17 September, 2024 01:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બસ, ટ્રેન કે સિનેમાહૉલમાં ઘણા લોકો કોઈ ને કોઈ વસ્તુ ભૂલી જતા હોય છે. હોટેલમાં રોકાણ દરમ્યાન પણ ઘણા લોકો સામાન ભૂલી જતા હોય છે. સામાન્ય રીતે લોકો ફોનનું ચાર્જર, ગંદાં કપડાં ધોવાના સાબુ-પાઉડર, પાવર એડેપ્ટર, મેકઅપ અને ટૉઇલેટરીઝ ભૂલી જતા હોય છે, પણ કેટલાક તો ૫૦ કરોડ રૂપિયાની રોલેક્સ ઘડિયાળ જેવી મોંઘી વસ્તુ અને પાળેલી ગરોળી પણ ભૂલી જાય છે. માન્યામાં ન આવે એવી વાત હમણાં બહાર આવેલા સર્વેમાં જાણવા મળી છે. વૈશ્વિક સ્તરે ઑનલાઇન હટેલ-બુકિંગમાં મોટું નામ ધરાવતા હોટેલ્સ.કૉમે આખા જગતની ૪૦૦થી વધુ હોટેલ પાસેથી ડેટા એકઠો કરીને આ સર્વે કર્યો છે. ૧૦ ટકા હોટેલોમાં લોકોએ ચોકઠું ખોવાયાની ફરિયાદ પણ કરી છે. આ તો ઠીક, લોકો હર્મીસ બિર્કિન બૅગ, લક્ઝરી કારની ચાવી, મહત્ત્વના દસ્તાવેજો, કારનું ટાયર, સગાઈની વીંટી અને રોકડ રૂપિયા પણ લોકો ભૂલી જાય છે. બે જણ તો પાળેલી ગરોળી અને મરઘીનું બચ્ચું પણ હોટેલમાં ભૂલી ગયા હતા.