01 June, 2026 05:13 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અભિજીત દિપકે લોકોને પોતાની સાથે જોડાવા હાકલ કરી રહ્યા છે
સોશિયલ મીડિયા પર વાઇરલ ટ્રેન્ડ તરીકે શરૂ થયેલી `કોક્રોચ જનતા પાર્ટી` (CJP) હવે ડિજિટલ પ્લેટફોર્મ પરથી બહાર આવીને દિલ્હી અને દેશના અન્ય ભાગોમાં મોટા પાયે ગ્રાઉન્ડ પ્રોટેસ્ટ (ધરણા-પ્રદર્શન) કરવાની તૈયારી કરી રહી છે. ભારતના યુવા વર્ગ અને ખાસ કરીને `જેન-ઝી` (Gen-Z) મતદારોમાં આ આંદોલન ભારે ચર્ચાનો વિષય બન્યું છે. અભિજીત દીપકે હાલમાં અમેરિકામાં રહી રહ્યા છે. તેમણે `ઇન્સ્ટાગ્રામ` પર જાહેર કરેલા એક વીડિયોમાં સમર્થકો અને વિદ્યાર્થીઓને દિલ્હીમાં તેમના વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા માટે આહવાન કર્યું છે. તેમણે કહ્યું, "હવે સમય આવી ગયો છે કે આપણે બધા ભારતના બંધારણના માર્ગ પર ચાલતા એકજૂથ થઈએ અને શાંતિપૂર્વક ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરીએ. જો આપણે બધા ભેગા મળીને અવાજ ઉઠાવીશું, તો તેમણે આપણી વાત ચોક્કસ સાંભળવી જ પડશે." દીપકેએ સમર્થકોને 6 જૂને એરપોર્ટ પર તેમને મળવાનો આગ્રહ કર્યો. તેમણે કહ્યું, "મેં નિર્ણય કર્યો છે કે હું શનિવાર, 6 જૂનની સવારે દિલ્હી પહોંચીશ. કૃપા કરીને એરપોર્ટ પર મને મળો અને આપણે બધા સાથે મળીને સંસદ માર્ગ પોલીસ સ્ટેશને જઈને જંતર-મંતર પર શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાની પરમિશન માંગીશું."
બોસ્ટન યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ અને `કોક્રોચ જનતા પાર્ટી`ના સ્થાપક અભિજીત દીપકે (Abhijeet Dipke) જણાવ્યું કે, સોશિયલ મીડિયા યુઝર્સ માટે વપરાયેલા એક વિવાદાસ્પદ શબ્દના વિરોધમાં આ પાર્ટીની શરૂઆત માત્ર એક વ્યંગ (સેટાયર) તરીકે થઈ હતી. જો કે, માત્ર 4 જ દિવસમાં ઇન્સ્ટાગ્રામ પર 20 લાખથી વધુ ફોલોઅર્સ અને લાખો સભ્યો જોડાતા આ એક મોટું યુવા આંદોલન બની ગયું છે. હાલમાં NEET-UG પેપર લીક અને બેરોજગારી જેવા ગંભીર મુદ્દાઓ ઉઠાવ્યા બાદ, અભિજીત દીપકેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સિવાય સરકાર દ્વારા રાષ્ટ્રીય સુરક્ષાના નામે CJPના ઓફિશિયલ `X` (ટ્વિટર) એકાઉન્ટને પણ બ્લોક કરી દેવાયું છે, જેની સામે તેઓ દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યા છે. આ સરકારી કાર્યવાહી અને ધમકીઓના વિરોધમાં હવે યુવાનો દિલ્હી સહિત દેશભરમાં રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
આ આંદોલનને વધુ મજબૂત કરવા માટે ઉત્તર પ્રદેશના મથુરાના રહેવાસી અને કથાવાચક દીપક શર્મા (Deepak Sharma) પણ કૂદી પડ્યા છે. દીપક શર્મા તાજેતરમાં જ કોકરોચનો પોશાક પહેરીને યમુના નદીના કિનારે પહોંચ્યા હતા, જેથી પ્રદૂષણ પ્રત્યે તંત્રની આળસ તરફ લોકોનું ધ્યાન ખેંચી શકાય. હવે તેઓ `કોક્રોચ જનતા પાર્ટી`ના એક અલગ વિંગ તરીકે દેશહિત અને યુવાનોના અવાજને બુલંદ કરવા અભિજીત દીપકે સાથે હાથ મિલાવી રહ્યા છે. દીપક શર્માએ જણાવ્યું કે, "જ્યારે મેં કોક્રોચના કપડાં પહેરીને યમુના પ્રદૂષણનો મુદ્દો ઉઠાવ્યો, ત્યારે મને સિસ્ટમની તાકાત સમજાઈ. મ્યુનિસિપલ કમિશનરની ઓફિસમાંથી પણ મને ફોન આવ્યો છે. અમારો હેતુ કોઈ ચૂંટણી લડવાનો નથી, પરંતુ ભ્રષ્ટ અને આળસુ તંત્રને જગાડીને એક સ્વચ્છ (Clean) સિસ્ટમ બનાવવાનો છે."
દીપક શર્માના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 800થી વધુ યુવાનો તેમના આ બિન-રાજકીય આંદોલનમાં જોડાઈ ચૂક્યા છે. આ તમામ વોલન્ટિયર્સને ખાસ આઈડી કાર્ડ આપવામાં આવી રહ્યા છે, જેના પર કોકરોચનું ચિત્ર બનેલું છે. આ યુવાનો સિસ્ટમને હલાવી નાખવા માટે પોતાની જાતને ગર્વથી `કોકચ` તરીકે ઓળખાવવા તૈયાર છે.
આ આંદોલનની લોકપ્રિયતાને જોતા ટીએમસી (TMC) અને આમ આદમી પાર્ટી (AAP) જેવા વિપક્ષી દળો તરફથી પણ તેને પરોક્ષ સમર્થન મળી રહ્યું હોવાની ચર્ચા છે. બીજી તરફ, લખનૌના વકીલ અંકુર સક્સેના જેવા કેટલાક લોકો આ આંદોલનનો વિરોધ પણ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, "કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરમાં કોકરોચ નથી ઈચ્છતું. આ માત્ર એક સોશિયલ મીડિયા સ્ટંટ છે, જેને વિપક્ષી પાર્ટીઓ સરકાર વિરુદ્ધ હવા આપવા માટે વાપરી રહી છે." જો કે, રાષ્ટ્રીય કિસાન મોરચાના પ્રમુખ શેખર દીક્ષિતે આ આંદોલનનું સમર્થન કરતા કહ્યું કે, "આજના સમયમાં ભારતના ખેડૂતો અને યુવાનોની હાલત પણ કોકરોચ જેવી જ દયનીય કરી દેવામાં આવી છે, તેથી તેઓ આ પ્રતીક સાથે ઝડપથી કનેક્ટ થઈ રહ્યા છે."
CJPના સ્થાપક અભિજીત દીપકે અને દીપક શર્માના મતે, આગામી દિવસોમાં દિલ્હીમાં થનારા આ વિરોધ પ્રદર્શનો માત્ર સોશિયલ મીડિયાના જોક્સ પૂરતા સીમિત નહીં રહે, પરંતુ તે યુવાનોની રોજગારી અને ભવિષ્ય માટે આરપારની લડાઈ બનશે.