‘આ મુદ્દો જ તદ્દન અસ્થાને, અવાસ્તવિક અને વાહિયાત છે’

28 October, 2022 08:25 AM IST  |  Mumbai | Rohit Parikh

દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નવી ચલણી નોટો પર દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશજીનો ફોટો છાપવાની અપીલ કરીને વિવાદ સરજ્યો છે.

ચલણી નોટ પર કોનો ફોટો હોવો જોઈએ

મુંબઈ : દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નવી ચલણી નોટો પર દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશજીનો ફોટો છાપવાની અપીલ કરીને વિવાદ સરજ્યો છે. અરવિંદ કેજરીવાલની ચલણી નોટો પર આ તસવીરો હોવી જોઈએ એવી માગણી પછી ભારતીય જનતા પાર્ટીના મહારાષ્ટ્રના વિધાનસભ્ય નીતેશ રાણેએ ટ્વીટ કરીને ચલણી નોટો પર છત્રપતિ શિવાજી મહારાજનો ફોટો હોવો જોઈએ એવી માગણી કરી હતી, જ્યારે શિવસેનાના નેતા અનિલ પરબે કહ્યું કે મારી ઇચ્છા તો ચલણી નોટો પર બાળાસાહેબ ઠાકરેનો ફોટો રાખવાની છે. કૉન્ગ્રેસના નેતા મનીષ તિવારીએ ભારતના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરનો તેમ જ ઘાટકોપર-વેસ્ટના ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય અને પ્રવક્તા રામ કદમે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ડૉ. બાબાસાહેબ આંબેડકર, ક્રાંતિકારી નેતા વીર વિનાયક દામોદર સાવરકર અને છત્રપતિ શિવાજી મહારાજ એમ ચારેય મહાનુભાવોના ફોટો ચલણી નોટો પર હોવી જોઈએ એવી માગણી કરતાં દેશના રાજકારણમાં ચલણી નોટો પરના ફોટો પર ગરમાવો આવી ગયો છે.
જોકે મુંબઈગરા ગુજરાતીઓએ ‘મિડ-ડે’ને આપેલી મુલાકાતમાં કહ્યું હતું કે ‘આ એક વિવાદાસ્પદ મુદ્દો છે જે આપણા દેશમાં અંધાધૂંધી સર્જી શકે છે. ધર્મનિરપેક્ષ દેશમાં રોજ હવે ચલણી નોટોના ફોટોના મુદ્દે બધા ધર્મના લોકો અને રાજનેતાઓ વિવાદ સર્જી શકે છે. આથી અત્યારે જેમ ચાલે છે તેમ જ ફોટોને મહત્ત્વ આપ્યા વગર મહાત્મા ગાંધીના ફોટો સાથે ચલણી નોટો ચલણમાં રાખવી જોઈએ. 

ગઈ કાલે બીજેપીના નેતા નીતેશ રાણેએ છત્રપતિ શિવાજી મહારાજના ફોટા સાથે આ ચલણી નોટ ટ‍્વિટ કરી હતી.

