જેન-ઝી : સાચું પણ ખરું, ખોટું પણ ખરું

03 August, 2026 02:19 PM IST  |  Mumbai | Dr. Dinkar Joshi

આ જેન-ઝીએ છેલ્લાં કેટલાંક વર્ષોમાં નેપાલ, મ્યાનમાર, કોરિયા વગેરે દેશોમાં અચાનક પોત પ્રકાશ્યું. આ જેન-ઝી એટલે વીસ-બાવીસ વર્ષના છોકરાઓ. આ છોકરાઓને હવે પ્રશ્નો છે. આ પ્રશ્નો સાવ ખોટા પણ નથી અને છતાં સાવ સાચી રીતે રજૂ પણ નથી થયા.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

જેન-ઝી કંઈ સાવ નવોનક્કર શબ્દ ન કહેવાય. આપણામાંથી કોઈકે કદાચ સાંભળ્યો હશે, કદાચ એના વિશે કંઈક જાણતા પણ હશે; પણ મોટા ભાગે આ નવોનક્કોર શબ્દ છે. આપણે એના વિશે બહુ ઓછું જાણીએ છીએ. જોકે હમણાં થોડાક દિવસથી આ ૩ અક્ષરો બે શબ્દ બનીને આ દીવાલથી પેલી દીવાલે અને પેલી દીવાલથી આ દીવાલે રોજેરોજ સંભળાય છે. કારણ? એનું કારણ આ જેન-ઝી ક્યારે અડબોથ મારે એનું કંઈ કહેવાય નહીં એવો વહેમ બધાને પડી ગયો છે. જેન-ઝી મારે એ તો કોઈને ન ગમે, પણ જેન-ઝીનો માર સાવ ખોટો પણ નથી હોતો. જેન-ઝીને નામ છે પણ નામથી એની કોઈ ઓળખ જ નથી. જેન-ઝી એટલે માત્ર જેન-ઝી.

આ જેન-ઝીએ છેલ્લાં કેટલાંક વર્ષોમાં નેપાલ, મ્યાનમાર, કોરિયા વગેરે દેશોમાં અચાનક પોત પ્રકાશ્યું. આ જેન-ઝી એટલે વીસ-બાવીસ વર્ષના છોકરાઓ. આ છોકરાઓને હવે પ્રશ્નો છે. આ પ્રશ્નો સાવ ખોટા પણ નથી અને છતાં સાવ સાચી રીતે રજૂ પણ નથી થયા. સાચી વાતને સમજાવવા માટે ખોટી રીતે તૂટી પડીએ તોય સાચી નથી થઈ જતી. તેમના પ્રશ્નો સાચા છે. જુવાન છોકરાઓને જુદા-જુદા દેશમાં જુદી-જુદી સરકારોના વહીવટ હેઠળ રહેવું પડે છે એ કંઈ આનંદદાયક નથી. જે વહીવટ આ છોકરાઓ સહન કરે છે એ આપણે પણ તેમની ઉંમરમાં સહન કર્યું હતું, પણ આપણે જેન-ઝી નહોતા થયા. આપણાથી થઈ શકાયું જ નહોતું. યાદ રાખો કે જેન-ઝી થવા જેવું છે. જ્યારે સરકારો બીજું કંઈ સમજે જ નહીં ત્યારે શું કરે? પણ યાદ રાખજો કે જે રસ્તે તમે જઈ રહ્યા છો આવતી કાલે તમારા માટે પણ જોખમી છે.

