11 October, 2026 02:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
પહેલાંના જમાનામાં ખેતરે કામ કરતા પતિ માટે પત્ની રોંઢો લઈને જતી પરંતુ શહેરોમાં આવો નજારો કદી જોવા મળતો નથી. મુંબઈના જ્ઞાનદ ભટ્ટ નામના એક ભાઈએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર એક સાદી ઘટનાને જરાક અલગ નજરિયાથી રજૂ કરતી તસવીર શૅર કરી હતી. એક બૅન્કની બહાર સિક્યૉરિટી ગાર્ડ તરીકે કામ કરતા વૉચમૅન માટે તેની પત્ની ડબ્બો લઈને આવી હતી અને બન્ને બંધ બૅન્કની બહાર સાથે ડિનર લઈ રહ્યા હતા. તસવીરની સાથે તેમણે લખ્યું હતું, ‘આ સાદી ઘટનામાં પણ કેટલી સુંદરતા છે? એક પત્ની પોતાના સિક્યૉરિટી ગાર્ડ પતિ માટે ડિનર લઈને આવી છે જેથી દિવસનું એક ભોજન બન્ને સાથે બેસીને કરી શકે અને થોડોક સમય સાથે ગાળી શકે. આજના જમાનામાં સંબંધોને કરીઅર, સ્ટેટસ અને પૈસાથી માપવામાં આવે છે ત્યારે બની શકે કે દુનિયાની નજરમાં આ સિક્યૉરિટી ગાર્ડ પાસે બહુ ખાસ કંઈ ન હોય, પરંતુ તેની પાસે એ બધું જ છે જે જીવનમાં અસલમાં મહત્ત્વનું છે.’