આવો વાદવિવાદ કરવા કરતાં દેશના વિકાસ પર ફોકસ કરો
ડાહ્યાભાઈ રાઠોડ,  સામાજિક કાર્યકર
વિવિધ નેતાઓ તરફથી આજકાલ ભારતીય નોટ પર લક્ષ્મી, ગણેશ, શિવાજી મહારાજ અને બાબાસાહેબ આંબેડકરની તસવીરો પ્રિન્ટ કરવાની માગણી થાય છે. મારા વિચારથી એને કારણે કોઈ ફરક પડવાનો નથી. આ રાજકીય લોકો પોતાના સ્વાર્થ ખાતર વિવિધ માગણી કરી રહ્યા છે. એમાં કોઈ પણ શંકા નથી કે એક બાજુ કાલ્પનિક ભગવાન છે જ્યાં શ્રદ્ધા છે. બીજી બાજુ ઇતિહાસ છે જેમાં હિન્દુસ્તાનની આઝાદી માટે લોકોએ જીવ  ગુમાવ્યો છે. આ ઉપરાંત બાબાસાહેબ જેવા મહાન પુરુષે વ્યવસ્થા અને કાનૂનના નિયમો બનાવ્યા, જેના આધારે લોકો સુરક્ષિત રહી શક્યા. આવી હરીફાઈથી કોઈ ગરીબ કે બેકારને નોકરી મળવાની નથી. મારા વિચાર પ્રમાણે આવો વાદવિવાદ કરવા કરતાં દેશની કરન્સીનો સદુપયોગ થાય અને દેશનો વિકાસ થાય તથા ગરીબી અને બેરોજગારી દૂર કરીને દેશમાં સારું ડેવલપમેન્ટ કરી શકાય એના પર માઇન્ડ ફોકસ કરવું જોઈએ. અત્યારે નોટ પર જે ફોટો છે એ બરોબર છે. એમાં ખેડૂત, હેરિટેજ ઇમારત વગેરે લોકોનું ધ્યાન કેન્દ્રિત કરે છે. જો આજના નેતાઓનું સાંભળીશું તો દર પાંચ વર્ષ પછી દરેક નેતા પોતાની ડિમાન્ડ કરીને કરન્સીની વાટ લગાવશે. એટલે જે રીતે ચાલે છે એ બરાબર છે. નોટ પર કોઈ ફેરફાર ન થાય અને કોઈ માગણી માન્ય ન થાય એવો મારો મત છે.

લોકોના વોટ અંકે કરવાના વિચારની સસ્તી બયાનબાજી છે
રજનીકાંત પારેખ, કપોળ અગ્રણી, ઘાટકોપર (વેસ્ટ)
કેજરીવાલ તથા અન્ય નેતાઓ ભારતીય મુદ્રા પર ગાંધીજીના ફોટો સાથે અન્ય દેવી-દેવતાઓના ફોટો છાપવા બાબત જે માગણી કરી રહ્યા છે એ તદ્દન અસ્થાને, અવાસ્તવિક અને વાહિયાત છે. આ ફક્ત અમુક વર્ગના લોકોના વોટ અંકે કરવાના વિચારની સસ્તી બયાનબાજી છે. ચલણી મુદ્રા પર તો એનો ફોટો હોય જેનું દેશવિદેશમાં પણ માન-સન્માન હોય. અન્ય નેતાઓના ફોટો છાપવાથી તો દરેક પક્ષ, સ્ટેટ અને કોમના લોકો પોતાના નેતાના ફોટો છાપવાની માગ કરશે. એટલે આવી વાહિયાત વાતો પર ધ્યાન આપવું ન જોઈએ. આવી માગણી કરનાર વ્યક્તિ નેતા કહેવાને લાયક નથી.

જેમ છે એમ ચાલવા દો
ભૂપેન્દ્ર ઠક્કર, મુલુંડ (વેસ્ટ)
નોટ પર લક્ષ્મીજી અને ગણેશજીના ફોટો હોય તો દેશનું અથતંત્ર મજબૂત બનશે એવી અરવિંદ કેજરીવાલની માગણી સ્પષ્ટરૂપે ફક્ત રાજનીતિથી પ્રેરિત છે. જો કેજરીવાલ આ માગણી પર ગંભીર હોય તો પહેલાં હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કરનારાઓને તેમની પાર્ટીમાંથી બરખાસ્ત કરવા જોઈએ. રહી વાત નોટ પર કોનો ફોટો રાખવો એની. આ એક વિવાદાસ્પદ મુદો છે. આપણા દેશમાં વિવિધ દેવી-દેવતાઓ, નેતાઓ અને રાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી મહારાજ જેવા અનેક શૂરવીરો, સાધુ-સંતો અને સ્વતંત્રતા સેનાનીઓ પોતાની અમીટ છાપ છોડી ગયા છે. આપણું કૅલેન્ડર વિક્રમ સંવત જેના પરથી પડ્યું છે તે રાજા વિક્રમાદિત્યે એ સમયે આપેલું યોગદાન પણ બહુ અમૂલ્ય છે. હિન્દુસ્તાનના કોઈ એક રાજ્યમાં પણ અનેક અભિપ્રાય આવશે‌. વર્તમાન પરિસ્થિતિમાં નોટ પરના ફોટોમાં કોઈ ફેરફાર કરવો યોગ્ય નથી. કોઈ પણ ફોટો મૂકવામાં આવશે તો વિવાદ થશે. એટલે અત્યારે જેમ ચાલે છે એમ ચાલવા દો.

