જન્મ પણ સાથે અને આપઘાત પણ સાથે

20 November, 2025 02:29 PM IST  |  Germany | Gujarati Mid-day Correspondent

૮૯ વર્ષની ટ્‌વિન્સ બહેનોએ સાથે ઇચ્છામૃત્યુ સ્વીકાર્યું

એલિસ અને ઇલેન કેસલર

જર્મનીમાં જન્મેલી એલિસ અને ઇલેન કેસલર નામની જોડિયા બહેનો ૧૯૫૦થી ૧૯૬૦ના દાયકામાં જર્મની અને ઇટલીમાં સિંગર, ડાન્સર અને ઍક્ટ્રેસ તરીકે ખૂબ જાણીતી બની હતી. એન્ટરટેઇનમેન્ટ જગતમાં કેસલર સિસ્ટર્સ તરીકે ખાસ્સો સમય દબદબો જાળવ્યા પછી પાછલી જિંદગી પણ તેમણે સાથે જ ગાળી. ટ્‌વિન્સ બહેનોએ તેમનો સ્ટેજ પરનો પ્રત્યેક પર્ફોર્મન્સ સાથે જ આપ્યો હતો. જોકે તેમના જીવનનો છેલ્લો પડાવ પણ બન્નેએ સાથે જ ગાળ્યો અને મૃત્યુને પણ એકસાથે જ ગળે લગાવ્યું. સોમવારે તેમણે મ્યુનિક શહેરમાં પોતાના જ ઘરે અસિસ્ટેડ સુસાઇડ એટલે કે ઇચ્છામૃત્યુ મેળવીને છેલ્લા શ્વાસ લીધા હતા. તેમણે એક વર્ષ પહેલાં જર્મનીના બર્લિનમાં આવેલા અસિસ્ટેડ સુસાઇડની સર્વિસ આપતા સેન્ટરનો સંપર્ક કર્યો હતો. એ પછી ત્યાંના ડૉક્ટરોએ તેમના માનસિક સ્વાસ્થ્યની તપાસ કરી હતી. કાઉન્સેલરોએ નોંધ્યું હતું કે એકસાથે જન્મેલી બહેનો ઘણા સમયથી જીવનના અંતિમ સમયને સાથે જ વિરામ આપવાનો વિચાર કરી રહી હતી. એમાં કોઈ ડિપ્રેશન કે સાઇકિયાટ્રિક ક્રાઇસિસ નહોતી. આખરે ડૉક્ટરોએ તેમને સોમવારે તેમના જ ઘરમાં શાંતિપૂર્વક મૃત્યુને ભેટવાની તેમની ઇચ્છા પૂરી કરી હતી. 

offbeat news international news world news germany suicide