BSEના MD અને CEOનો ડીપફેક વીડિયો સામે કડક ચેતવણી, લોકો સાથે છેતરપિંડીની શંકા

24 April, 2026 06:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બીએસઈએ જણાવ્યું હતું કે છેલ્લા ચાર મહિનામાં આવો કેસ સામે આવવાનો આ ચોથો કિસ્સો છે. આ સૂચવે છે કે છેતરપિંડી કરનારાઓ બીએસઈ અને તેના ટોચના અધિકારીઓની વિશ્વસનીયતાનો દુરુપયોગ કરીને રોકાણકારોને વારંવાર નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

બીએસઈ લિમિટેડે સોશિયલ મીડિયા અને મૅસેજિંગ પ્લેટફોર્મ શૅર કરવામાં આવતા એક ખોટા ડીપફેક વીડિયો અંગે કડક ચેતવણી જાહેર કરી છે. આ વીડિયો બીએસઈના મૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુંદરરામન રામામૂર્તિની ઓળખનો દુરુપયોગ કરી લોકોની સાથે છેતરપિંડી કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

છેતરપિંડીભરી રોકાણની સલાહ અને કૌભાંડનો પ્રયાસ

બીએસઈના મતે, આ વીડિયો સંપૂર્ણપણે ખોટો અને લોકોને ઠગવા માટે બનાવવામાં આવ્યો છે. વીડિયોમાં રોકાણકારોને શૅર બજાર સંબંધિત સલાહ આપવામાં અવિર અહી છે અને પસંદગીના શૅરોમાં રોકાણ પર અસાધારણ વળતરની ખાતરી પણ આપવામાં આવી રહી છે. વધુમાં, લોકોને કેટલાક ખાનગી વૉટ્સઍપ અથવા ટૅલિગ્રામ ગ્રુપ જોડાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આ કૃત્યને બીએસઈએ કૌભાંડનો પ્રયાસ તરીકે જાહેર કરવામાં આવ્યું છે.

ચાર મહિનામાં ચોથી ઘટના

બીએસઈએ જણાવ્યું હતું કે છેલ્લા ચાર મહિનામાં આવો કેસ સામે આવવાનો આ ચોથો કિસ્સો છે. આ સૂચવે છે કે છેતરપિંડી કરનારાઓ બીએસઈ અને તેના ટોચના અધિકારીઓની વિશ્વસનીયતાનો દુરુપયોગ કરીને રોકાણકારોને વારંવાર નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

કોઈ સત્તાવાર રોકાણ સલાહ આપવામાં આવી નથી

BSE એ સ્પષ્ટતા કરી છે કે સુંદરરામન રામામૂર્તિ કે BSE ના કોઈપણ અધિકારી કોઈપણ માધ્યમ દ્વારા રોકાણ સલાહ, સ્ટૉક ટિપ્સ આપતા નથી અથવા કોઈપણ મૅસેજિંગ ગ્રુપ ચલાવતા નથી. સંસ્થાએ જણાવ્યું હતું કે આવી સામગ્રી સંપૂર્ણપણે અનધિકૃત છે અને ડીપફેક ટૅકનોલૉજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે.

રોકાણકારોને સાવધાની રાખવા અપીલ

BSE એ રોકાણકારોને સતર્ક રહેવાની સલાહ આપી છે. સંસ્થાએ તેમને આવા વીડિયો, મૅસેજ અથવા લિંક્સના આધારે વિશ્વાસ, શૅર અથવા કોઈપણ રોકાણ નિર્ણયો ન લેવા વિનંતી કરી છે. રોકાણકારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ફક્ત સત્તાવાર BSE ચૅનલો અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI) માં નોંધાયેલા મધ્યસ્થી દ્વારા મેળવેલી માહિતી પર આધાર રાખે.

જાગૃતિ અભિયાન અને કાનૂની કાર્યવાહી

BSE એ માહિતી આપી છે કે, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI) ના માર્ગદર્શન હેઠળ, તે છેતરપિંડીભર્યા રોકાણ યોજનાઓ, ગેરમાર્ગે દોરનારી સલાહ અને કહેવાતા ‘ફિનફ્લુઅન્સર્સ’ સાથે સંકળાયેલા જોખમો વિશે લોકોને શિક્ષિત કરવા માટે રોકાણકાર જાગૃતિ અભિયાન ચલાવી રહ્યું છે. વધુમાં, BSE એ જણાવ્યું હતું કે તે આ છેતરપિંડીભર્યા સામગ્રીને દૂર કરવા માટે ઝડપી પગલાં લઈ રહ્યું છે, અને તેના માટે જવાબદાર લોકો સામે કડક કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી રહી છે.

bombay stock exchange cyber crime share market stock market finance news ai artificial intelligence