ભારતીય ચલણ દુનિયામાં કેટલું સ્ટ્રૉન્ગ એ જુઓ
મિતેષ મોદી, 
સેન્ટ્રલ પ્રેસિડન્ટ, ઑલ ઇન્ડિયા ઇલેક્ટ્રૉનિક્સ અસોસિએશન; સેક્રેટરી, ચેમ્બર ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રી 
ઍન્ડ ટ્રેડ
ચૂંટણીઓ નજીક દેખાતાં રાજકીય નેતાઓએ કરન્સી નોટ પર દેવી-દેવતાઓ અને રાજકીય મહાનુભાવોના ફોટો છાપવાની માગણીઓની હોડ લગાવી છે. ફક્ત આવા ફોટો છાપવાથી અર્થતંત્રનો વિકાસ નથી થતો કે નથી થવાનો. આજે વિશ્વની કરન્સી પર ગણેશ કે મહાલક્ષ્મીના ફોટો ન હોવા છતાં એ દુનિયાભરમાં મજબૂત ચલણ છે, કારણ કે એમની ઇકૉનૉમીના પાયા અવિચળ છે, પૉલિસી અનુરૂપ વ્યાપાર પ્રોત્સાહક છે અને સ્થાનિક પ્રજાની આકરી મહેનત કારણભૂત છે. વ્યાપાર-ધંધા અને ઉદ્યોગોનો વિકાસ થાય, રાષ્ટ્ર ઉદ્યોગો માટેના કાચા માલથી લઈને મશીન સુધી સ્વાવલંબી બને એ માટેની સરળ પૉલિસી બનાવી એનો ઝડપી અમલ કરે અને કરવેરાનું માળખું સરળ બનાવે તો ચલણી નોટના ફોટોથી લઈને કલર સુધી કંઈ પણ ચેન્જ કર્યા વગર જુઓ ભારતીય ચલણ દુનિયામાં કેટલું સ્ટ્રૉન્ગ બને છે. 

મહાન રાજા તથા ક્રાંતિકારીઓના ફોટો છપાય
રુષભ મારુ, નોકરી, માહિમ
મારા અંગત મત પ્રમાણે કોઈ પણ ભગવાનનો ફોટો પ્રિન્ટ ન કરવો જોઈએ, કારણ કે આપણી પ્રજા નોટનો ઉપયોગ ખૂબ રફ રીતે કરે છે. લોકોને નોટો સાચવતાં પણ નથી આવડતું. એને કારણે નોટો ખૂબ જ ગંદી થાય છે અને ક્યારેક તો ફાટી પણ જાય છે. અત્યારે જ્યારે કોમી તકરાર ચાલુ છે ત્યારે અમુક ખાસ લોકો હિન્દુ દેવી-દેવતાઓની તસવીરનો વિરોધ કરશે તથા એ નોટોને ખરાબ કરશે. થોડા સમય પહેલાં પાંચ રૂપિયા અને દસ રૂપિયાના સિક્કા વૈષ્ણૌદેવીની છાપવાળા આવ્યા હતા ત્યારે અમુક રાજ્યોમાં એનો વિરોધ થયો હતો. આપણા ક્રાંતિકારીઓ કે મહાન રાજાઓના ફોટો છાપવાથી તેમને મહત્ત્વ મળશે અને આપણા ઇતિહાસમાંથી ગાયબ કરવામાં આવેલા આ મહાન લોકોને દેશના તમામ નાગરિકો ઓળખશે. તેથી મહાન રાજાઓ તથા ક્રાંતિકારીઓના ફોટો કરન્સી પર છપાય એમાં હું પણ સહમત છું.

