કઈ ટ્રકે લીધો ગુજરાતી યુવાનનો જીવ? ૬ દિવસ પછી પણ પોલીસ પાસે નથી જવાબ

25 February, 2025 09:20 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કામ પરથી આવ્યા પછી મોડી રાતે બાઇક પર કાકાના દીકરા સાથે ફ્રેશ થવા નીકળ્યો હતો ધીરજ વાઘેલા

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : મિડ-ડે

સીબીડી બેલાપુરના રમાબાઈનગરમાં રહેતો બાવીસ વર્ષનો ધીરજ વાઘેલા મંગળવારની મધરાત પછી કાકાના દીકરા દેવેશ સાથે બાઇક પર જૉય-રાઇડ કરવા બેલાપુર-નેરુળ હાઇવે પર ગયો હતો એ દરમ્યાન પાછળથી આવતી એક ટ્રકે તેની બાઇકને ઉડાડતાં ઍક્સિડન્ટ થયો હતો જેમાં ધીરજ અને દેવેશને ગંભીર ઈજા પહોંચી હતી. ધીરજને અકસ્માત બાદ કામોઠેની એમજીએમ હૉસ્પિટલમાં ઍડ્‍મિટ કરવામાં આવ્યો હતો જ્યાં શનિવારે તેનું મૃત્યુ થયું હતું. જોકે નવાઈની વાત એ છે કે અકસ્માતને પાંચ દિવસ વીતી ગયા હોવા છતાં કઈ ટ્રકે ધીરજને અડફેટે લીધો હતો એને પોલીસ શોધી શકી નથી.

મારા એક દીકરાનું થોડા સમય પહેલાં બીમારીને કારણે મૃત્યુ થયું હતું. હવે મેં મારો બીજો દીકરો પણ ગુમાવી દીધો એમ કહેતાં ધીરજના પપ્પા સુનીલભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ધીરજ હાઉસકીપિંગનું કામ કરતો હતો. ધીરજ કામ પરથી આવ્યો એ પછી અમે બધા સાથે જમ્યા હતા. ત્યાર બાદ ધીરજને ઘરમાંથી બહાર નીકળતો જોઈને મેં તેને સૂઈ જવાનું કહ્યું હતું, પણ ધીરજે કહ્યું કે સવારથી હું કામે ગયો હતો અને હમણાં આવ્યો છું, હવે થોડી વાર મને માઇન્ડ ફ્રેશ કરવા બહાર જવા દો એટલે મેં તેને જવાની હા પાડી હતી. તે ગયો એ પછી હું સૂઈ ગયો હતો. રાતે દોઢ વાગ્યે મને એક અજાણી વ્યક્તિનો ફોન આવ્યો હતો. તેણે મને ધીરજનો બેલાપુર-નેરુળ હાઇવે પર અકસ્માત થયો હોવાથી તેને સીબીડી એમજીએમ હૉસ્પિટલમાં ઍડ્‍મિટ કર્યો હોવાની જાણ કરી હતી એટલે હું તાત્કાલિક હૉસ્પિટલ પહોંચ્યો હતો. ત્યાં હાજર ડૉક્ટરે મને જણાવ્યું કે ધીરજને ગંભીર ઈજા પહોંચી છે એટલે તેને તમે કામોઠેની એમજીએમ હૉસ્પિટલમાં લઈ જાઓ એટલે અમે ધીરજને કામોઠેની એમજીએમ હૉસ્પિટલમાં ઍડ્‍મિટ કરાવ્યો હતો. ત્યાં તેની હાલત સુધારા પર હતી, પણ શનિવારે તેને અચાનક તાવ આવી જતાં તેનું મૃત્યુ થયું હતું. ધીરજ મારા નાના ભાઈના દીકરા દેવેશ સાથે બાઇક પર રાઉન્ડ મારવા ગયો ત્યારે અકસ્માત થયો હોવાની મને થોડા સમય પછી માહિતી મળી હતી. આ અકસ્માતમાં દેવેશને પણ ગંભીર ઈજા થઈ છે. થોડા સમય પહેલાં મારા નાના દીકરાનું કૅન્સરને લીધે મૃત્યુ થયું હતું. એ પછી ધીરજ અમારો એકમાત્ર સહારો હતો. હવે અમે તેને પણ ગુમાવી દીધો છે.’

જે વિસ્તારમાં અકસ્માત થયો હતો એ વિસ્તારના અમે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ મેળવવાની કોશિશ કરી રહ્યા છીએ એમ જણાવતાં સીબીડી બેલાપુર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રવિવારે અમે અજાણ્યા ટ્રક-ડ્રાઇવર વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. આ કેસમાં બાઇક પાછળ બેસેલા દેવેશનું પણ સ્ટેટમેન્ટ નોંધવામાં આવશે. કેવી રીતે અકસ્માત થયો એ વિશે જાણવા અમે ઘટનાસ્થળના CCTV કૅમેરાનાં ફુટેજ મેળવવાની કોશિશ કરી રહ્યા છીએ.’

belapur road accident Crime News navi mumbai mumbai crime news mumbai news