અતીતનો આયનો બતાવ્યો એટલે મરચાં લાગ્યાં

23 April, 2024 07:22 AM IST  |  Rajasthan | Gujarati Mid-day Correspondent

કૉન્ગ્રેસ દેશની સંપત્તિ ઘૂસણખોરોમાં વહેંચી દેશે, તમારું મંગળસૂત્ર પણ નહીં છોડે એવાં નરેન્દ્ર મોદીનાં વિધાનો વિશે વિવાદ થયો તો BJPએ કહ્યું...

તાળાંઓ માટે વિખ્યાત અલીગઢમાં ગઈ કાલે યોજાયેલી ચૂંટણીસભામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અનોખો મેમેન્ટો આપતા ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ.

રાજસ્થાનના બાંસવાડામાં એક રૅલીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આરોપ લગાવ્યો હતો કે કૉન્ગ્રેસ દેશની સંપત્તિ ઘૂસણખોરોમાં વહેંચી દેવાની યોજના ધરાવે છે. એ મુદ્દે હવે ભારે વિવાદ સર્જાયો છે. કૉન્ગ્રેસ આને લઘુમતી સમુદાય સાથે જોડીને ભારતીય જનતા પાર્ટી (BJP) પર નિશાન તાકી રહી છે અને એણે ચૂંટણીપંચમાં મોદી સામે ફરિયાદ કરી છે. બીજી તરફ BJPએ મોદીની ટિપ્પણીનો બચાવ કર્યો છે.

વિપક્ષોને કઈ બાબતે ખોટું લાગ્યું છે એવું જણાવીને BJPના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કહ્યું હતું કે ‘વિપક્ષો દુખી છે, કારણ કે મોદીએ એમને અતીતનો આયનો બતાવ્યો છે. મોદીએ જે કહ્યું છે એ સાચું છે અને દેશવાસીઓ સાથે સંકળાયેલી આ બાબત છે. આ નિવેદન લોકોની ભાવના વ્યક્ત કરે છે, કારણ કે વિપક્ષો માટે દેશના નાગરિકો કરતાં ઘૂસણખોરો અને એમાંય મુસ્લિમ વધારે મહત્ત્વના છે. મોદીએ સાચું કહી દીધું છે એ વિપક્ષને સહન થઈ રહ્યું નથી. તુષ્ટિકરણની નીતિ કૉન્ગ્રેસની રહી છે અને ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે પણ કહ્યું હતું કે દેશનાં સંસાધનો પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે. વિપક્ષો જાતિના આધાર પર અપરાધીઓને સંરક્ષણ આપે છે અને એમાં બંગાળના સંદેશખાલીથી કર્ણાટકના નેહા હત્યાકાંડ સુધીનાં ઉદાહરણો છે.’

શા માટે થયો વિવાદ?

શનિવારે રાજસ્થાનના બાંસવાડામાં એક રૅલીને સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ‘કૉન્ગ્રેસ દેશના લોકો દ્વારા મહેનત કરીને કમાવવામાં આવેલાં નાણાં અને દેશની સંપત્તિ ઘૂસણખોરો અને જેમને વધારે બાળકો છે એવા લોકોને આપવા માગે છે. અગાઉ દેશમાં કૉન્ગ્રેસનું શાસન હતું ત્યારે એણે કહ્યું હતું કે દેશનાં સંસાધનો પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે. આનો અર્થ એ કે તેઓ દેશની સંપત્તિ કોને વહેંચશે? સંપત્તિ એ લોકોમાં વહેંચાશે જેમને વધારે બાળકો છે. કૉન્ગ્રેસે એના મૅનિફેસ્ટોમાં જણાવ્યું છે કે જો તેઓ સત્તામાં આવશે તો તેઓ દરેક વ્યક્તિની સંપત્તિનો સર્વે કરાવશે, માતાઓ અને બહેનોની પાસે રહેલા સોનાના દાગીનાની ગણતરી કરશે અને પછી એને જરૂરતમંદ લોકોમાં વહેંચી દેશે.’ વડા પ્રધાન મોદીના આ નિવેદન બાદ કૉન્ગ્રેસે આરોપ લગાવ્યો હતો કે મોદી ચૂંટણીમાં લાભ મેળવવા માટે સાંપ્રદાયિક ધ્રુવીકરણ કરવા માગે છે.

નરેન્દ્ર મોદી સામે પગલાં લેવાની કૉન્ગ્રેસની માગણી ચૂંટણીપંચને પત્ર લખ્યો
કૉન્ગ્રેસ સત્તામાં આવશે તો એ દેશની સંપત્તિ મુસ્લિમોમાં વહેંચી દેશે અને મહિલાઓનાં મંગળસૂત્ર પણ નહીં છોડે એવા મોદીના ભાષણ સામે પગલાં લેવામાં આવે એવી માગણી કૉન્ગ્રેસે કરી છે અને ચૂંટણીપંચને એક પત્ર લખ્યો છે. ચૂંટણીપંચને લખેલા પત્રમાં કૉન્ગ્રેસે ખૂબ જ આકરા શબ્દોમાં જણાવ્યું છે કે ભારતના કોઈ સિટિંગ વડા પ્રધાને ખૂબ જ ખરાબ આરોપો લગાવ્યા છે અને તેથી આ બાબત અનુત્તરિત ન રહી શકે, એમાં જવાબ માગવામાં આવે અને સજા પણ કરવામાં આવે.

અભિષેક મનુ સિંઘવીએ શું કહ્યું?
વડા પ્રધાને રાજસ્થાનની સ્પીચમાં જે કહ્યું છે એ એક ખાસ કોમને લક્ષ્ય બનાવે છે એવું જણાવીને કૉન્ગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે ‘આ કોમને ઘૂસણખોરો સાથે સંબંધિત દર્શાવવામાં આવે છે. મંગળસૂત્ર પણ નહીં છોડે એવું નિવેદન ધર્મ આધારિત છે. ચૂંટણીપંચની આચારસંહિતાનો આ ભંગ થઈ રહ્યો છે. આ ભાષણ વિશે અમે ૧૭ મુદ્દા ઊભા કર્યા છે, જે દેશના બંધારણના મૂળભૂત અધિકારો પર હુમલા સમાન છે.’

rajasthan Lok Sabha Election 2024 bharatiya janata party congress narendra modi