03 June, 2026 02:12 PM IST | Bihar | Gujarati Mid-day Correspondent
દીપ રાય
બિહારના વૈશાલી જિલ્લાની કોર્ટમાં કમરેથી વળી ગયેલા ૮૫ વર્ષના એક ભાઈને જેલની સજા થઈ હતી. આ ગુનો તેમણે ૩૪ વર્ષ પહેલાં કર્યો હતો. એની સજા તેમને હાલમાં થઈ હતી. વૈશાલી જિલ્લાના જુડાવનપુર ગામમાં ૧૯૯૨ની સાલમાં એક વિવાદમાં એક પતિ-પત્ની પર ફાયરિંગ થયું હતું. એમાં એક જણનું મૃત્યુ થયું હતું. આ હુમલાના આરોપમાં એક જ પરિવારના પાંચ લોકો પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણી એટલી લાંબી ચાલી કે એમાં સંકળાયેલા પાંચમાંથી ચાર જણનું તો ઉંમરને કારણે મૃત્યુ થઈ ગયું હતું. તાજેતરમાં આ કેસનો ફેંસલો જજે સંભળાવ્યો હતો અને દીપ રાય નામના જે ભાઈ બચ્યા હતા તેને સજા સંભળાવી હતી. દીપ રાય પણ કમરેથી વાંકા વળી ગયા છે અને સંતુલન જાળવીને ઊભા પણ નથી રહી શકતા. જોકે કોર્ટે તેમની હાલની સ્થિતિ જોયા પછી પણ કોઈ રહેમ દાખવી નહોતી અને તેમને દોષી ઠેરવીને જેલ મોકલવાનો હુકમ કર્યો છે.