અમદાવાદ : કચોરી વેચતા ૧૪ વર્ષના છોકરાનો વીડિયો વાયરલ, સેલેબ્ઝ પણ પહોંચ્યા ત્યાં

24 September, 2021 07:12 PM IST  |  Ahmedabad | Rachana Joshi

ટીવી સ્ટાર જય ભાનુશાલી વાયરલ વીડિયો જોયા બાદ ખાસ મણિનગર કચોરી ખાવા પહોંચ્યો હતો, પણ આજે છોકરો લારી લઈને આવ્યો જ નહોતો

જય ભાનુશાલી (ડાબે), વાયરલ વીડિયોનો સ્ક્રિનશૉટ (વચ્ચે), વિશાલ પારેખ (જમણે)

સોશ્યલ મીડિયા પર સતત તસવીરો અને વીડિયો વાયરલ થતા હોય છે. દર દિવસે કોઈક નવી વસ્તુ, વ્યક્તિ કે પછી જગ્યાનો વીડિયો વાયરલ થાય છે. આ વાયરલ વીડિયો ઘણીવાર મદદગાર પણ સાબિત થાય છે. થોડાક સમય પહેલાં દિલ્હીના ‘બાબા કા ઢાબા’નો વીડિયો વાયરલ થયો હતો અને પછી આખી ઘટના શું હતી તેનાથી સહુ કોઈ જાણકાર જ છે. હવે આ જ રીતે અમદાવાદના ૧૪ વર્ષના છોકરાનો દહી કચોરી વેચતો વીડિયો વાયરલ થયો છે.

ગુજરાતના અમદાવાદ શહેરમાં મણિનગર સ્ટેશનની બહાર એક ૧૪ વર્ષનો છોકરો સાયકલ પર માત્ર દસ રુપિયામાં દહીં કચોરી વેચતો હતો. જેનો વીડિયો સોશ્યલ મીડિયા પર બહુ વાયરલ થયો છે. ટિકટૉક સ્ટાર અને ઢૉલિવૂડ અભિનેતા વિશાલ પારેખ જે વિશાલ ડીઓપીના નામે જાણીતા છે તેમણે ટ્વિટર પર ૧૪ વર્ષના આ છોકરાનો વીડિયો પોસ્ટ કર્યો હતો. તેમણે કચોરી વેચતા છોકરાનો વીડિયો પોસ્ટ કરતા કૅપ્શનમાં લખ્યું હતું કે, ‘આને મદદ કરજો. એ ફક્ત ૧૪ વર્ષનો છે અને માત્ર દસ રુપિયામાં દહી કચોરી વેચે છે. સ્થળ છે : મણિનગર રેલવે સ્ટેશનની સામે, અમદાવાદ. તેના પર ગર્વ કરવા જેવો છે. આ શૅર કરો અને તેની મદદ કરો તેવી વિનંતી કરું છું. તે માત્ર ૧૪ વર્ષનો છે અને પરિવારને મદદ કરવા માટે સખત મહેનત કરે છે’.

વિશાલ પારેખે બપોરે છોકરાનો વીડિયો પોસ્ટ કર્યો હતો અને સાંજ સુધીમાં તો તેની લારી પર લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. છોકરાની કચોરી ખાવા માટે લોકોની પડાપડી થતી હતી તે વીડિયો ત્યાં હાજર કોઈકે વિશાલ પારેખ સાથે શૅર કર્યો અને તે તેમણે શૅર કરતા તેણે ઓનલાઈન પરિવારનો આભાર માન્યો હતો. તેમણે લખ્યું હતું કે, ‘તમે ખરેખર સિતારાઓ છે. ઓનલાઈન પરિવારનો આભાર, ખુબ ખુબ આભાર. જેમણે આ વીડિયો વધુથી વધુ લોકો સુધી પહોંચાડ્યો’.

વાયરલ વીડિયો વિશે વધુ માહિતી મેળવવા માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે વિશાલ ડીઓપીનો સંપર્ક કર્યો હતો. પણ તેમની સાથે સંપર્ક થઈ શક્યો નહોતો.

આ વીડિયો સોશ્યલ મીડિયા પર બહુ વાયરલ થયો છે. અનેક સેલેબ્ઝે પણ તેને શૅર કર્યો છે. ટીવી અભિનેતા અને હોસ્ટ જય ભાનુશાલીએ પણ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ગઈ કાલે એટલે કે ગુરુવારે આ વીડિયો શૅર કર્યો હતો અને લખ્યું હતું કે, ‘હું આવતીકાલે શો માટે અમદાવાદ જવાનો છું. હું ચોક્કસ આ ૧૪ વર્ષના છોકરાને મળીશ અને તેની કચોરી ખાઈશ’.

બાદમાં વાયરલ વીડિયોના આધારે છોકરાની લારી પર જમા થયેલી ભીડનો વીડિયો શૅર કરીને જય ભાનુશાલીએ લખ્યું હતું કે, ‘જો અમદાવાદના દરેક ઘરમાંથી અઠવાડિયે એકવાર લોકો અહીં જાય તો વિચારો છોકરાના ચહેરા પર કેવું સ્મિત હશે. ચાલો આ કરીએ’.

જોકે આજે એટલે કે શુક્રવારે અમદાવાદ પહોંચેલા જય ભાનુશાલીને ઉદાસ થવાનો વારો આવ્યો હતો. જયે ઈનસ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરીને કહ્યું હતું કે, ‘હું આજે છોકરાની કચોરી ખાવા માટે ખાસ ગાંધીનગરથી મણિનગર આવ્યો. પરંતુ છોકરાની લારી ત્યાં છે જ નહીં. કદાચ મારા નસીબમાં તેની કચોરી ખાવાનું નહીં હોય. પણ આ જગ્યા જોઈ લો અને યાદ રાખજો, તે અહીં બેસે છે’.

સોશ્યલ મીડિયામાં કેટલો પાવર છે તે ફરી એકવાર સાબિત થઈ ગયું છે.

gujarat gujarat news ahmedabad viral videos jay bhanushali twitter instagram offbeat news