24 January, 2026 08:48 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
બરફે કરી દીધા ચક્કા જામ : ગઈ કાલે મનાલીમાં ભારે સ્નોફૉલને કારણે બંધ પડી ગયેલી ગાડીને ધક્કો મારતા લોકો તથા અટકી પડેલો ટ્રાફિક
ઉત્તર ભારતમાં હવામાનમાં ગઈ કાલે તીવ્ર ફેરફાર થયો હતો જેને કારણે એક તરફ રાજધાની દિલ્હીમાં વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો ત્યારે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક પહાડી વિસ્તારોમાં તાજી હિમવર્ષાથી જનજીવન ખોરવાઈ ગયું હતું અને હવાઈ અને માર્ગ-પરિવહનને ભારે અસર પહોંચી હતી. ગઈ કાલે દિલ્હીમાં વરસાદ પડ્યો અને પહાડોમાં બરફવર્ષા થઈ એને કારણે ઉત્તર ભારતમાં જનજીવન પ્રભાવિત થયું હતું.
કેદારનાથ
રાષ્ટ્રીય રાજધાનીના ઘણા ભાગોમાં વહેલી સવારે વાવાઝોડા, વીજળી અને જોરદાર પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો. હવામાન ખાતાએ વહેલી સવારે ઑરેન્જ અલર્ટ જાહેર કરી હતી, જેમાં અનેક વિસ્તારોમાં મધ્યમ વાવાઝોડાની ગતિવિધિ સાથે ટૂંકા પરંતુ તીવ્ર વરસાદની ચેતવણી આપવામાં આવી હતી.
જમ્મુ અને કાશ્મીરમાં લોકપ્રિય સ્કીઇંગ ડેસ્ટિનેશન ગુલમર્ગ સહિત ઊંચાઈવાળા વિસ્તારોમાં તાજી હિમવર્ષા થઈ હતી, જ્યારે શ્રીનગર અને આસપાસનાં મેદાનોમાં ભારે પવન ફૂંકાયો હતો. ગુરુવારે મોડી રાત્રે હિમવર્ષા શરૂ થઈ હતી, કારણ કે આ પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ તીવ્ર બન્યું હતું. પ્રતિકૂળ હવામાનને કારણે ટ્રાન્સપોર્ટ સર્વિસમાં ભારે વિક્ષેપ પડ્યો હતો. શ્રીનગર ઍરપોર્ટે પહેલાં ઘણી ફ્લાઇટ્સ રદ કરી હતી અને પછી દિવસભર માટે બધી ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી હતી, કારણ કે સતત બરફવર્ષાને કારણે રનવે પર બરફ જમા થયો હતો. મુસાફરોને સલાહ આપવામાં આવી હતી કે સામાન્ય કામગીરી પુનઃ સ્થાપિત કરવામાં અપેક્ષા કરતાં વધુ સમય લાગી શકે છે.
શિમલા
રેલવે-સેવાઓ પણ પ્રભાવિત થઈ હતી, જ્યારે શ્રીનગર-જમ્મુ નૅશનલ હાઇવે (NH-44) બરફને કારણે બંધ કરવામાં આવ્યો હતો. ઉધમપુરના જાખચોક સહિત અનેક સ્થળોએ વાહનોની અવરજવર ઠપ થઈ ગઈ હતી.
બનિહાલ રેલવે-સ્ટેશન, કાશ્મીર
હિમાચલ પ્રદેશના મનાલી અને શિમલામાં તાજી બરફવર્ષાને કારણે આ શહેરો સફેદ પડથી ઢંકાઈ ગયાં હતાં.