Video: સેશેલ્સમાં PM મોદીનું ભારતીયો દ્વારા કચ્છના લોકનૃત્ય સાથે જોરદાર સ્વાગત

27 June, 2026 05:19 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સ્વાગતની ઝલક શૅર કરતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સેશેલ્સમાં સ્થાયી થયેલા ભારતીય સમુદાયની પ્રશંસા કરી. તેમણે લખ્યું, "અદ્ભુત સાંસ્કૃતિક જોડાણ. સેશેલ્સના ઍરપોર્ટ પર સ્વાગતમાં કચ્છના લોકનૃત્ય પણ રજૂ થયા.

સેશેલ્સમાં PM નરેન્દ્ર મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ત્રણ દિવસની મુલાકાત માટે ઈસ્ટ આફ્રિકાના દેશ સેશેલ્સ પહોંચ્યા હતા, જ્યાં તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. સેશેલ્સના રાષ્ટ્રપતિ ડૉ. પેટ્રિક હર્મિનીના આમંત્રણ પર વડા પ્રધાન મોદી 27 જૂનથી 29 જૂન સુધી સેશેલ્સની મુલાકાતે છે. આ મુલાકાત દરમિયાન, તેઓ મુખ્ય અતિથિ તરીકે સેશેલ્સના રાષ્ટ્રીય દિવસના સુવર્ણ જયંતિ સમારોહમાં હાજરી આપશે.

ઍરપોર્ટ પર PM મોદીનું સાંસ્કૃતિક સ્વાગત

સેશેલ્સ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર તેમના આગમન પર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું લાઈવ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સ્વાગત કરવામાં આવ્યું. સ્વાગત સમારોહમાં સેશેલ્સ અને ભારત બન્નેની સાંસ્કૃતિક પરંપરાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું. આ કાર્યક્રમની શરૂઆત સ્થાનિક સેશેલોઈ કલાકારોએ પરંપરાગત સંગીત અને નૃત્ય રજૂ કરીને કરી. ત્યારબાદ, ગુજરાતના કચ્છના ભારતીય લોક કલાકારોએ એક ખાસ સાંસ્કૃતિક પ્રદર્શન કર્યું. પરંપરાગત પોશાક પહેરીને, કલાકારોએ ઢોલ અને અન્ય પરંપરાગત સંગીત વાદ્યોના તાલ પર લોકનૃત્ય રજૂ કર્યા. ભારતીય સમુદાયના સભ્યો અને કાર્યક્રમમાં હાજર અન્ય લોકોએ ‘મોદી, મોદી’ના નારા લગાવ્યા, જેનાથી સ્થળ પર ભારે ઉત્સાહનું વાતાવરણ સર્જાયું.

વડા પ્રધાને X પર મેસેજ શૅર કર્યો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સ્વાગતની ઝલક શૅર કરતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સેશેલ્સમાં સ્થાયી થયેલા ભારતીય સમુદાયની પ્રશંસા કરી. તેમણે લખ્યું, "અદ્ભુત સાંસ્કૃતિક જોડાણ. સેશેલ્સના ઍરપોર્ટ પર સ્વાગતમાં કચ્છના લોકનૃત્ય પણ રજૂ થયા. આપણા ભારતીય ડાયસ્પોરાએ ભારતના વિવિધ ભાગોની સંસ્કૃતિને જે રીતે સાચવી અને ઉજવી છે તે પ્રશંસનીય છે."

દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવું

વડા પ્રધાન મોદીની મુલાકાત દરમિયાન, ભારત અને સેશેલ્સ વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. રાષ્ટ્રીય દિવસ સુવર્ણ જયંતિની ઉજવણીમાં હાજરી આપવા ઉપરાંત, તેઓ વિવિધ મુખ્ય ક્ષેત્રોમાં બન્ને રાષ્ટ્રો વચ્ચે સહયોગ વધારવા પર ચર્ચા કરશે. ભારત અને સેશેલ્સ વચ્ચે સહયોગને આગળ વધારવા માટે આ મુલાકાત મહત્તવપૂર્ણ માનવામાં આવે છે. પરસ્પર સંબંધોને મજબૂત બનાવવા અને વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારી વધારવાના હેતુથી અનેક મુદ્દાઓ પર ચર્ચા થવાની અપેક્ષા છે.

narendra modi africa viral videos indian government new delhi