21 September, 2026 04:46 PM IST | idaho | Gujarati Mid-day Correspondent
બૂટ્સી ડૅરિંગ્ટન
સામાન્ય રીતે ૩ વર્ષનાં ભૂલકાંઓ રમકડાં અને કાર્ટૂનની દુનિયામાં ખોવાયેલાં હોય છે, પરંતુ અમેરિકાની એક બાળકીએ આ ઉંમરે સમગ્ર વિશ્વ ખૂંદી નાખ્યું છે. અમેરિકાના ઇડાહોની માત્ર ૩ વર્ષ અને ૧૩૯ દિવસની બાળકીએ દુનિયાભરના તમામ ૧૨ ડિઝની થીમ પાર્કની સફર પૂરી કરીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં પોતાનું નામ નોંધાવી દીધું છે.
ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર બૂટ્સી ડૅરિંગ્ટન નામની આ બાળકી વિશ્વના તમામ ડિઝની પાર્કની મુલાકાત લેનારી સૌથી નાની વયની વ્યક્તિ બની ગઈ છે. ફ્રાન્સના ડિઝનીલેન્ડ પૅરિસ ખાતે પહોંચતાં જ તેણે આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી.
બૂટ્સીની આ અદભુત સફરની શરૂઆત ૨૦૨૪માં થઈ હતી જ્યારે તે માત્ર ૧૧ મહિનાની હતી. બાળકીની પહેલી ડિઝની-વિઝિટ જપાનના ટોક્યો ડિઝનીસી ખાતે થઈ હતી. એ પછી પરિવાર સાથે કામના સંદર્ભમાં એશિયા યાત્રા દરમ્યાન તેણે શાંઘાઈ અને હૉન્ગકૉન્ગની ડિઝનીલૅન્ડની મુલાકાત લીધી.
બાળકીએ અમેરિકાના કૅલિફોર્નિયા સ્થિત મૂળ ડિઝનીલૅન્ડ અને ફ્લૉરિડાના વૉલ્ટ ડિઝની વર્લ્ડ સહિત વિશ્વભરમાં ફેલાયેલા તમામ ૧૨ પાર્ક જોઈ લીધા.
બૂટ્સી, તેનો પાંચ વર્ષનો ભાઈ બ્રિગ્સ અને માતા-પિતા જેસિકા અને સ્ટીવ સમગ્ર મુસાફરીના વિડિયો તેમના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર શૅર કરતાં રહ્યાં, જેને લોકોએ ખૂબ પસંદ કર્યા છે.