04 February, 2025 08:46 PM IST | Panji | Gujarati Mid-day Online Correspondent
તેલુગુ ફિલ્મ નિર્માતા સુનાકારા કે.પી. ચૌધરી
તેલુગુ ફિલ્મ નિર્માતા સુનાકારા કે.પી. ચૌધરી, 44, સોમવારે ઉત્તર ગોવાના સિઓલિમમાં તેમના ભાડાના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. મીડિયા રેપોર્ટ્સ મુજબ ગોવા પોલીસના ડીજીપી આલોક કુમારે આ કેસ બાબતે કહ્યું હતું કે ચૌધરીએ કથિત રીતે પોતાના ફ્લૅટમાં ફાંસી લગાવી લીધી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઘટનાસ્થળેથી એક નોંધ મળી આવી હતી, પરંતુ તેમાં કોઈના નામનો તેમણે ઉલ્લેખ કર્યો નહોતો. આ મામલે વધુ તપાસ ચાલુ છે,” અધિકારીએ કહ્યું.
એક અધિકૃત અખબારી યાદીમાં, ઉત્તર ગોવા પોલીસે જણાવ્યું કે અંજુના પોલીસ સ્ટેશનની સિઓલિમ આઉટપોસ્ટને સોમવારે સવારે ઉત્તર ગોવાના સિઓલિમમાં શંકાસ્પદ આત્મહત્યાના કેસ અંગે માહિતી મળી “અહેવાલ મળ્યા બાદ, પોલીસ કર્મચારીઓને ઘટના સ્થળે રવાના કરવામાં આવ્યા હતા. આગમન પર, તેઓએ એક માણસને સીલિંગ ફેન સાથે લટકતો શોધી કાઢ્યો હતો. મૃતકની ઓળખ સુનાકારા કે.પી. ચૌધરી, 44 વર્ષનો, તેલંગાણાના ગચીબોવલીનો રહેવાસી છે,” રીલીઝમાં જણાવ્યું હતું.
“પ્રારંભિક માહિતી સૂચવે છે કે ચૌધરી છેલ્લા છ-સાત મહિનાથી ફ્લૅટમાં એકલા રહેતા હતા. પ્રારંભિક નિવેદનો અનુસાર, જ્યારે તેઓ ચાર ફેબ્રુઆરી મંગળવારની સવારે ફોન કોલ્સ અને મેસેજ જવાબ આપવામાં નિષ્ફળ ગયા ત્યારે તેના મિત્રોને ચિંતા થવા લાગી હતી. ત્યારબાદ તેઓએ ફ્લૅટ માલિકનો સંપર્ક કર્યો, જેમણે તપાસ કરતાં ચૌધરીનો મૃતદેહ પંખા સાથે લટકતો જોવા મળ્યો જે બાદ તેમણે પોલીસને માહિતી આપી હતી. કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, અને મૃતકના પરિવારને જાણ કરવામાં આવી છે. તપાસ ચાલુ છે," તેમણે ઉમેર્યું.
ચૌધરીને અગાઉ જૂન 2023 માં તેમની પાસે કથિત રીતે કોકેઈન હોવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી, જે બાદ તેઓ ચર્ચામાં આવ્યા હતા. માધાપુર અને રાજેન્દ્રનગર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ટીમે તેમને કિસ્મતપુર ચોકડી નજીકથી પકડી પડ્યા હતા જ્યારે તેઓ કથિત રીતે દારૂ વેચવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અધિકારીઓએ તેમની પાસેથી કોકેઈનના 90 સેચેટ્સ (82.75 ગ્રામ) અને રૂ. 2 લાખની રોકડ જપ્ત કરી હતી. કે.પી. ચૌધરી તરીકે પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને વિતરક હતા. તેમણે રજનીકાંતની કબાલી (2016) ના તેલુગુ સંસ્કરણનું નિર્માણ કર્યું હતું અને તે સરદાર ગબ્બર સિંહ, સીથમ્મા વકિતલો સિરીમલ્લે ચેટ્ટુ અને કનિથન જેવી ફિલ્મોના ડિસ્ટ્રીબ્યુટર હતા.
આ ડિરેક્ટરનો પણ મળ્યો હતો મૃતદેહ
કન્નડ સિનેમાના જાણીતા દિગ્દર્શક ગુરુપ્રસાદનું નિધન થયું છે. ગુરુપ્રસાદનો મૃતદેહ બેંગલુરુમાં તેમના જ એપાર્ટમેન્ટમાંથી મળી આવ્યો હતો. જો પ્રારંભિક અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો આ આત્મહત્યાનો મામલો હોવાનું કહેવાય છે. દિગ્દર્શકના પડોશીઓએ તેમના ઘરમાંથી તીવ્ર દુર્ગંધ આવવાની ફરિયાદ કરી હતી. આ પછી પોલીસ ત્યાં પહોંચી હતી. પોલીસને ગુરુપ્રસાદનો મૃતદેહ સડી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો.