તમિલનાડુના સરકારે 3 ખેતી કાયદા વિરુદ્ધ વિધાનસભામાં ઠરાવ રજૂ કર્યો, જાણો વિગત

28 August, 2021 04:58 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને શનિવારે રાજ્ય સરકારમાં કેન્દ્ર સરકારના ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓનો વિરોધ કરતો ઠરાવ રજૂ કર્યો હતો

તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન

તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને શનિવારે રાજ્ય સરકારમાં કેન્દ્ર સરકારના ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓનો વિરોધ કરતો ઠરાવ રજૂ કર્યો હતો. આ સાથે તમિલનાડુ હવે પંજાબ, રાજસ્થાન, છત્તીસગઢ, દિલ્હી, કેરળ અને પશ્ચિમ બંગાળ બાદ કૃષિ કાયદાનો વિરોધ કરતું સાતમું રાજ્ય બની ગયું છે. સ્ટાલિને એમ પણ કહ્યું કે છેલ્લા એક વર્ષ દરમિયાન કેન્દ્ર સરકારના ત્રણ ખેડૂત સંબંધિત કાયદાઓ સામે વિરોધ પ્રદર્શન કરનારા ખેડૂતો વિરુદ્ધ દાખલ કરાયેલા તમામ કેસ પાછા ખેચવામાં આવશે.

કેન્દ્ર દ્વારા ત્રણ કૃષિ કાયદા ઘડવામાં આવ્યા ત્યારથી, સ્ટાલિનના દ્રવિડ મુનેત્ર કઠગામ (ડીએમકે) માંગ કરી રહી છે કે કેન્દ્ર કાયદાને પાછો ખેંચે, જે મુખ્યમંત્રીએ કહ્યું છે કે “ખેડૂતોના હિતો વિરુદ્ધ છે.” તેવો અહેવાલ સમાચાર એજન્સી પીટીઆઈએ આપ્યો છે. સ્ટાલિને જૂનમાં કહ્યું હતું કે “સરકારે દેશભરના ખેડૂતોની લાગણીઓને દુભાવતા આ ત્રણ કૃષિ કાયદાઓ પરત ખેંચવાની માંગણી કરતો ઠરાવ પસાર કરવાનો સ્પષ્ટ નિર્ણય કર્યો છે.”

મે મહિનામાં સ્ટાલિને કહ્યું હતું કે સરકાર વિધાનસભામાં એક ઠરાવ લાવશે કે જેમાં કેન્દ્રને ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવા માટે કહેવામાં આવશે. તેમણે યાદ કર્યું કે વિધાનસભા ચૂંટણી આપેલા વચનોમાંથી એક વચન એ પણ હતું કે જેમાં કેન્દ્ર સરકારને ત્રણ કૃષિ કાયદા રદ કરવા માટે વિનંતી કરવામાં આવશે.

“કેન્દ્ર સરકારે વિરોધ કરી રહેલા ખેડૂતોની માંગણીઓ સ્વીકારવી જોઈએ અને આ ત્રણ ખેતી કાયદા રદ કરવા જોઈએ. હું તમને ખાતરી આપું છું કે ડીએમકે દ્વારા કૃષિ કાયદા રદબાતલ કરવાનાં વચનો પૂરાં થશે.’ તેમ સ્ટાલિને કહ્યું હતું.

તેમણે આરોપ કર્યો કે ન તો કેન્દ્ર સરકારે ખેડૂતોની ભાવનાઓનું સન્માન કર્યું અને ન તો ત્રણ કૃષિ કાયદા રદ કર્યા અને ન તો આ મુદ્દાનો ઉકેલ શોધવા માટે તેમની સાથે વાતચીત કરવા માટે પગલાં લીધા.

Tamil Nadu Mk Stalin Farm laws State Government