12 March, 2025 10:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
માંડવી પોલીસે બાળકીને તેનાં માતા-પિતાને સોંપી હતી.
વસઈ-ઈસ્ટમાં આવેલા નાલેશ્વર નગરમાંથી ૧૮ ફેબ્રુઆરીએ ત્રણ મહિનાની ભત્રીજી સાથે કિતાબુનિસ્સા નામની મહિલા ગાયબ થઈ ગઈ હતી. ઘણી તપાસ કર્યા બાદ પણ પોતાની દીકરી અને બહેનનો પત્તો ન લાગતાં બાળકીના પિતા નબીઉલ્લા ચૌધરીએ માંડવી પોલીસ-સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ૨૦ દિવસ સુધી તપાસ કરીને કિતાબુનિસ્સાની બિહારના નાલંદામાંથી ધરપકડ કરીને ત્રણ મહિનાની બાળકીનો છુટકારો કરાવ્યો હતો.
માંડવી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંજય હઝારેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપી મહિલા કિતાબુનિસ્સા વસઈમાં રહેતા ભાઈ નબીઉલ્લા ચૌધરીના ઘરે ગયા મહિને આવી હતી. ૧૮ ફેબ્રુઆરીએ આરોપી મહિલા ત્રણ મહિનાની ભત્રીજીને રમાડવા માટે લઈ જવાનું કહીને ભાઈના ઘરેથી નીકળી હતી. બહેન બાળકી સાથે ઘરે પાછી ન ફરતાં નબીઉલ્લાએ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી મહિલા કિતાબુનિસ્સા બિહારના નાલંદામાં હોવાની માહિતી મળ્યા બાદ અમારી પોલીસની ટીમે બિહાર પોલીસની મદદથી કિતાબુનિસ્સાને શોધી હતી અને તેની પાસેથી બાળકીનો છુટકારો કર્યો હતો. આરોપી કિતાબુનિસ્સાને બાળકી સાથે વસઈ લાવવામાં આવી છે. સગી ભત્રીજીનું અપહરણ કરવા વિશે કિતાબુનિસ્સાએ ચોંકાવનારું કારણ જણાવ્યું છે. કિતાબુનિસ્સા પરિણીત છે અને ત્રણ બાળકોની માતા છે છતાં તેને એક પુરુષ સાથે પ્રેમ થઈ ગયો છે અને પ્રેમી સાથે લગ્ન કરવા માગે છે. પરિણીત હોવાની વાત તેણે પ્રેમીથી છુપાવી હતી. પ્રેમી લગ્ન કરવા માટે તૈયાર નહોતો એટલે કિતાબુનિસ્સાએ પોતે તેની સાથેના સંબંધથી પ્રેગ્નન્ટ થઈ હોવાનું જણાવ્યું હતું. ત્રણેક મહિના પહેલાં વસઈમાં રહેતા ભાઈને ત્યાં પુત્રીનો જન્મ થયો હતો એ પોતાની પુત્રી હોવાનું દર્શાવવા કિતાબુનિસ્સા બિહારથી વસઈ ભાઈના ઘરે આવી હતી. ભાઈની બાળકી પોતાની હોવાનું કહીને કિતાબુનિસ્સાએ પ્રેમીને વિડિયો-કૉલ કર્યા હતા. પોતાનાથી બાળકી થઈ હોવાનું જોઈને પ્રેમી માની જશે એમ કિતાબુનિસ્સાએ વિચાર્યું હતું અને ભાઈની પુત્રીને લઈને તે બિહાર જતી રહી હતી. બિહાર જઈને કિતાબુનિસ્સા તેના પ્રેમી સાથે રહેવા લાગી હતી. પ્રેમી સાથે લગ્ન કરવા માટે સગી ભત્રીજીનું અપહરણ કરવાના આરોપસર અમે કિતાબુનિસ્સાની ધરપકડ કરી છે.’