11 October, 2026 03:26 PM IST | America | Gujarati Mid-day Correspondent
અદ્વય જૈન
અમેરિકામાં રહેતા ભારતીય મૂળના ૩ વર્ષના એક બાળકે લખેલું એક પુસ્તક પબ્લિશ થયું હતું જે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નોંધાયું છે. અદ્વય જૈન નામનો આ ટાબરિયો પૂરાં ૪ વર્ષનો થાય એ પહેલાં જ તેણે પુસ્તક લખી નાખ્યું છે. આ પુસ્તકમાં તેણે બાળકોને ખોરાક બરબાદ ન કરવા માટે સલાહ આપી છે અને તેમની જ ઉંમરના બાળકોને હેલ્ધી ફૂડ ખાવાનો સંદેશ પણ આપ્યો છે. તેણે પુસ્તકનું નામ આપ્યું હતું, ‘ડીનો લર્ન્સ નૉટ ટુ વેસ્ટ ફૂડ’. સ્કૂલમાં લંચ-બ્રેક દરમ્યાન બાળકોની ફૂડ-હૅબિટ્સ જોઈને તેણે આ વિશે લખ્યું હતું. અદ્વયની મોટી બહેન ૧૨ વર્ષની વયે રાઇટર અને પેઇન્ટર બની હતી. એ જોઈને અદ્વયને પ્રેરણા મળી હતી. ન્યુ યૉર્કમાં રહેતા અદ્વયના આ મોટિવેશનલ લખાણને પુસ્તક તરીકે પબ્લિશ કરવામાં આવ્યું હતું. અદ્વયનો જન્મ ૨૦૨૨ની ૨૩ એપ્રિલે થયો હતો અને તેનું પુસ્તક ૨૦૨૬ની ત્રીજી એપ્રિલે પ્રકાશિત થયું હતું. આમ ૩ વર્ષ અને ૩૪૫ દિવસની ઉંમરે અદ્વયે લેખક બનવાનો રેકૉર્ડ પોતાના નામે કર્યો હતો.