૨૦૨૬ના માર્ચ પછી દેશમાં ઇતિહાસ બનશે નક્સલવાદ

31 March, 2025 09:18 AM IST  |  Chhattisgarh | Gujarati Mid-day Correspondent

૫૦ નક્સલવાદીઓના આત્મસમર્પણ બાદ અમિત શાહે કહ્યું...

અમિત શાહ

છત્તીસગઢના બીજાપુરમાં ગઈ કાલે ૫૦ નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું હતું અને હિંસાનો રસ્તો છોડી દીધો હતો. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે નક્સલવાદીઓના આ નિર્ણયનું સ્વાગત કર્યું હતું અને એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘તેઓ હિંસા અને હથિયાર છોડીને વિકાસની મુખ્ય ધારામાં સામેલ થાય છે એનું હું સ્વાગત કરું છું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નીતિ સ્પષ્ટ છે કે જે નક્સલી હથિયાર છોડીને વિકાસનો માર્ગ અપનાવશે તેનું પુનર્વસન કરીને તેને સમાજની મુખ્ય ધારા સાથે જોડવામાં આવશે. બાકીના લોકોને પણ હું હથિયારનો ત્યાગ કરીને મુખ્ય ધારામાં આવવાની અપીલ કરું છું. ૨૦૨૬ની ૩૧ માર્ચ સુધીમાં દેશમાં નક્સલવાદ માત્ર ઇતિહાસ બની જશે એ અમારો સંકલ્પ છે.’

આ નક્સલવાદીઓએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અને રાજ્ય પોલીસના વરિષ્ઠ અધિકારીઓ સામે પોતાનાં હથિયારો હેઠાં મૂકી દીધાં હતાં. તેમણે અમાનવીય માઓવાદી વિચારધારા, પ્રતિબંધિત કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (માઓવાદી)ના સિનિયર કાર્યકરો દ્વારા આદિવાસીઓના શોષણ અને આંદોલનમાં ઊભા થયેલા મતભેદોનો હવાલો આપીને આત્મસમર્પણ કર્યું હતું.

૧૪ નક્સલવાદીઓ પર ૬૮ લાખ રૂપિયાનાં ઇનામ
આત્મસમર્પણ કરનારા ૫૦માંથી ૧૪ નક્સલવાદીઓ પર ૬૮ લાખ રૂપિયાનાં ઇનામ જાહેર કરવામાં આવ્યાં હતાં. છ નક્સલવાદીઓ પર ૮-૮ લાખ, ત્રણ પર પાંચ-પાંચ લાખ અને પાંચ પર એક-એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.

chhattisgarh amit shah indian government bharatiya janata party