...અને આ ડ્રેસ પર ફૂડ છે

04 February, 2023 10:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડ્રેસ આઉટફિટ્સ અને મેકઅપના ફૅશન-શો થોડા સમયમાં જ ટૉક ઑફ ધ ટાઉન બની જાય છે.

ટેબલ-ક્લોથ સાથે જોડાયેલા ડ્રેસ સાથે રૅમ્પ-વૉક કરતી એક મૉડલ

ડ્રેસ આઉટફિટ્સ અને મેકઅપના ફૅશન-શો થોડા સમયમાં જ ટૉક ઑફ ધ ટાઉન બની જાય છે. પ્રેક્ષકો કૅટ-વૉક પર ઊતરતા મૉડલને જોવા માટે આતુર રહેતા હોય  છે. તાજેતરમાં ટેબલ-ક્લોથ સાથે જોડાયેલા ડ્રેસ સાથે રૅમ્પ-વૉક કરતી એક મૉડલનો વિડિયો વાઇરલ થયો છે, જેમાં ટેબલ-ક્લોથ પર ખાવાનું અને ક્રૉકરી રાખવામાં આવી હતી. મૉડલે આ બધું પોતાની સાથે ખેંચીને રૅમ્પ-વૉક કર્યો હતો.
ડિઝાઇનર ભાઈ-બહેન નન્ના અને સિમોન વિકે હાલમાં કોપનહેગન ફૅશન-વીકમાં તેનાં ઑટમ-વિન્ટર ૨૦૨૩ કલેક્શન રજૂ કર્યાં હતાં, જેનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. વિડિયોમાં મૉડલ સારાહ ડહલ અન્ય મહેમાનો સાથે બેઠી છે. તેના ટેબલ પર અડધી ખવાયેલી પ્લેટ, કૅન્ડલ, સિગારેટનાં ઠૂંઠાં અને વાઇન ગ્લાસ સ્ટેન સાથેની સફેદ આમંત્રણ-પત્રિકા જોવા મળે છે. મૉડલે ગુલાબી કૉર્સેટ અને મિની સ્કર્ટ પહેર્યાં છે. લોકોમાં પોતાના ડ્રેસની નોંધ લેવા માટે પહેલાં તે ટોસ્ટ કરે છે અને પછી ચાલવા માંડે છે. તે ચાલવા માંડતાં તેના ડ્રેસ સાથે જોડાયેલું ટેબલ-ક્લોથ ખેંચાઈ આવે છે અને એની સાથે ટેબલ પરની પ્લેટ અને અન્ય ચીજો જમીન પર પડીને તેની પાછળ ઘસડાય છે. અત્યાર સુધી આ પોસ્ટને ૬ લાખ લાઇક્સ અને ૨૩,૦૦૦ વ્યુઝ મળ્યા છે. આ પોસ્ટને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે.

offbeat news fashion