25 November, 2025 04:37 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
મુંબઈ લાઈફ લાઇન એવી મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરો ખાસ કરીને મહિલા પ્રવાસીઓની સુરક્ષાનો પ્રશ્ન નિર્માણ થાય તેવી ઘટના બને જ છે. લોકલ ટ્રેન અને સ્ટેશન પરિસરમાં મહિલાઓની છેડતી અને તેમની સાથે ગેરવર્તનના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જોકે આવા તત્વો સામે કાર્યવાહી પણ થાય છે અને અનેક વખત તેમની પબ્લિક ધોલાઈ પણ થાય છે. તાજેતરમાં પણ લોકલ ટ્રેન સ્ટેશન પર એવો જ એક કિસ્સો જોવા મળ્યો છે, જેમાં મહિલાએ અશ્લીલ ચેડાં કરનાર પુરુષને ધોઈ નાખ્યો હતો, ઘટનાનો વીડિયો પણ હવે સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર એક મહિલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક પુરુષને તેની સામે જોઈને અશ્લીલ હરકતો કરતો પકડાયા બાદ તે તેને થપ્પડ મારી રહી છે. આ ઘટના મુંબઈના હાર્બર લાઇનના ગોવંડી રેલવે સ્ટેશન પર બની હોવાનું કહેવાય છે.
શું છે આખી ઘટના?
વાયરલ થઈ રહેલા વીડિયોને એક ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શૅર કરવામાં આવ્યો છે. વીડિયોની શરૂઆત મહિલા વિરુદ્ધ પ્લેટફોર્મ પર બેઠેલા પુરુષને રેકોર્ડ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં, તે જણાવે છે કે એક પુરુષ તેની તરફ અયોગ્ય હરકતો કરી રહ્યો હતો. મહિલાએ વધુમાં દાવો કર્યો હતો કે જ્યારે તેણે બીજી જોયું, ત્યારે આ વ્યક્તિએ કથિત રીતે પ્લેટફોર્મની બીજી તરફથી તેને બોલાવી અને અશ્લીલ હરકતો કરવાનું ચાલુ જ રાખ્યું હતું. વીડિયોમાં મહિલાના જણાવ્યા મુજબ, તેણે ઘટના રેકોર્ડ કરવાનું શરૂ કર્યા પછી પણ આ વ્યક્તિએ પોતાનું વર્તન બંધ કર્યું નહીં. તે બાદ આ મહિલા પુરુષ પાસે જાય છે, તેના કૃત્યો માટે તેનો સામનો કરે છે અને તેને થપ્પડ મારે છે. જોકે, આરોપી પુરુષ બધા દાવાને નકારે છે અને તેને કહેતા સાંભળી શકાય છે કે, "મેં કંઈ કર્યું નથી." મહિલાની વાત સાંભળીને પુરુષની નજીક બેઠેલા ઘણા મુસાફરો ભેગા થઈ ગયા. કેટલાક લોકો દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા. આ મહિલાએ છેડતી કરનાર વ્યક્તિને માર પણ માર્યો હતો. મહિલા એમ પણ કહેતી સંભળાય છે કે, “જ્યારે મેં વીડિયો બનાવવાનું શરૂ કર્યું, ત્યારે તેણે વધુ ગંદી હરકતો કરવાનું શરૂ કર્યું.”
ઘટના પર નેટીઝન્સની પ્રતિક્રિયા
નેટીઝન્સે આ વ્યક્તિને તેના અયોગ્ય વર્તન બદલ થપ્પડ મારવા અને તેનો સામનો કરવા બદલ મહિલાની પ્રશંસા કરી. એક યુઝરે લખ્યું, "સહી કિયા બેટા સ્ટ્રોંગ છોકરી." બીજા એકે કહ્યું, "દરેક છોકરીએ તેની જેમ બહાદુર બનવું જોઈએ" બીજા યુઝરે ઉમેર્યું, "બહાદુર છોકરી અને બીજા બધા છોકરાઓ જે તેના માટે ઉભા હતા." આ મામલે પોલીસ ફરિયાદની કોઈ માહિતી હજી જાહેર થઈ નથી, જોકે પ્લેટફોર્મ પર મહિલાની સુરક્ષાનો પ્રશ્ન ફરી ઊભો થયો છે.