13 September, 2026 04:31 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાથી સ્ક્રીનશૉટ (તસવીર: સોશિયલ મીડિયા)
દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાઈ રહેલી 18 મી બ્રિક્સ (BRICS) સમિટ દરમિયાન, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેઓ હિન્દુ ધર્મગુરુ જગદગુરુ સતીશાચાર્યજી મહારાજને મળતા જોવા મળે છે. એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે પેઝેશ્કિયને મહારાજના ચરણસ્પર્શ કર્યા અને આશીર્વાદ લીધા. જોકે, તે સ્પષ્ટ નથી કે તેઓ ખરેખર ધર્મગુરુના ચરણસ્પર્શ કરી રહ્યા હતા કે પછી નીચે પડેલી કોઈ વસ્તુ ઉપાડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.
વાયરલ વીડિયોમાં પેઝેશ્કિયન અને જગદગુરુ સતીશાચાર્ય વચ્ચેની વાતચીત જોવા મળે છે. ત્યારબાદ, ઈરાનના રાષ્ટ્રપતિ નીચે ઝૂકે છે. વીડિયો જોયા પછી, સોશિયલ મીડિયા યુઝર્સે આ વાતને આશીર્વાદ મેળવવા માટે ચરણસ્પર્શ કર્યા હોવાનું માણ્યું. જોકે, ઉપલબ્ધ ફૂટેજ આ વાતની નિર્ણાયક રીતે પુષ્ટિ કરતું નથી. આ કાર્યક્રમમાં ધર્મ સંસદના અધ્યક્ષ મહામંડલેશ્વર ગોસ્વામી સુશીલજી મહારાજ અને પતંજલિ યોગપીઠના આચાર્ય બાલકૃષ્ણ પણ ઉપસ્થિત હતા. જગદગુરુ સતીશાચાર્યએ `ધર્મ` અને `સનાતન`ના મૂલ્યો વિશે વાત કરી હતી.
વીડિયો વાયરલ થયા પછી, પાકિસ્તાનના કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે પણ તેના પર પ્રતિક્રિયા આપી હતી. પાકિસ્તાની પત્રકાર ઈશ્તિયાક અહમદે `X` પર લખ્યું, "એક ધાર્મિક નેતાથી બીજા ધાર્મિક નેતા સુધી, કોઈ ધર્મગુરુ સમક્ષ સાષ્ટાંગ પ્રણામ કરવા સુધી આ બધું ઈરાનમાં ઈસ્લામ માટે જ થઈ રહ્યું છે. અને છતાં તમને આ દંભીઓ પર વિશ્વાસ કરવાનું કહેવામાં આવે છે."
કાર્યક્રમમાં પેઝેશ્કિયને જણાવ્યું હતું કે ધર્મ અને ધાર્મિક ઉપદેશોનો ઉદ્દેશ્ય માનવતાનું રક્ષણ કરવાનો અને ન્યાયપૂર્ણ વ્યવસ્થા સ્થાપિત કરવાનો છે. ભારતની મુલાકાત દરમિયાન, પેઝેશ્કિયન ધર્મગુરુઓ, ઉદ્યોગપતિઓ અને બૌદ્ધિકોને પણ મળ્યા હતા. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય સંબંધો, ચાબહાર બંદર અને પ્રાદેશિક સ્થિરતા અંગે ચર્ચા કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથેની મુલાકાતમાં, વાતચીત બન્ને દેશો વચ્ચેના સંબંધો અને તેમના સાંસ્કૃતિક જોડાણો પર કેન્દ્રિત હતી. પેઝેશકિયાને અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે પણ મુલાકાત કરી હતી. અમેરિકાના હુમલા બાદ તેમની આ પ્રથમ મુલાકાત હોવાનું કહેવાય છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘાઈએ ભારત સાથેના સંબંધોને ઉત્કૃષ્ટ ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે બન્ને દેશો વચ્ચે લાંબા સમયથી ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો છે અને ઈરાન ભારત સાથેના સંબંધોને ખૂબ મહત્ત્વ આપે છે.
રાઉતે ઈરાનના રાષ્ટ્રપતિની ભારત મુલાકાતને મહત્ત્વપૂર્ણ ગણાવી. તેમણે ઈરાનના રાષ્ટ્રપતિને દિલ્હીમાં ‘સિંહની જેમ’ આગમન કરતા જોયા હોવાનો ઉલ્લેખ કર્યો. રાઉતના મતે, ઈરાને ઈઝરાયેલ અને અમેરિકા સામે પોતાની તાકાત, જુસ્સો અને આત્મસન્માન દર્શાવ્યું છે. ઈરાનના નેતૃત્વના વખાણ કરતા તેમણે કહ્યું કે તેઓ ઈરાનના રાષ્ટ્રપતિને સિંહ માને છે.