04 April, 2025 10:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મન હોય તો માળવે જવાય અને જો કોઈ ચીજ બહુ ગમતી હોય અને અફૉર્ડ ન કરી શકાતી હોય તો જાતે જ બનાવી લેવાય. સોશ્યલ મીડિયા પર એક છોકરાની ક્રીએટિવિટી જોઈને આવું જ કહેવાનું મન થાય. વિડિયો ક્યાંનો છે એની ખબર નથી, પણ બાઇકનો જબરદસ્ત ક્રેઝ ધરાવતો એક છોકરો તેના કાચા ઘરની બહાર પડેલા ભંગારમાંથી એક બાઇક બનાવે છે. દેખાવમાં આ બાઇક કોઈ રીતે બાઇક જેવી લાગતી નથી. જંગલમાંથી એકઠાં કરેલાં લાકડાં અને ઝાડની ડાળખીઓમાંથી તેણે બાઇકનું હૅન્ડલ અને વચ્ચેનો ઢાંચો બનાવ્યો છે. ભંગારમાંથી ટ્યુબ વિનાનાં જાતજાતની સાઇઝનાં ટાયર્સ એકઠાં કરીને તેણે આગળ-પાછળનાં પૈડાં બનાવ્યાં છે અને ભંગારમાંથી મળેલી બૅટરીને ચાર્જ કરીને ભાઈએ બાઇકને ઈંધણ વિના ચલાવી શકાય એવી બનાવી દીધી છે. લોખંડ અને લાકડીના ભંગારમાંથી તેણે ૧૦ ફુટ લાંબી બાઇક બનાવી લીધી છે અને ઝાડની ડાળખીઓથી બનાવેલું હૅન્ડલ જાણે હરણનાં શિંગડાં હોય એવું લાગે છે. જોકે એમ છતાં જે ફર્રાટેદાર આ બાઇક ચાલે છે એને કારણે છોકરાએ લાખો સોશ્યલ મીડિયા યુઝર્સની લાઇક સમેટી લીધી છે.