08 December, 2025 02:24 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
બુઝુર્ગ વ્યક્તિ અને તેમની ૩ મહિનાની પૌત્રી
અમેરિકાના ટેનેસીમાં એક બુઝુર્ગ વ્યક્તિ અને તેમની ૩ મહિનાની પૌત્રી પર તેમના જ ઘરમાં પાળેલા ૭ પિટબુલ કૂતરાએ જીવલેણ હુમલો કર્યો હતો. આક્રમક પિટબુલના હુમલામાં ૫૦ વર્ષના જેમ્સ ઍલેક્ઝાન્ડર સ્મિથ અને તેમની પૌત્રીનું મૃત્યુ થયું હતું. બપોરના સમયે સ્મિથ તેમની પૌત્રી સાથે તેમના જ ઘરમાં મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. સ્મિથના કૂતરાઓ આડોશ-પાડોશમાં પણ આક્રમક વ્યવહાર કરવા માટે જાણીતા હતા. આ જ કૂતરાઓએ ઘરમાં પૌત્રી અને દાદાને પતાવી દીધાં હતાં. ઘરમાં ખૂબ ચીસાચીસ સંભળાઈ રહી હોવાથી પાડોશીઓએ પોલીસને ફોન કર્યો હતો. પોલીસ જ્યારે આવી ત્યારે કૂતરાઓ માસૂમ પર હુમલો કરી રહ્યા હતા અને બીજી તરફ સ્મિથ ઘાયલ અને બેહોશ હાલતમાં મળ્યા હતા. કૂતરાઓ બાળકીના શરીરને ચૂંથી રહ્યા હતા અને કોઈ રીતે દૂર થઈ જ નહોતા રહ્યા એટલે પોલીસે સાતેય કૂતરાઓ પર ગોળી ચલાવી હતી. જોકે એ પહેલાં બાળકી અને દાદા મરી ચૂક્યાં હતાં.