17 October, 2025 11:16 AM IST | Scotland | Gujarati Mid-day Correspondent
સ્કૉટલૅન્ડમાં ૬૮ વર્ષના જેરાર્ડ મૅકઍલિસ
સ્કૉટલૅન્ડમાં ૬૮ વર્ષના જેરાર્ડ મૅકઍલિસ નામના ભાઈને છેલ્લાં ૬ વર્ષમાં દુર્લભ બીમારીનો સામનો કરવો પડ્યો હતો. એ બીમારીને કારણે તેમનો ચહેરો જ બદલાઈ ગયો. નાક પર પહેલાં સોજો આવ્યો અને પછી એમાં માંસપેશીઓનો વધારો થવાને કારણે નાકનો આકાર ત્રિકોણ સમોસા જેટલી સાઇઝનો થઈ ગયો. ડૉક્ટરનું કહેવું હતું કે જેરાર્ડને રાઇનોફાઇમા નામની સમસ્યા છે. એમાં નાકની નીચે આવેલી સેબેશિયસ ગ્રંથિઓ અસામાન્ય રીતે વધી જાય છે. ગ્રંથિ ફૂલી જવાથી નાક પર સોજો અને લાલાશ થયાં હતાં અને જાડી ત્વચા વિકસવા લાગી હતી. પહેલાં તો તેમણે આ પરિસ્થિતિ નજરઅંદાજ કરી, પણ પછી નાકની ત્વચા એટલી વધી ગઈ કે એ મોં સુધી આવવા લાગી. નાકને કારણે શરમજનક સ્થિતિમાં મુકાવું પડતું અને પત્નીની પણ ફરિયાદો વધી ગયેલી એટલે આખરે તેમણે ગ્લાસગોના એક ક્લિનિકમાં નાકના સ્પેશ્યલિસ્ટ પાસે જઈને સર્જરી કરાવી. તેમની સર્જરી કરનાર ડૉક્ટરનું કહેવું હતું કે રાઇનોફાઇમાનો આ સૌથી ગંભીર કેસ હતો. એમ છતાં ડૉક્ટરોએ ૪ કલાકની સર્જરીમાં કૉમ્પ્લિકેટેડ કેસને સુધાર્યો હતો. જેરાર્ડ કહે છે કે સર્જરી પછી મને ફરીથી માણસ બની ગયો હોઉં એવું લાગે છે.