ભક્તજનો અમદાવાદમાં જ કરી શકશે મહાકુંભનાં દર્શન

21 January, 2025 10:27 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

તમે પ્રયાગરાજમાં સંગમ સ્થાન પર ઊભા હો એવી અનુભૂતિ વર્ચ્યુઅલ રિયલિટી દ્વારા થશે.

અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી મેદાનમાં મેળાની ચાલતી તૈયારીઓ.

વર્ચ્યુઅલ રિયલિટી દ્વારા તમે પ્રયાગરાજમાં સંગમસ્થાન પર ઊભા હો એવી અનુભૂતિ થશે: અમદાવાદમાં યોજાનારા હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળામાં મિનીકુંભ જેવો માહોલ રચાશે: અયોધ્યાના રામ મંદિર, ઊમિયાધામ, સંતરામ મંદિર, શબરીધામ સહિતનાં ૧૦ મંદિરોનાં લાઇવ દર્શન કરી શકશે ધાર્મિક જનો

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આધ્યાત્મિકતાની અલખ જગાવતો મહાકુંભ મેળો ચાલી રહ્યો છે ત્યારે કોઈ કારણોસર પ્રયાગરાજ નહીં જઈ  શકનાર ધાર્મિક જનો માટે અમદાવાદમાં ૨૩થી ૨૬ જાન્યુઆરી દરમ્યાન યોજાનારા હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળામાં વર્ચ્યુઅલ રિયલિટી ટેક્નૉલૉજી દ્વારા કુંભમેળાનાં દર્શન કરાવવામાં આવશે. તમે પ્રયાગરાજમાં સંગમ સ્થાન પર ઊભા હો એવી અનુભૂતિ વર્ચ્યુઅલ રિયલિટી દ્વારા થશે.

એના માટે કુંભમેળો શરૂ થયો ત્યારે પ્રયાગરાજ જઈને મહાકુંભ મેળાનું શૂટિંગ કરવામાં આવ્યું છે જેને વર્ચ્યુઅલ રિયલિટી દ્વારા રજૂ કરવામાં આવશે જેથી અહીં આવનાર વ્યક્તિને એમ જ લાગશે કે જાણે તેઓ પ્રત્યક્ષ પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ સ્થાને ઊભા છે.

પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમનાં દર્શન.

આ ઉપરાંત અયોધ્યાના રામ મંદિર, ઊમિયાધામ, સંતરામ મંદિર, શબરીધામ સહિતનાં ૧૦ મંદિરોનાં લાઇવ દર્શન કરાવવામાં આવશે. ૧૫ મંદિરોની પ્રતિકૃતિ રચાશે. મેળાના ઉદ્ઘાટન પ્રસંગમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહ, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સુરેશ જોષી તેમ જ સાધુસંતો ઉપસ્થિત રહેશે.

ahmedabad gujarat news religious places kumbh mela bhupendra patel