પપ્પાને કિડની આપીને તેમને જીવતદાન આપનાર રોહિણી આચાર્યએ હમણાં રાજકારણ અને પરિવારનો ત્યાગ કરીને ધરતીકંપ સર્જ્યો છે ત્યારે બિહાર પર વર્ષો સુધી રાજ કરનાર આ કુટુંબ વિશે જાણીએ અવનવી વાતો
બિહાર વિધાનસભાની ચૂંટણીમાં તસતસતા તમાચા જેવી હાર પછી લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં ફરી એક વાર યાદવાસ્થળી મચી ગઈ છે. આ પરિવાર જેટલો રાજકારણ માટે ફેમસ છે એટલો જ આંતરિક ઝઘડા-કલહ અને ભ્રષ્ટાચારના આરોપો માટે પણ સતત ચર્ચામાં રહ્યો છે. આ વખતે ચૂંટણીમાં હાર પછી લાલુની બીજા નંબરની દીકરી રોહિણી આચાર્યએ એવી જાહેરાત કરી દીધી કે તેઓ રાજકારણ હંમેશ માટે છોડી રહ્યાં છે અને તેમના પરિવાર સાથે નાતો પણ તોડી રહ્યાં છે. રોહિણીએ એવો આરોપ મૂક્યો હતો કે તેમની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું હતું અને તેમણે પપ્પાને પૈસા લઈને પોતાની કિડની આપી હોવાના ટોણા વેઠવા પડ્યા હતા. બિહારમાં નવા મુખ્ય પ્રધાન કે પ્રધાનનાં નામોની જેટલી ચર્ચા નહોતી થઈ રહી એટલી ચર્ચા લાલુના પરિવારને વેરવિખેર કરવામાં સક્રિય ‘જયચંદો’ની થવા લાગી હતી, કારણ કે ઘરમાંથી હાંકી કઢાયેલા તેજ પ્રતાપ સહિત લાલુના અન્ય ભૂતપૂર્વ ખાસ લોકોએ પણ રોહિણીની વાતને ટેકો આપ્યો હતો કે કેટલાક લોકો લાલુ પ્રસાદ યાદવને અંદરથી કોરીને ખાઈ રહ્યા છે. એ પછી તો રોહિણીની સાથે અન્ય બહેનો રાગિણી, અનુષ્કા અને હેમાએ પણ રાબડી આવાસને હંમેશ માટે બાય-બાય કહી દીધી હોવાની વાતો વહેતી થઈ હતી.
લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવીનાં લગ્ન ૧૯૭૩માં થયાં હતાં. તેમને ૯ સંતાનો છે, જેમાં ૭ દીકરીઓ અને બે દીકરાઓનો સમાવેશ છે. સામાન્ય રીતે લાલુ પ્રસાદ યાદવનાં સંતાનોની વાત આવે ત્યારે તેજસ્વી, તેજ પ્રતાપ, મિસા અને રોહિણી આ ૪ નામ લોકોને યાદ આવે છે. લાલુની સૌથી મોટી દીકરી મિસા તો ઍક્ટિવ પૉલિટિક્સમાં છે. બીજા નંબરની દીકરી રોહિણી આચાર્ય તાજેતરમાં અને ૨૦૨૨માં પપ્પાને કિડની આપીને ચર્ચામાં આવી એ પહેલાં પણ સોશ્યલ મીડિયા પર પૉલિટિકલ કમેન્ટ્સ કરવામાં ઍક્ટિવ રહેતી હતી. લાલુની અન્ય પાંચ પુત્રીઓ લાઇમલાઇટથી દૂર રહે છે. લાલુના પરિવારનાં ૯ સંતાનોમાંથી તેજ પ્રતાપ સિવાય બાકી આઠેય જણ પોતે પેરન્ટ બની ગયાં છે. લાલુનાં ગ્રૅન્ડ ચિલ્ડ્રનની સંખ્યા પણ ૧૯ થઈ ગઈ છે.
23 November, 2025 01:36 IST | Mumbai | Sunil Mewada