22 October, 2025 02:30 PM IST | Hawaii | Gujarati Mid-day Correspondent
નતાલીદાદીએ આ સ્તરની ફિટનેસ મેળવવા માટે વર્ષોની મહેનત કરી છે
જે ઉંમરે કદાચ કોઈ મૅરથૉન દોડવાનું સપનું જુએ તોય હસી કાઢવામાં આવે એ ઉંમરે અમેરિકાનાં ૮૦ વર્ષનાં નતાલી ગ્રૅબો નામનાં દાદીએ આયર્નમૅન ટ્રાયથ્લોન પૂરી કરીને વિશ્વવિક્રમ સરજ્યો છે. આયર્નમૅન ટ્રાયથ્લોનમાં ૪ કિલોમીટરનું સ્વિમિંગ, ૧૮૦ કિલોમીટરનું સાઇક્લિંગ અને ૪૨.૨ કિલોમીટરનું રનિંગ કરવાનું રહે છે. આ ચૅલૅન્જ પૂરી તો જ ગણાય જો તમે આ બધું જ ૧૭ કલાકની અંદર પૂરું કરી દો. નતાલી ગ્રૅબોએ એ કરી દેખાડ્યું હતું અને વિશ્વનાં સૌથી મોટી વયનાં આયર્નમૅન ટ્રાયથ્લોન ચૅમ્પિયન તરીકે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. નતાલી ગ્રૅબો એ વડીલો માટે પ્રેરણાનો સ્રોત છે જેઓ માને છે કે મોટી ઉંમરે ફિટનેસ પામવી અઘરી છે. નતાલીદાદીએ વિશ્વની સૌથી મોટી, સૌથી લાંબા અંતરની ટ્રાયથ્લોન ૧૬ કલાક ૪૫ મિનિટ ૨૬ સેકન્ડમાં પૂરી કરીને એક વૈશ્વિક સંદેશો આપ્યો છે કે જો મનોબળ મજબૂત હોય તો શરીરની ઉંમર અવરોધ નથી બનતી.
નતાલીદાદીએ આ સ્તરની ફિટનેસ મેળવવા માટે વર્ષોની મહેનત કરી છે. તેઓ બાસ્કેટબૉલ, ફુટબૉલ, સ્કીઇંગ, રનિંગ, સ્ટેપ ઍરોબિક્સ જેવી અનેક પ્રવૃત્તિઓમાં ભાગ લેતાં હતાં. તેમણે છેક ૫૯ વર્ષની ઉંમરે પહેલી વાર તરવાની તાલીમ લીધી હતી. એ પછી ૬૧ વર્ષની ઉંમરે પહેલી વાર એવી શારીરિક ક્ષમતા કેળવી જેમાં તે આયર્નમૅન વિશ્વ ચૅમ્પિયનશિપમાં ભાગ લેવા માટે ક્વૉલિફાય થયાં. આ ક્વૉલિફિકેશન મેળવ્યા પછી અવારનવાર નાનીમોટી ઈજાઓને કારણે તેમનું ટ્રાયથ્લોનમાં ભાગ લેવાનું સપનું અધૂરું રહી જતું હતું. એમ છતાં તેમણે આ ઉંમરે પણ જિમમાં રોજ બે કલાક કસરત કરવાનું રાખ્યું છે.