ગાંધી, જિન્નાહ અને ૧૯૨૧

૧૯૨૧માં ગાંધીએ પણ આ જેન-ઝી જેવું જ આંદોલન કર્યું હતું. સરકારો સામે લડતી પેઢીઓ ત્યારે આવેદનપત્રો આપ્યા કરે, સૂત્રો ઉચ્ચાર્યા કરે, નિવેદનો પણ નોંધાયાં; પણ કંઈ થયું નહીં. ગાંધીજીએ સામાન્ય પ્રજાને પણ રસ્તા પર ઊતરવાનું કહ્યું, ‘આવો, આપણે રસ્તા પર ઊતરીને સરકારો સામે લડીએ.’ રસ્તા પર ઊતરીને લડવાની આ વાતને આજે આપણે જેન-ઝી જેવું જ કહી શકીએ. જિન્નાહ જેવા કટ્ટર લડાયકોએ પણ ગાંધીજીને સમજાવ્યા હતા, ‘આ અસહકારવાળાઓને રસ્તા પર ઉતારો નહીં. તેઓ રસ્તા પર ઊતરશે એટલે નવી પેઢી એ વિદ્યા શીખી લેશે. એનું પરિણામ એ આવશે કે આઝાદી પછી આપણે પણ આવી સામસામી લડતનો સામનો કરવો પડશે.’ ગાંધીજીએ એ સ્વીકાર્યું નહોતું. જેન-ઝી ટાઇપની જ આવી એક લડત આજે પણ થઈ, પરંતુ આ લડત સફળ ન થઈ અને લોકો આટલાં વર્ષે પણ રસ્તા પર આવીને લડવાનું ભૂલ્યા નહીં. ઊલટું એ વધારે મારફાડ થાય એવું બન્યું. હવે આજે આપણે જે જેન-ઝીનો સામનો કરી રહ્યા છીએ એ જેન-ઝીને ઓળખી લેવા જેવી છે. ૧૯૨૧ એક સ્વતંત્ર અને સ્વાર્પણની કથા હતી. એમાં ક્યાંય બીજા કોઈને ભેળસેળ કરવાનો વિચાર સુધ્ધાં નહોતો. આજની જેન-ઝીમાં લડત તો મોટા ઉપાડે શરૂ થઈ (ફરી એક વાર કહું સાવ ખોટું પણ નહીં), પણ આ જેન-ઝીમાં શરદ પવારથી માંડીને ઉદ્ધવ ઠાકરે સુધી બધા શી રીતે કૂદી પડ્યા? આ લડત તેમના માટે નહોતી અને નથી, એક સિદ્ધાંત માટે છે. આ થાકેલા, હારેલા રાજકારણીઓ માટે એ કંઈ સૂત્રોચ્ચાર કરવાનો અવસર નથી.

રસ્તા પર ઊતરીને નેતા બની જતા આ સૌને આપણે એક પ્રશ્ન તો પૂછવો જ પડે. છેક લદ્દાખથી આ મુદ્દા સાથે કંઈ લેવાદેવા ન હોવા છતાં સોનમ વાંગચુક નામના બીજા એક જેન-ઝી (જેન-ઝી ન કહેવાય પણ સોનમ વાંગચુક તો સરકાર સામે લડતા એક જૂના ઍક્ટિવિસ્ટ કહેવાય) આ લડતમાં કૂદી પડ્યા. તેમણે ઉપવાસ આરંભ્યા અને આ ભૂખહડતાળ વાત-વાતમાં એક જોણું હોય એમ આખા દેશમાં મહત્ત્વનો મુદ્દો બની ગયો. જેન-ઝીના છાત્રોની પરીક્ષા વિશેની માગણીઓ સરકારે સ્વીકારી, પણ આમાં જેન-ઝી કરતાં આ લદ્દાખવાળા ભાઈ સોનમ વાંગચુક સફળ થયા કહેવાય.

હવે કરવા જેવું શું છે?

