31 July, 2026 08:42 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
જંતર મંતર પરનું વિરોધ પ્રદર્શન
દિલ્હીના જંતર મંતર પર વિરોધ-પ્રદર્શનમાં સામેલ લોકો સામે કોઈ પણ પ્રકારની કાનૂની કાર્યવાહી નહીં કરવાનો મોટો નિર્ણય દિલ્હી સરકારે ગુરુવારે લીધો છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર (LG)ની મંજૂરી મળ્યા બાદ ગૃહવિભાગ દ્વારા આ વિશેનો સત્તાવાર આદેશ બહાર પાડવામાં આવ્યો છે.
સરકારી આદેશ અનુસાર આંદોલન દરમ્યાન દિલ્હી પોલીસ દ્વારા નોંધાયેલા કુલ ૧૩ કેસની સમીક્ષા કરવામાં આવશે. જો કોઈ પ્રદર્શનકારીની અટકાયત કે ધરપકડ કરવામાં આવી હશે તો તેમના કેસની પુનઃ તપાસ કરીને તેમને ઝડપથી મુક્ત કરવાની કામગીરી હાથ ધરાશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ મામલે ભવિષ્યમાં કોઈ જ નવી કાર્યવાહી કરવામાં આવશે નહીં અને આ પ્રકરણને બંધ ગણવામાં આવશે.
જોકે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરતાં દિલ્હી સરકારે સ્પષ્ટતા કરી છે કે આ રાહત કે સંરક્ષણ ગુનાહિત પૃષ્ઠભૂમિ (ક્રિમિનલ રેકૉર્ડ) ધરાવતા લોકોને મળશે નહીં. આ નિર્ણયથી આંદોલન કરનારા સેંકડો વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓને મોટી રાહત મળી છે.
BJPના સપોર્ટરોએ ગઈ કાલે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની ઑફિસની બહાર ધરણાં કરીને પેપર-લીક બદલ પંજાબના એજ્યુકેશન મિનિસ્ટરના રાજીનામાની માગણી કરી હતી.