બિહારમાં નરેન્દ્ર મોદીએ ચૂંટણીનું બ્યૂગલ ફૂંક્યું : આ મહાગઠબંધન નહીં, મહાલઠબંધન છે

25 October, 2025 09:11 AM IST  |  Samastipur | Gujarati Mid-day Correspondent

એક જ દિવસમાં બે રૅલી યોજીને વડા પ્રધાને RJD-કૉન્ગ્રેસ પર તીખા પ્રહાર કર્યા અને લોકોને જંગલરાજની યાદ અપાવી

બિહારના સમસ્તીપુરની રૅલીમાં મુખ્ય પ્રધાન નીતીશ કુમાર સાથે નરેન્દ્ર મોદી

બિહારમાં વિધાનસભાની ચૂંટણી માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રચારની આક્રમક શરૂઆત ગઈ કાલે કરી દીધી હતી. નરેન્દ્ર મોદીએ ગઈ કાલે એક જ દિવસમાં બિહારના બેગુસરાય અને સમસ્તીપુરમાં બે રૅલીમાં ભાગ લઈને જનસભાને સંબોધી હતી. તેમણે પોતાનાં ભાષણોમાં નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA)ના ગઠબંધનની સરકારની સિદ્ધિઓ વર્ણવી હતી અને રાષ્ટ્રીય જનતા દળ (RJD) તથા કૉન્ગ્રેસ સહિતના વિપક્ષો પર પ્રહાર કર્યા હતા. તેમણે બિહાર માટે નવો નારો આપતાં કહ્યું હતું કે ‘નયી રફતાર સે ચલેગા બિહાર, જબ ફિર આએગી NDA સરકાર.’ વડા પ્રધાન સાથે બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર અને NDAના સાથી પક્ષોના અન્ય નેતાઓ પણ હાજર રહ્યા હતા.

નરેન્દ્ર મોદીએ વિપક્ષી ગઠબંધન વિશે કહ્યું હતું કે ‘RJD અને કૉન્ગ્રેસની સરકાર આવશે તો રોકાણકારો નામ સાંભળીને જ ભાગી જશે. જમીન લખાવીને લઈ લેનારાઓ કદી નોકરી નહીં આપે.’ 
નરેન્દ્ર મોદીએ લોકોને બિહારના જંગલરાજની પણ યાદ અપાવી હતી. તેમણે એવું પણ કહ્યું હતું કે ‘વિપક્ષોનું ગઠબંધન એ મહાગઠબંધન નથી, મહાલઠબંધન છે. એમાં જટક, લટક અને પટક દળો જ છે.’

નરેન્દ્ર મોદીએ અંતે એવો પણ નારો આપ્યો હતો કે ‘ફિર એક બાર સુશાસન સરકાર, જંગલરાજ વાલોં કો દૂર રખેગા બિહાર...’

હવે લાલટેનની કોને જરૂર છે?

નરેન્દ્ર મોદીએ સમસ્તીપુરની જનસભાને સંબોધતી વખતે લોકોને કહ્યું હતું કે તમારો મોબાઇલ બહાર કાઢો અને એમાં ટૉર્ચ ચાલુ કરો. પછી વડા પ્રધાને એવું કહ્યું હતું કે જ્યારે તમારા બધાના હાથમાં લાઇટ છે તો પછી હવે લાલટેનની જરૂર શું છે? આમ કહીને RJDના ચૂંટણીચિહ્‍ન લાલટેન પર કટાક્ષ કરીને તેમણે RJD પર આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે ‘RJD જેવી પાર્ટી હોય ત્યાં કાનૂન-વ્યવસ્થા નથી હોતી. એના જંગલરાજે બિહારની અનેક પેઢીને બરબાદ કરી નાખી છે.

bihar bihar elections assembly elections narendra modi national democratic alliance rashtriya janata dal nitish kumar