29 December, 2025 11:22 AM IST | Italy | Gujarati Mid-day Correspondent
આ નિર્જન જેવા વિસ્તારમાં લારાનો ઉછેર કઈ રીતે થશે એ બાબતે ચિંતા છે કેમ કે અહીં નથી કોઈ સ્કૂલ કે નથી કોઈ તેના જેટલું બીજું બાળક.
ઇટલીના અબ્રુઝો પર્વતમાળાની વચ્ચે એક નાનકડું ગામ છે જેનું નામ છે પગલિયારા દેઈ માર્સી. આ એવું ગામ છે જ્યાં જાણે સમય થંભી ગયો છે. પથ્થરની ગલીઓમાં માણસોનો અવાજ નહીં, પરંતુ બિલાડીઓ જ દેખાય છે. દાયકાઓથી આ ગામમાં કોઈ બાળક પેદા નથી થયું. સ્કૂલ બંધ હતી, ઘરો ખાલી છે અને ગામમાં માત્ર બુઝુર્ગો જ વસી રહ્યા છે. જોકે ૨૦૨૫ના માર્ચ મહિનામાં કંઈક એવું થયું જેણે આખા ગામની સિકલ બદલી નાખી. ૩૦ વર્ષ પછી અહીં એક બાળકીનો જન્મ થયો.
પગલિયારા દેઈ માર્સીમાં એક બાળકી જન્મી જેણે ગામમાં રહેતા વડીલોના જીવનમાં પણ નવી આશા ભરી દીધી. આ બાળકીનું નામ છે લારા. લારાના જન્મ પછી આ ગામમાં વસતા લોકોની સંખ્યા થઈ છે ૨૦ની. લારાનો જન્મ તેના પેરન્ટ્સ માટે જ નહીં, આખા ગામ માટે ઉત્સવ સમાન છે. હવે આખું ગામ એક બાળકને ઉછેરે છે. અહીં ઘરો ઘણાં છે, પણ લોકો આંગળીના વેઢે ગણાય એટલા. ઘરો ભેંકાર ભાસે છે કેમ કે વર્ષો પહેલાં લોકો આ ગામ છોડીને નીકળી ગયા છે. જોકે હવે નવી જન્મેલી ટબૂકડી લારાની કિલકારીની ગુંજને કારણે ગામના વડીલો જ નહીં, બિલાડીઓ પણ ખૂબ ખુશ રહેવા લાગી છે. આ નિર્જન જેવા વિસ્તારમાં લારાનો ઉછેર કઈ રીતે થશે એ બાબતે ચિંતા છે કેમ કે અહીં નથી કોઈ સ્કૂલ કે નથી કોઈ તેના જેટલું બીજું બાળક.