29 June, 2026 08:53 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દેશભરમાં લગભગ દરેક ઘરમાં LPG નો ઉપયોગ થાય છે. HP, Indane અને Bharat Gas ના ગ્રાહકો માટે એક મહત્તવપૂર્ણ સમાચાર છે. 30 જૂન સુધીમાં કેટલીક ફરજિયાત પ્રક્રિયાઓ પૂર્ણ કરવી જરૂરી છે નહીં તો તેમના LPG કનેક્શન બંધ થવાની શકયતા છે. 1 જુલાઈથી LPG સંબંધિત ઘણા નિયમો બદલાશે, જેની સીધી અસર લાખો ગ્રાહકો પર પડશે. ચાલો જાણીએ કે 30 જૂન પહેલાં કઈ પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી રહેશે.
કેન્દ્ર સરકારે તાજેતરમાં LPG સુધારો આદેશ જાહેર કર્યો હતો. આ નવા નિયમો હેઠળ, PNG અને LPG બન્ને કનેક્શન ધરાવતા ગ્રાહકોએ એક મહિનાની અંદર તેમના HP, Indane અથવા Bharat Gas LPG કનેક્શન પરત કરવા જરૂરી છે. આમ કરવામાં નિષ્ફળતા જતાં ગ્રાહકોની LPG સેવા બંધ થઈ શકે છે. જે ગ્રાહકો નિર્ધારિત સમયમર્યાદામાં તેમના LPG કનેક્શન પરત કરે છે તેમને એક ખાસ કૂપન પ્રાપ્ત થશે, જે ભવિષ્યમાં જરૂર પડ્યે ફરીથી LPG કનેક્શન મેળવી શકશે.
માર્ચમાં, સરકારે એવા વિસ્તારોના રહેવાસીઓને નિર્દેશ આપ્યો હતો જ્યાં PNG સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યાંનાં લોકો LPG ને બદલે PNG કનેક્શન પસંદ કરે. ગ્રાહકોને આ બદલાવ માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. જો ગ્રાહકો આ સમયગાળા દરમિયાન PNG કનેક્શન મેળવવામાં નિષ્ફળ જાય, તો તેમના LPG કનેક્શનને કટ કરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી હતી. સરકાર દ્વારા નિર્ધારિત સમયમર્યાદા જૂનમાં સમાપ્ત થઈ રહી હોવાથી, અસરગ્રસ્ત ગ્રાહકોએ સંભવિત મુશ્કેલીઓ ટાળવા માટે તાત્કાલિક જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરવી જોઈએ.
LPG ગ્રાહકો માટે 30 જૂન સુધીમાં e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવી પણ ફરજિયાત બનાવવામાં આવી છે. જો તમારી પાસે સક્રિય LPG કનેક્શન છે, તો ખાતરી કરો કે તમે આ તારીખ સુધીમાં e-KYC પ્રક્રિયા પૂર્ણ કરી છે; નહિંતર, 1 જુલાઈથી ગૅસ સિલિન્ડર બુક કરતી વખતે તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ગ્રાહકો સંબંધિત ગૅસ કંપનીની મોબાઇલ એપ્લિકેશન દ્વારા e-KYC પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરી શકે છે.
છેલ્લા કેટલાક મહિનાઓથી વૈશ્વિક તણાવનું વાતાવરણ રહ્યું છે. જોકે, હવે તે તણાવ થોડો ઓછો થતાં, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી ખુલી ગયું છે. પરિણામે, LPGના ભાવ ઘટવાની શક્યતા છે. હવે બધાની નજર તેના પર છે કે શું કેન્દ્ર સરકાર 1 જુલાઈના રોજ ઘરેલુ ગૅસ સિલિન્ડરના ભાવ ઘટાડવાનો નિર્ણય લેશે કે પછી ભાવ ફરી એક વખત વધશે.