22 September, 2026 01:56 PM IST | Ranchi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતીય ટ્રેનો આએદિન મોડી પડતી હોય છે. એને કારણે જો તમે ટ્રેનના સમય અનુસાર આગળની કનેક્ટિંગ જર્ની પ્લાન કરી હોય તો આખી યોજના બગડી જાય છે. સમય ચૂકવાને કારણે અગત્યનાં કામો, મીટિંગો કે ક્યારેક પરીક્ષા પણ ચુકાઈ જાય છે. સામાન્ય રીતે ભારતીય પ્રવાસીઓ એક-બે કલાકનું માર્જિન લઈને જ ચાલે છે, પણ જ્યારે ટ્રેનો લાંબા કલાકો મોડી પડે અને રેલવે એનું કોઈ મજબૂત કારણ પણ ન બતાવી શકે ત્યારે મુસાફરો વળતરની માગણી કરી શકે છે. ઝારખંડમાં સંજય કુમાર નામના મુસાફરે કન્ફ્યુમર કમિશનમાં ફરિયાદ કરીને મોડી પડેલી ટ્રેન માટે વળતર મેળવ્યું છે.
વાત ૨૦૨૪ના સપ્ટેમ્બર મહિનાની ૨૩ તારીખની છે. સંજય કુમારે તાતાનગરથી સંબલપુર જનારી ૧૨૮૭૧ ઇસ્પાત એક્સપ્રેસમાં બે સ્લીપર ટિકિટ બુક કરી હતી. ટ્રેન સવારે ૧૦.૧૮ વાગ્યે તાતાનગરથી રવાના થવાની હતી અને એ જ દિવસે બપોરે ૩.૫૦ કલાકે સંબલપુર પહોંચવાની હતી, પરંતુ ટ્રેન નિર્ધારિત સમય કરતાં ૫૨૮ મિનિટ એટલે કે લગભગ ૯ કલાક મોડી પડી. આટલા લાંબો સમય ડીલે થવાને કાણે સંજય કુમારે રેલવે સામે કાયદાકીય કાર્યવાહી કરવાનો વિકલ્પ અપનાવ્યો. સંજય કુમારે ટ્રેન લેટ પડવાને કારણે તેમને શારીરિક, માનસિક અને આર્થિક પરેશનીઓનો સામનો કરવો પડ્યો હોવાનો દાવો કર્યો. તેમણે ગ્રાહક સુરક્ષા કમિશનમાં કેસ કરીને ૪.૫ લાખ રૂપિયાનું વળતર માગ્યું હતું. સાઉથ-ઈસ્ટર્ન રેલવે અને ઈસ્ટ કોસ્ટ રેલવેએ આરોપનો સામનો કરીને દલીલ કરી હતી કે ‘ટ્રેન સેફ્ટી સાથે ચલાવવા માટે ટ્રેન મોડી પડી હતી. બીજી તરફ મુસાફરને આર્થિક નુકસાનીના કોઈ પુરાવા નથી મળ્યા.’
જોકે સેફ્ટીના નામે ૯ કલાકનું ડીલે જસ્ટિફાય કરી શકાય એવા પુરાવાઓ રેલવે પૂરા પાડી શકી ન હોવાથી કન્ઝ્યુમર કમિશને સાઉથ ઈસ્ટર્ન રેલવેને ૪૫ દિવસની અંદર ૩૫,૦૦૦ રૂપિયાનું વળતર સંજય કુમારને ચૂકવવાનો આદેશ આપ્યો હતો.