પરીક્ષાનાં પેપરો ફૂટી જાય અને જેમણે રાત-દિવસ મહેનત કરી છે તેમની મહેનત ધૂળધાણી થઈ જાય તેને માફ ન કરાય. તેને આકરી સજા થવી જોઈએ. વિદ્યાર્થીઓ થાકીને આત્મહત્યા કરે અને તેમનાં માતા-પિતા સંતાનને જયજયકાર કરતા જોવાને બદલે મૃતદેહે પડેલો જુએ ત્યારે એ આઘાત કેમ ઝીરવાય? કોઈ સરકાર માફ નથી થતી અને એમ છતાં પેપરનું ફૂટી જવું એ સ્થાનિક વહીવટ છે. એ વહીવટ દિલ્હીમાં બેઠેલો મિનિસ્ટર શી રીતે જાણે? તમને યાદ છે થોડાં વર્ષો પહેલાં એક મોટો રેલવે-અકસ્માત થયો હતો જેમાં સેંકડો યાત્રીઓ મૃત્યુ પામ્યા હતા. આમાં ભૂલ સાંધાવાળાની હતી. સાંધાવાળો બે પાટાને જોડતો. તે સાંધો કેવી રીતે જોડે છે એ વાત દિલ્હીમાં બેઠેલા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી શી રીતે જાણે? લાલ બહાદુર શાસ્ત્રીએ આ જવાબદારી પોતાના માથા પર લઈને રાજીનામું આપ્યું, પણ આ રાજીનામું વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ સમજાવટથી પાછું ખેંચાવ્યું. આનો અર્થ એવો નથી કે આવા અકસ્માતો થાય એને ભૂલગુજરી કહી શકાય. ના, આ ભૂલગુજરી નથી. પરીક્ષાનાં પેપરોને હજારો કે લાખો રૂપિયામાં વેચનારા આવા મવાલીઓને મુદ્દલ છોડાય નહીં. જે કોઈ ગુનેગાર હોય તેને ટીપી જ નખાય અને એમાં આવી સિસ્ટમ ચલાવતા મિનિસ્ટરને પણ છોડાય નહીં.

આ સમાધાન છે?

ઘીના ઘડે ઘી પડી ગયું છે એવું કહીને હાશ કહેવાય નહીં. આ થોડાક દિવસોમાં જેન-ઝીવાળા તો ઠીક પણ લદ્દાખવાળા જેમણે રાજકીય રમતો કરીને જેલવાસ ભોગવ્યો એ સૌને હવે કોઈ સજા કે કાર્યવાહી વિના છોડી મૂકવાની વાત સમાધાનનો એક મુદ્દો બની છે. હવે સમાધાન થઈ ગયું છે. સરકારે જેન-ઝીની વાજબી વાત સ્વીકારી લીધી છે પણ આ વાતમાં, આ લડતમાં જોડાઈને જેમણે જેલવાસ સ્વીકાર્યો છે તેમની વાત ધ્યાનમાં લેવા જેવી છે. આ જેન-ઝીવાળાઓએ આ બધાને છોડવાની વાત કરી છે અને સરકારે સ્વીકારી પણ છે અને સુપ્રીમ કોર્ટે એને બંધારણીય પણ કહી છે. આમ છતાં એમાં રહેલો એક મુદ્દો ક્યારેય સ્વીકારી શકાય નહીં. જેઓ આ લડતમાં પકડાયા છે એમાંથી જેમના માથે આ લડત ઉપરાંત બીજી ભૂતકાલીન લડતોનો અપરાધ પણ છે એવા બીજા અપરાધોના ગુનેગારોને છોડી શકાય નહીં. વર્તમાન અપરાધને છોડી શકાય, પણ એનાથી કંઈ ભૂતકાળમાં જે ગુનાઓ કર્યા હોય અને એના માટે અદાલતી કાર્યવાહી ઊભી હોય એને ભૂલી શકાય નહીં. સરકારે જેન-ઝીના અપરાધીઓને મુક્ત કરવાની વાત સ્વીકારી છે, જૂના ગુનેગારોને નહીં.

જોઈએ, હવે શું થાય છે?

dinkar joshi Sonam Wangchuk columnists mahatma gandhi gujarati mid day lifestyle news life and style