જાલંધરમાં જાણે ન્યુ યૉર્ક ઊતર્યું

23 March, 2026 12:59 PM IST  |  Punjab | Gujarati Mid-day Correspondent

૨૬ વર્ષ અમેરિકા રહ્યા બાદ NRIએ ઘરની છત પર બનાવી સ્ટૅચ્યુ ઑફ લિબર્ટીની પ્રતિકૃતિ

ગુરજિત સિંહ મઠારુએ જાલંધરના કિશનપુરા વિસ્તારમાં આવેલા પોતાના ૪ માળના મકાનની છત પર અમેરિકાના વિશ્વપ્રસિદ્ધ સ્મારક ‘સ્ટૅચ્યુ ઑફ લિબર્ટી’ની આબેહૂબ પ્રતિકૃતિ સ્થાપિત કરી છે.

પંજાબના જાલંધર જિલ્લામાં એક અનોખો નઝારો જોવા મળી રહ્યો છે. અહીં એક NRI એટલે કે નૉન-રેસિડન્ટ ઇન્ડિયને પોતાના વતનની યાદોનો અને કર્મભૂમિ અમેરિકા પ્રત્યેના પ્રેમનો અનોખો સમન્વય સાધ્યો છે. ન્યુ યૉર્કમાં ૨૬ વર્ષ ગાળ્યા બાદ પાછા ફરેલા ગુરજિત સિંહ મઠારુએ જાલંધરના કિશનપુરા વિસ્તારમાં આવેલા પોતાના ૪ માળના મકાનની છત પર અમેરિકાના વિશ્વપ્રસિદ્ધ સ્મારક ‘સ્ટૅચ્યુ ઑફ લિબર્ટી’ની આબેહૂબ પ્રતિકૃતિ સ્થાપિત કરી છે.

ગુરજિત સિંહ છેલ્લા અઢી દાયકાથી ન્યુ યૉર્કમાં બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. તેમણે જણાવ્યું હતું કે ‘ન્યુ યૉર્કમાં રહેતી વખતે જ્યારે પણ હું આ સ્મારક પાસેથી પસાર થતો ત્યારે મને એક વિશેષ અનુભૂતિ થતી હતી. હું દર વર્ષે ભારત આવતો હતો, પરંતુ ન્યુ યૉર્કની આ યાદ મારી સાથે જ રહેતી. આથી મેં મારા પૈતૃક ઘરને ખાસ બનાવવા અને વિદેશની એક ઝલક અહીં લાવવા માટે આ નિર્ણય લીધો હતો.’

આ પ્રતિકૃતિ તૈયાર કરવામાં અંદાજે વીસથી પચીસ દિવસનો સમય લાગ્યો છે અને એમાં અંદાજે ૩ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ગુરજિત સિંહે માત્ર મૂર્તિ જ નહીં, પોતાની અગાસી પર અમેરિકાના ધ્વજ અને પંજાબી ગાયક સિધુ મૂસેવાલાનાં પોસ્ટરો પણ લગાવ્યાં છે જે તેમના શોખ અને મૂળિયાં પ્રત્યેના પ્રેમને દર્શાવે છે. જ્યારથી આ પ્રતિકૃતિ ઘરની છત પર મુકાઈ છે ત્યારથી એ આખા પંજાબમાં ચર્ચાનો વિષય બની છે. માત્ર આસપાસના વિસ્તારોના જ નહીં, દૂર-દૂરથી લોકો આ ‘મિની ન્યુ યૉર્ક’ જોવા માટે કિશનપુરા આવી રહ્યા છે. આવતા-જતા લોકો ઊભા રહીને આ મૂર્તિ સાથે સેલ્ફી લેતા પણ જોવા મળે છે.

પંજાબના દોઆબા વિસ્તારમાં NRI પરિવારો દ્વારા પોતાના ઘરની છત પર વિમાન, ટૅન્ક કે અન્ય પ્રતીકો બનાવવાનો જૂનો રિવાજ રહ્યો છે; પરંતુ આ રીતે સ્ટૅચ્યુ ઑફ લિબર્ટીની સ્થાપના કરીને ગુરજિત સિંહે સૌનું ધ્યાન ખેંચ્યું છે. સ્થાનિક લોકોના મતે આવી સર્જનાત્મકતાથી શહેરને એક નવી ઓળખ મળે છે.

offbeat news punjab jalandhar new york india