દેવી-દેવતાના નોટ પર ફોટો મૂકવાથી અર્થતંત્ર ન સુધરે
જેમિન પંચાલ, કૉર્પોરેટ કન્સલ્ટન્ટ, કાંદિવલી
ચલણી નોટો પર દેવી-દેવતાઓના ફોટો હોય એ સારો વિચાર છે. આમ પણ પૈસા માટે લક્ષ્મીમા છે જ. જોકે વિચાર અને ભાવમાં બહુ મોટું અંતર હોય છે. કેજરીવાલની નીયત ખોટી છે. જે માણસ હિન્દુઓની ભાવના દુભાવે, ગાળો આપે, તેમના નેતાઓ આપણા ભગવાનોનું અપમાન કરે એ જ રાજનેતા ગુજરાતની ચૂંટણી વખતે આ મુદ્દો લાવે એ તેની હલકી માનસિકતા દર્શાવે છે. બીજું, રૂપિયાની નોટ પર દેવી-દેવતાનો ફોટો હોય એ ધાર્મિક લાગણીનો વિષય છે. બાકી અર્થતંત્ર સુધારવા તો મહેનત કરવી પડે. કેજરીવાલ જુઠ્ઠું બોલે અને બધું મફત આપવાની વાત કરે એનાથી અર્થતંત્ર ન સુધરે. 

અખંડ ભારતનો ફોટો છાપો
દીપક જોષી, મીરા રોડ
ઇન્ડિયન કરન્સી પર કોઈ નેતા, રાજનેતા, રાષ્ટ્રપિતા અને દેવી-દેવતાનો ફોટો ન હોવો જોઈએ; કારણ કે ભારત ધર્મનિરપેક્ષ દેશ છે. હિન્દુ દેવી-દેવતાના ફોટોથી બીજા ધર્મના દેવોનો અનાદર થાય તેમ જ કોઈક એક રાજનેતાથી બીજા પક્ષના નેતાનો અનાદર થાય. જોકે પરિવર્તન જરૂરી છે એટલે નોટ પર અખંડ ભારતનો નકશો અથવા રાષ્ટ્રધ્વજનો ફોટો છાપવો જોઈએ.

બાબાસાહેબ આંબેડકરની તસવીર હોવી જોઈએ
પ્રદીપ ગોહિલ, સીઈઓ, વર્લ્ડ માઇક્રો સ્ટૉક એક્સચેન્જ
છેલ્લાં ઘણાં વર્ષોથી ભારતીય ચલણી નોટ પર ગાંધીજીનો ફોટો છાપવામાં આવે છે એનાથી કાળાબજારિયા કે બે નંબરનો વ્યવહાર, લાંચરુશવત, નોટ લો અને વોટ આપો અથવા ટૅક્સ-ચોરી કરવાવાળાઓને કોઈ ફરક હજી સુધી નથી પડ્યો. જો બાબાસાહેબ આંબડકરનો ફોટો મુકાય તો ઘણો મોટો ફરક પડી જાય એમ છે, કારણ કે બાબાસાહેબ રિઝર્વ બૅન્કના સંસ્થાપક હતા. એટલે આ દાવેદારી મજબૂત બને છે કે તેમનો ફોટો હવે પછી ભારતીય ચલણી નોટ પર મુકાવો જોઈએ. બીજો ફાયદો એ થશે કે નવયુવાનોને પ્રેરણા મળશે. ભારતનું સંવિધાન બનાવવામાં તેમનો સિંહફાળો છે. સંવિધાન દ્વારા મહિલાઓને લોકશાહીનો અધિકાર અને પુરુષસમોવડી બનવાનો મોકો મળ્યો છે. 

નોટનું રાજકારણ યોગ્ય નથી
નીલેશ સાવલા, જી-સાઉથ વ્યાપારી અસોસિએશનના અધ્યક્ષ
ભારતીય ચલણ પર રાજકારણ કરવું યોગ્ય નથી અને જરૂર પણ નથી. ભગવાનનો ફોટો આમ પણ હિન્દુ આસ્થાનો વિષય છે અને નોટ એક એવી વસ્તુ છે જે બધી જાતિ બધી અવસ્થામાં વાપરે છે. એમાં ભગવાનની અવમાન્યતા થવાના પૂરા ચાન્સ છે જે ભૂલેચૂકે પણ ન કરાય.

 

mumbai news arvind kejriwal