04 March, 2026 02:28 PM IST | Thailand | Gujarati Mid-day Correspondent
કેત્સારો
ડુઆંગડુઆન કેત્સારો નામની ૩૭ વર્ષની થાઇલૅન્ડની એક મહિલાનાં લગ્નની ચર્ચા દેશ-વિદેશમાં થઈ રહી છે. એ બહુ ગ્રૅન્ડ લેવલ પર થયાં હતાં એટલે નહીં, એકસાથે બે પુરુષો સાથે થયેલાં લગ્ન હતાં એટલા માટે ચર્ચામાં હતાં. કેત્સારો વર્ષોથી આ બન્ને પુરુષો સાથે સંબંધ ધરાવતી હતી અને તેનું કહેવું છે કે આપસમાં સહમતી સાથે જ તેણે બન્ને સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. કેત્સારો એક સિંગર અને સૉન્ગરાઇટર હતી અને પતાયામાં કામ કરતી હતી. એ વખતે તે રોમન નામના ઑસ્ટ્રિયાના રિટાયર્ડ પોલીસ-ઑફિસરને મળી અને પ્રેમમાં પડી હતી. બન્નેના સંબંધો પાંચ વર્ષ ચાલ્યા. એ પછી તેની મુલાકાત ઑસ્ટ્રિયાના બીજા પોલીસ-ઑફિસર મૅકી સાથે થઈ. આ સંબંધ તેમના માટે પહેલાં કપલના દોસ્ત તરીકે શરૂ થયો હતો અને પછી એક અલગ જ પ્રકારની પાર્ટનરશિપમાં બદલાઈ ગયો. આખરે ત્રણેયે પોતાના આ સંબંધને ઑફિશ્યલ બનાવવાનું નક્કી કર્યું. ત્રણેયે ભવિષ્યના જીવન વિશે ખૂલીને વાતો કરી અને પૂરી પારદર્શકતા સાથે બન્ને સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. નવાઈની વાત એ છે કે કેત્સારોના બહુ નાની વયે એક વાર લગ્ન થઈ ચૂક્યાં હતાં અને એ લગ્નથી ત્રણ દીકરીઓ પણ હતી. પહેલાં લગ્ન તો વર્ષો પહેલાં જ ખતમ થઈ ગયાં હતાં, પરંતુ આ નવાં લગ્ન માટે તેણે પોતાનાં સંતાનો અને માતાપિતા બધાની સહમતી લીધી હતી.