના સમયમાં ઉદ્ધવ ઠાકરેની ગેરહાજરી યોગ્ય નથી. ઉપરાંત પહલગામના આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકારે બોલાવેલી સર્વપક્ષીય બેઠકમાં ઉદ્વવ ઠાકરેની પાર્ટીએ હાજર રહેવું જોઈતું હતું.’
રાજકીય નિષ્ણાત હેમંત દેસાઈએ કહ્યું હતું કે ‘પહલગામ હુમલા વિશે ઉદ્ધવ ઠાકરેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરી હતી ત્યારે તેમની પાર્ટીના નેતાઓ શું કરતા હતા? પક્ષના ટોચના નેતા વેકેશન પર હોય તો એનો અર્થ એવો નથી હોતો કે પક્ષના નેતાઓ પણ રજા પર હોય.’