22 સપ્ટેમ્બરે જયલલિતાને તેમના ઘરમાં થયેલા ઝઘડામાં ધક્કો મારીને પાડી દેવાયેલાં?

08 February, 2017 04:22 AM IST  | 

22 સપ્ટેમ્બરે જયલલિતાને તેમના ઘરમાં થયેલા ઝઘડામાં ધક્કો મારીને પાડી દેવાયેલાં?



તામિલનાડુનાં સદ્ગત મુખ્ય પ્રધાન જે. જયલલિતાના મોત બાબતે ગઈ કાલે શંકા વ્યક્ત કરતાં AIADMKના સિનિયર નેતા પી. એચ. પાંડિયને આક્ષેપ કર્યો હતો કે બાવીસ સપ્ટેમ્બરે જયલલિતાના પોએસ ગાર્ડન બંગલામાં મોટો ઝઘડો થયો હતો અને એ વખતે ધક્કો મારવામાં આવતાં જયલલિતા ફસડાઈ પડ્યાં હતાં. જયલલિતાનાં વિશ્વાસુ સાથી વી. કે. શશિકલાને તામિલનાડુનાં મુખ્ય પ્રધાન બનાવવાનો પણ પાંડિયને જોરદાર વિરોધ કર્યો હતો.

જયલલિતાના મૃત્યુ બાબતે વિવાદમાં આવેલા નવા વળાંકમાં વિધાનસભાના ભૂતપૂર્વ સ્પીકર પાંડિયને આ કિસ્સામાં મેલી રમત રમાઈ હોવાની શંકા વ્યક્ત કરી હતી. જયલલિતાનું મૃત્યુ અકુદરતી સંજોગોમાં થયું હોવાનો આક્ષેપ કરીને તેમણે જયલલિતાની હૉસ્પિટલમાં કરવામાં આવેલી સારવાર બાબતે તપાસની માગણી કરી હતી.

જયલલિતાને ચેન્નઈની અપોલો હૉસ્પિટલમાં ગયા વર્ષે સપ્ટેમ્બરની બાવીસમીએ દાખલ કરવામાં આવ્યાં હતાં અને મોત સામે ૭૫ દિવસ સુધી જંગ લડ્યા પછી પાંચમી ડિસેમ્બરે તેમનું અવસાન થયું હતું.

બાવીસ સપ્ટેમ્બરની ઘટનાની વાત કરતાં પાંડિયને કહ્યું હતું કે ‘ગયા વર્ષના સપ્ટેમ્બરની બાવીસમીની રાતે પોએસ ગાર્ડન બંગલામાં હાજર હતા એ લોકો વચ્ચે જોરદાર જીભાજોડી થઈ હતી. શશિકલાના પરિવારમાં બની રહેલી ઘટનાઓ બાબતે એ બોલાચાલી થઈ હતી. એ વખતે જયલલિતાને ધક્કો મારવામાં આવ્યો હતો. એના કારણે તેઓ નીચે પડી ગયાં હતાં અને બેભાન થઈ ગયાં હતાં. બીજા દિવસનાં અખબારોમાં આવો અહેવાલ પણ પ્રકાશિત કરવામાં આવ્યો હતો.’