CEASEFIRE VIOLATION: પાકિસ્તાને ગુલાંટ મારી? 3 જ કલાકમાં સીઝફાયરનો ભંગ, જાણો શું થયું?

10 May, 2025 11:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રાજૌરીમાં બ્લેકઆઉટ, ઉધમપુરમાં વિસ્ફોટ: શ્રીનગર-બારામુલ્લા-છંબમાં પાકિસ્તાને ફાયરિંગ કર્યું, ત્રણ ડ્રોન દેખાયા

ઓમર અબ્દુલ્લા - ફાઇલ તસવીર

ભારત અને પાકિસ્તાન વચ્ચે શનિવારે સાંજે 5 વાગ્યાથી યુદ્ધવિરામ લાગુ થયો. આ પછી પણ પાકિસ્તાન દ્વારા જમ્મુ-કાશ્મીરના અખનૂર, પૂંચ, નૌશેરા, શ્રીનગર, આરએસપુરા, સાંબા, ઉધમપુરમાં ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. રાજૌરીમાં તોપમારો (તોપ અને મોર્ટાર) કરવામાં આવ્યો.ઓપરેશન સિંદૂર હેઠળ ભારતે પહલગામના આતંકી હુમલાનો ઝડપી જવાબ વાળ્યો અને આજે કલાકો પહેલાં યુદ્ધવિરામની જાહેરાત કરી પણ ફરી એકવાર પાકિસ્તાને એ જ કર્યું છે જે તે પહેલેથી કરતો આવ્યો છે. પાકિસ્તાને ફરી એકવાર સરહદ રેખાને અડીને આવેલા વિસ્તારોમાં ગોળીબાર શરૂ કરી દીધો છે. આ ઉપરાંત ઉધમપુરમાં વિસ્ફોટનો અવાજ સંભળાયો. પાકિસ્તાન તરફથી ચાલી રહેલા ગોળીબાર વચ્ચે, જમ્મુ વહીવટીતંત્રે બ્લેકઆઉટ લાગુ કરી દીધું છે. રાજસ્થાનના 7 જિલ્લાઓમાં ફરીથી બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું છે. બાડમેરમાં સાયરન સતત વગાડાયા. શ્રીગંગાનગરમાં રેડ એલર્ટ જાહેર કરાયું. 

પાકિસ્તાની ગોળીબારમાં BSF જવાન શહીદ, સાત ઘાયલ થયા હોવાના અપડેટ્સ આવી રહ્યા છે. શનિવારે યુદ્ધવિરામ પછી જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાની ગોળીબારમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)નો એક જવાન શહીદ થયો હતો જ્યારે સાત અન્ય ઘાયલ થયા હતા. એક મીડિયા અહેવાલ અનુસાર બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સબ-ઇન્સ્પેક્ટર મોહમ્મદ ઇમ્તિયાઝે મોરચા પર બહાદુરી દર્શાવતી વખતે સર્વોચ્ચ બલિદાન આપ્યું. પઠાણકોટમાં પણ ડ્રોન જોવા મળ્યા. અહીં પણ સાયરન વાગતું હોવાને કારણે પઠાણકોટ, અમૃતસર, બરનાલા, ભટિંડા, હોશિયારપુર, ફાઝિલ્કા અને ફિરોઝપુરમાં ફરીથી બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે.

જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પણ યુદ્ધવિરામ ઉલ્લંઘન પર પ્રતિક્રિયા આપી છે. તેમણે X (પહેલાં ટ્વિટર) પર ટ્વિટ કર્યું, યુદ્ધવિરામનું શું થયું? શ્રીનગરમાં વિસ્ફોટોના અવાજો સંભળાયા!!!દરમિયાન, જમ્મુ અને કાશ્મીર પોલીસના સૂત્રોએ પુષ્ટિ આપી છે કે શ્રીનગરમાં અનેક વિસ્ફોટ થયા છે. લાલ ચોક, બીબી કેન્ટ વિસ્તાર અને સફાપોરામાં વિસ્ફોટ થયા છે. 

યુદ્ધવિરામની જાહેરાત બાદ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પોતાના ઘરે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ પુનઃસ્થાપિત કરવા અંગે ભારત સરકારના પ્રવક્તા દ્વારા થોડીવાર પહેલા કરવામાં આવેલી જાહેરાતનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું.

સીએમ ઓમર અબ્દુલ્લાએ ત્યારે એમ પણ કહ્યું કે યુદ્ધવિરામ ક્યારેય ન થાય તેના કરતાં મોડું સારું. જો આ યુદ્ધવિરામ બે-ત્રણ દિવસ પહેલા થયો હોત તો કદાચ આપણે જે રક્તપાત જોયો, જે જીવ ગુમાવ્યા, તે કિંમતી જીવ આજે સુરક્ષિત હોત. પરંતુ આખરે પાકિસ્તાનના ડીજીએમઓએ ફોન ઉપાડ્યો અને અમારા ડીજીએમઓ સાથે વાત કરી અને જમ્મુ અને કાશ્મીર અને અન્ય વિસ્તારોમાં યુદ્ધવિરામ ફરીથી સ્થાપિત કર્યો.

તેમણે વધુમાં કહ્યું કે હવે જમ્મુ અને કાશ્મીરની વર્તમાન સરકારની જવાબદારી છે કે તેઓ જ્યાં પણ નુકસાન થયું છે તેનું નિરીક્ષણ અને મૂલ્યાંકન કરે અને લોકોને વળતર આપવાનું શરૂ કરે. જ્યાં લોકો ઘાયલ થાય છે, તેમની યોગ્ય સારવાર પણ થવી જોઈએ અને તેમને વળતર પણ મળવું જોઈએ. આજે સવારે જાહેર કરાયેલા અહેવાલ મુજબ, જ્યાં કિંમતી જીવ ગુમાવ્યા છે. અમે તે લોકોને પાછા લાવી શકતા નથી, પરંતુ અમે તેમના દુ:ખમાં તેમની સાથે છીએ  અને એ તમામ ઘરોને થોડી રાહત આપવાનો પ્રયાસ કરીશું.

તેમણે એમ પણ કહ્યું કે જમ્મુ શહેરમાં નુકસાન થયું છે, પરંતુ શહેરની બહાર, પૂંચમાં ઘણી તરાજી થઈ છે. ગઈકાલે રાજૌરીમાં ઘણું નુકસાન થયું હતું, તંગધાર પહેલા દિવસથી જ નિશાન પર છે. જેમ મેં હમણાં કહ્યું તેમ, બધા ડીસીઓને નુકસાનનું મૂલ્યાંકન કરવા અને અમને રિપોર્ટ સુપરત કરવા સૂચના આપવામાં આવી છે. જેથી અમે લોકોને જલ્દી વળતર આપવાનો પ્રયાસ કરીશું. આ ઉપરાંત, એરપોર્ટ ઘણા દિવસોથી બંધ છે, અમને આશા છે કે યુદ્ધવિરામ પછી એરપોર્ટ ફરી ખૂલશે અને જે હાજીઓને અહીંથી હજ માટે નહોતા જઈ શક્યા તેમને એરપોર્ટ ખુલતાંની સાથે જ અમે તેમને અહીંથી મોકલવાનું શરૂ કરીશું.

operation sindoor ind pak tension Pahalgam Terror Attack terror attack india indian army indian air force new delhi