ભરવાડના ૧૧ વર્ષના છોકરાએ પોતાની ગાયોને સિંહોથી બચાવવા જુગાડ શોધ્યો

03 August, 2026 06:18 PM IST  |  Nairobi | Gujarati Mid-day Correspondent

કેન્યાના ૧૧ વર્ષના રિચર્ડ ટુરેરેએ ફરતી લાઇટોની અનોખી વ્યવસ્થા બનાવી સિંહોને ગાયોના વાડાથી દૂર રાખવાનો સફળ ઉપાય શોધ્યો. તેની આ સરળ અને અસરકારક શોધ હવે સમગ્ર વિસ્તારમાં અપનાવવામાં આવી રહી છે.

ભરવાડના ૧૧ વર્ષના છોકરાએ પોતાની ગાયોને સિંહોથી બચાવવા જુગાડ શોધ્યો

કેન્યામાં ૧૧ વર્ષના રિચર્ડ ટુરેરે નામના કિશોરે ગજબનો આઇડિયા લડાવીને પપ્પાની ગાયોના ધણને સિંહોનો શિકાર થતાં બચાવ્યું છે. કેન્યાના નાઇરોબી નૅશનલ પાર્ક પાસે જ ઘર હોવાથી રાતના સમયે સિંહો વાડામાં રાખેલી ગાયોનો શિકાર કરી જતા હતા અને આ તેમના માટે રોજિંદી સમસ્યા હતી. દર મહિને ત્રણથી ચાર ગાયો સિંહોનો શિકાર થઈ જતી. રિચર્ડ ૯ વર્ષનો હતો ત્યારથી તે પિતાને આ સમસ્યાથી પરેશાન જોતો હતો. તેણે આ માટે પ્રયોગો શરૂ કર્યા. ગાયના વાડાની બહાર એક ચાડિયો બનાવીને રાખો જેથી સિંહને લાગે કે અહીં નિગરાની કરવાવાળું કોઈક છે. જોકે આ નુસખો એક-બે વાર જ ચાલ્યો. સ્માર્ટ સિંહોએ ડીકોડ કરી લીધું કે ઊભેલું પૂતળું કંઈ રીઍક્ટ કરતું નથી એટલે એનાથી બચીને સિંહો ગાયને ઉપાડી જવા લાગ્યા. સિંહો અંધારાનો ઉપયોગ કરતા હોવાથી રિચર્ડે ગાયના વાડાની બહાર લાઇટો ગોઠવી. જોકે એનાથી સિંહોને દૂરથી પણ ખબર પડવા લાગી કે અહીં એમના માટે ખાવાનો સ્ટૉક પડ્યો છે. રિચર્ડે નોંધ્યું કે સ્થિર લાઇટથી સિંહો ગભરાતા નથી, પણ જો લાઇટ ફરતી હોય તો સિંહોને લાગે કે અહીં કોઈ ફરી રહ્યું છે. તેણે વાડાની ફરતે એવી લાઇટો ગોઠવી જે વારાફરતી ચાલુ થાય. એનાથી એવો આભાસ ઊભો થાય કે કોઈ વ્યક્તિ સતત ફરી રહી છે. આ નુસખો કામ આવી ગયો. છેલ્લા ૬ મહિનાથી રિચર્ડની ગાયોના ધણમાંથી એક પણ ગાયનો શિકાર થયો નથી એટલે હવે કેન્યામાં બીજા ભરવાડો રિચર્ડનું અનુકરણ કરવા લાગ્યા છે. 

kenya wildlife viral videos offbeat news hatke news